સ્ત્રીઓ અને તેમના જીવન પર અઢળક ફિલ્મો બની જ છે, પણ હજી આજની તારીખે પણ તેમના માટે ઘણું-ઘણું કહી શકાય એવું બાકી છે
ફિલ્મનો સીન
ફિલ્મો સમાજનું દર્પણ છે એવું કહેવાય છે, પણ એવું કેમ છે એ હું વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑફ જર્નલિઝમ ઍન્ડ માસ કમ્યુનિકેશનમાં ભણતી હતી ત્યારે સમજી. અમુક અરીસા એવા હોય છે જેમાં પ્રતિબિંબ ઘણું ઝાંખું હોય છે, પરંતુ કેટલાંક દર્પણ એટલાં સરસ બનાવેલાં હોય છે કે તમારે ધ્યાનથી જોવાની જરૂર જ નથી ઃ એક નજર નાખો અને ચિત્ર એકદમ સ્પષ્ટ બનીને ઊભરાઈને સામે આવે છે. એવી ફિલ્મો જે સમાજનું સ્પષ્ટ ચિત્રણ કરી શકતી હોય એ એક માસ્ટરપીસ બની જાય છે. આવી માસ્ટરપીસ ફિલ્મો સમાજને એક સંવેદના બક્ષતી હોય છે, કારણ કે એ ફક્ત સસ્તું મનોરંજન આપવા માટે સર્જાયેલી નથી. જોકે કરોડો રૂપિયાના બજેટ સાથે બનતી આવી ફિલ્મોના મનોરંજનને સસ્તું કહેવામાં મારા મિડલ ક્લાસ મગજને કષ્ટ તો પડ્યું, પણ એ કષ્ટને છોડીને રાહતની વાત આગળ ધપાવીએ.
સ્ત્રીઓ અને તેમના જીવન પર અઢળક ફિલ્મો બની જ છે, પણ હજી આજની તારીખે પણ તેમના માટે ઘણું-ઘણું કહી શકાય એવું બાકી છે. થોડા સમય પહેલાં યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું નામ છે ‘હક’. હાલમાં એ OTT પ્લૅટફૉર્મ પર આવી છે. ૭૦ના દશકમાં ટ્રિપલ તલાક સામે કોર્ટમાં જઈને લડનારી સ્ત્રી શાહબાનોના જીવન પર આધારિત આ ફિલ્મમાં ડિરેક્ટર સુપર્ણ વર્માએ જે રીતે સ્ત્રીનો નિર્દેશ કર્યો છે એ જોઈને લાગે કે તેમણે સ્ત્રીઓ પર ચોક્કસ PhD ક્યું છે. બને કે તેમના PhDના ગાઇડ તરીકે જાણીતાં પત્રકાર અને લેખક જિજ્ઞા વોરાનું લખેલું પુસ્તક ‘બાનો : ભારત કી બેટી’ અને તેમની ફિલ્મની લેખિકા રેશુ નાથ હોય. આ વિચાર એટલે આવ્યો કે સ્ત્રી તરીકે મને લાગે છે કે એક પુરુષ તો આટલી સારી રીતે સ્ત્રીને ન જ સમજી શક્યો હોયને (હા, જીવનનાં ૪૧ વર્ષના અનુભવો તમને આવું વિચારવા પર મજબૂર કરી શકે), પણ બીજી સ્ત્રીના માર્ગદર્શન હેઠળ પણ સ્ત્રીને આટલી નજીકથી સમજનારા પુરુષ માટે તાળીઓ તો વગાડવી જ પડે.
ADVERTISEMENT
આમ તો ‘હક’ વિશે ઘણું-ઘણું લખવા અને વિચારવા જેવું છે, પણ મારે આજે અહીં એક ખાસ સીનની વાત કરવી છે. ‘હક’ જેમણે નથી જોયું તેમને કદાચ રેફરન્સ ન સમજ પડે તો આ ફિલ્મની વાત કંઈક આવી છે. ઇમરાન હાશ્મી એટલે કે અબ્બાસે યામી ગૌતમ એટલે કે બાનો સાથે અરેન્જ્ડ મૅરેજ કર્યાં છે અને થોડા સમય પછી તે બીજાં લગ્ન કરીને ઘરે પોતાની નવી પત્નીને લઈને આવે છે. સહજ છે કે બાનો પડી ભાંગે છે. તેનાથી સહન નથી થતું. જેમ-તેમ તે આ નવી વ્યવસ્થામાં ઢળવાની કોશિશ કરે છે, પણ એ સમયે બાનો અને પોતાનાં સંતાનોથી અબ્બાસ દૂર જ થતો જાય છે. વધતી જતી દૂરીને ઓછી કરવાના બાનોના બધા જ પ્રયાસો અસફળ બનતા જાય છે. ફરિયાદો અને ઝઘડા વધતા જાય છે અને તે રિસાઈને બાળકોને લઈને પિયર જતી રહે છે. મોટા ભાગની પત્નીઓ જ્યારે રિસાઈને પિયર જાય ત્યારે તેમના મનના ખૂણે એક આશા હોય છે કે ગમે તે હોય મારો પતિ મને મનાવવા ચોક્કસ આવશે. તે ભલે ઘર છોડીને ગઈ હોય છે, પણ કાગડોળે વાટ જોતી હોય છે કે ક્યારે પતિ લેવા આવે અને તે તેના ઘરે જાય. બાનો પણ આ નૉર્મલ સ્ત્રીઓ જેવી જ હતી. તે અબ્બાસની રાહ જોતી રહી, પણ ન તેણે પત્ર લખ્યો કે ન ફોન કર્યો. ઊલટું અબ્બાસે મહિનાનો જે ખર્ચ હતો એ પણ મોકલવાનું બંધ કરી દીધું. બાનોની તો છોડો, પોતાનાં બાળકોની ખબર પણ તેણે ન લીધી. તેણે તો વિચારી લીધું કે તે બાનોને તલાક આપી દેશે. એક દિવસ અબ્બાસે બાનોને ઘરે બોલાવી. આ જ એ સીન છે જેની મારે આજે વાત કરવી છે.
બાનોને અબ્બાસના ઇરાદાઓ વિશે કશી જ ખબર નથી. અબ્બાસને મળવા માટે તે તેના ઘરે પહોંચે છે. તેના મનમાં ફરી બધું ઠીક થઈ જવાની આશા છે (સ્ત્રીઓ કોઈ પણ પરિસ્થિતિમાં કઈ રીતે આટલી હકારાત્મક રહે છે એ એક કુતૂહલનો વિષય તો ખરો). તે ઘરમાં જેવી અંદર આવે છે કે તેણે વાવેલો ગુલાબનો બગીચો એકદમ ખીલેલો દેખાય છે, જાણે એ ગુલાબ એના માળીને જોઈને હરખાતાં હોય. ઘરના હૉલમાં તે પ્રવેશે છે અને નોકર કહે છે કે તમે રાહ જુઓ, હું તેમને બોલાવીને આવું. ત્યાં અછડતી તેની નજર ટીવી પર પડે છે. ટીવીના કવર પર ધૂળ બાઝેલી છે. તે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાનો દુપટ્ટો લે છે અને એ ધૂળને એનાથી લૂછી નાખે છે. એ ક્ષણે મારા મનમાંથી ચિત્કાર ઊઠે છે કે કેમ બાનો કેમ? જે માણસને તારી કંઈ પડી નથી, જેણે તને કહ્યા વગર બીજાં લગ્ન કરી લીધાં, જે તારાં બાળકોની જવાબદારી પણ લેવા માગતો નથી તેના ઘરની સફાઈની તને કેમ પડી છે? શું જરૂર છે? આપણે સ્ત્રીઓ આવી કેમ છીએ? કેમ?
પણ આ પ્રશ્નના ઊંડાણમાં જઈએ તો સમજાશે કે સ્ત્રી પરણે છે તો પુરુષને, પણ તે ફક્ત પુરુષ સાથે જોડાયેલી નથી હોતી. તે પરણીને જે ઘરમાં જાય છે એ ઘર સાથે તે જોડાયેલી હોય છે. એ સ્ત્રી જ છે જે મકાનને ઘર બનાવે છે. એના દરેક ખૂણા સાથે તે પોતાનો સંબંધ જોડી લેતી હોય છે. એ મકાનની ચાર દીવાલો એ દીવાલો નથી, તેની દુનિયા છે જેને તે દરરોજ સાફ રાખતી હોય છે અને વધુ ને વધુ સુંદર બનાવવાનો પ્રયત્ન કરતી હોય છે. માન્યું કે પરિસ્થિતિ અલગ છે, પણ જે જગ્યા પર તે ક્યારેય ધૂળ બેસવા દેતી નહોતી એના પર બાઝેલી ધૂળ તેને કઠે તો ખરી જને? હા, માન્યું કે આ દુનિયા જેને કારણે છે તેણે જ દગો દીધો, પણ શું એટલે એકઝાટકે તે આ ઘરથી અલગ થઈ જવાની હતી? અને જો તે આ ઘરથી અલગ નથી થઈ શકતી તો તે પોતાના ઘરવાળાથી અલગ થાય ત્યારે તેની શું હાલત થાય? ફિલ્મમાં પ્રગટ સંવેદના દ્વારા મારા મનમાં ઊભો થયેલો આ પ્રશ્ન કે સ્ત્રીઓ આવી કેમ હોય છે એનો જવાબ પણ એ જ છે કે સ્ત્રીઓ જ આવી હોઈ શકે છે.


