Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કંઈ પણ જુઓ, વાંચો કે સાંભળો તો એને સીધેસીધું માની ન લો એ હિતમાં છે

કંઈ પણ જુઓ, વાંચો કે સાંભળો તો એને સીધેસીધું માની ન લો એ હિતમાં છે

Published : 03 September, 2026 03:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ફેક ન્યૂઝના યુગમાં સ્ક્રીન પર દેખાતી દરેક વાતને સત્ય માનવાને બદલે વિવિધ સોર્સથી માહિતી ચકાસીને સ્વતંત્ર રીતે ઓપિનિયન બનાવવો જરૂરી છે.

ડૉ. નીરવ રાયચુરા

What’s On My Mind?

ડૉ. નીરવ રાયચુરા


આજના સમયમાં ચારેય બાજુથી ઇન્ફર્મેશનનો મારો છે. લોકો વિચારો પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી ઉધારીમાં મેળવી રહ્યા છે ત્યારે તમે તમારી સ્ક્રીન પર જે પણ જુઓ છો એ કોઈ સનાતન સત્ય હોય એમ માનીને રીઍક્શન આપતા ન થઈ જાઓ. યાદ રહે કે અત્યારના સમયમાં તમારો ઓપિનિયન તમારો નથી. તમે જે જોઈ રહ્યા છો અથવા તમને જે દેખાડવામાં આવી રહ્યું છે એ પહેલેથી જ પૂર્વગ્રહયુક્ત હોઈ શકે છે. ફેક ન્યુઝ અને મનમાન્યા નૅરેટિવથી ચાલી રહેલી આ દુનિયામાં તમે તમારો ઓપિનિયન કોઈકના કહેવાથી બનાવવાનો પ્રયાસ કરશો તો તમે નિષ્ફળ નીવડશો. તમારે તમારી સ્વતંત્ર વિચારધારાને જીવંત રાખવા માટે તમારાં આંખ, કાન ખુલ્લાં રાખીને જે સાંભળ્યું છે એ બધું જ ખોટું હોઈ શકે એ રીતે એને સ્વીકારવું મહત્ત્વનું છે.
હું મારા જ દાખલા સાથે આ વાત સમજાવું. અમે જ્યારે મેડિકલનું ભણતા હોઈએ ત્યારે શીખવવામાં આવેલી વાત છે કે તમે જ્યારે કોઈ પણ મેડિકલ જર્નલનો રિસર્ચ રિપોર્ટ વાંચો તો એને સત્ય ગણીને સ્વીકારી નહીં લો. તમારું મગજ ક્રિટિકલ થિન્કિંગ મોડમાં હોવું જોઈએ. એટલે શું? એટલે એમ કે તમે જે વાંચી રહ્યા છો એ ખોટું હોઈ શકે, જે ટ્રીટમેન્ટ અથવા દવાના આધારે કોઈ કેસમાં ઇમ્પ્રૂવાઇઝેશન દેખાઈ રહ્યું છે એ ડેટામાં ઘાલમેલ પણ હોઈ શકે છે. આને હજી સ્પષ્ટતાથી સમજવું હોય તો એમ કહી શકાય કે ભલે બહુ જ પ્રતિષ્ઠિત જર્નલમાં કોઈ અભ્યાસ પ્રકાશિત થયો છે, પરંતુ એ પણ સોએ સો ટકા સાચો જ હોય એવું માનવાની ભૂલ ન કરવાની સલાહ મેડિકલ સ્ટુડન્ટને અપાતી હોય છે તો આજે સોશ્યલ મીડિયા પર એક મિનિટ કે ત્રીસ સેકન્ડમાં જોવા મળતી કોઈ પણ બાબત સંપૂર્ણ સત્ય છે એ સ્વીકારીને તમે તમારો મત બનાવી લો અને સામાના મતને ખોટો જ માનવા માંડો તો એમાં નુકસાન બીજા કોઈનું તો થતું હોય ત્યારે થશે, પણ તમારું નુકસાન નક્કી છે. 


બધી જ વસ્તુને ચકાસો. કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરતાં પહેલાં એને જુદા-જુદા સોર્સથી વેરિફાય કરો. એને વારંવાર ચકાસ્યા પછી કોઈ ઓપિનિયન બનાવો. છેલ્લે જેટલા પ્રોટેસ્ટ થયા અને આવનારા સમયમાં ધારો કે કોઈ આવાં આંદોલનો થાય ત્યારે તમે કયા પક્ષમાં છો એ નક્કી કરતાં પહેલાં તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલા સત્યને ચકાસ્યા વિના નિર્ણય નહીં લેતા. આમ તો દરેક જમાનામાં આ હકીકત આટલી જ સાપેક્ષ રહી છે, પરંતુ અત્યારના સમયમાં તો મને એ હજી પણ વધારે યથાર્થ લાગે છે. આજના સમયમાં તો દરેક વાસ્તવિકતાના મૂળ સુધી લઈ જનારા સોર્સમાં જ ભેળસેળ થઈ ગઈ છે ત્યારે ચકાસણીનું કામ વધુ પડકારજનક બન્યું છે. 

 
-ડૉ. નીરવ રાયચુરા

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK