કોઈ પણ કામમાં નિષ્ઠા અને પોતાની જાત પરોવવાથી જ શ્રેષ્ઠ પરિણામ મળે છે. જીવનમાં કામ પ્રત્યેની ઈમાનદારી સાથે કોણ આપણી સાથે હોવું જોઈએ એ પણ એટલું જ મહત્ત્વનું છે.
પ્રતીકાત્મક તસવીર
આપણે જે કામ કરીએ એમાં આપણી જાત પરોવવી પડે તો કામમાં બરકત આવે. ચાવાળો ચા બનાવે એ તેનું રોજનું કામ હોવા છતાં તેણે એ જ નિષ્ઠાથી ચા બનાવવી પડે કે પીનાર સંતુષ્ટ થાય. ચર્ચગેટ ખાતે મસ્તમજાના વરસાદમાં એક વાર ટપરીની ચા પીવાનું થયું. ત્યારે નિયમિત લાગતા ત્રણેક ગ્રાહકોએ ચાવાળાને ફરિયાદ કરી કે તારા પિતાએ ગઈ કાલે બનાવેલી ચા સાવ બેકાર હતી. શક્ય છે કે ચાવાળાના પિતાને કોઈ ઘરેલુ કે અન્ય સમસ્યા કનડતી હોય અને તે કામમાં ધ્યાન ન આપી શક્યા હોય. કારણ કોઈ પણ હોય, નિષ્ઠામાં ફેર પડે તો પરિણામમાં ફેર પડે. જિંદગીમાં કોણ સાથે હોવું જોઈએ એની વાત પ્રવીણ શાહ કરે છે...
સાદ કરીએ ને એ દોડી આવશે
ADVERTISEMENT
દિલને એવી ખાતરી પણ જોઈએ
ક્યાં જવાનું છે ખબર છે જેમને
એક એવા સારથિ પણ જોઈએ
આપણને કોઈ રાહ ચીંધનારું હોય તો ફરક પડી જાય. કોઈનો અનુભવ આપણી સફરને આસાન બનાવી શકે અને સંભવિત સમસ્યાઓને પારખવામાં આગોતરી મદદ કરી શકે. ભારતમાં સ્ટાર્ટઅપની જે યંત્રણા ઊભી થઈ છે એમાં નવાસવા સાહસિકને આર્થિક સહકાર ઉપરાંત કંપની ઊભી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. આને કારણે લવરમુછિયા ગણાય એવા યુવાનો પણ નાની ઉંમરે હરણફાળ ભરી રહ્યા છે. સમાજની કે દેશની પ્રગતિ ત્યારે સંભવે જ્યારે પ્રતિભાને પૂરતો ટેકો મળી રહે. ગની દહીંવાલા લખે છે...
ઊભો છું લઈને હૈયા-પાત્ર, યાચું કંઈક એવું કે
જગત નિજની કથા સમજે, મને મારું કવન લાગે
ગની, સંઘરેલ તણખાને હૃદયથી વેગળો કરીએ
કોઈ સદ્ભાગી હૈયે આપણા દિલની જલન લાગે
સદ્ભાગી ત્યારે ગણાઈએ જ્યારે આપણે કોઈની જિંદગીમાં સહભાગી થઈ શકીએ, કોઈને કામ આવી શકીએ. કોઈને ન નડવું એ પણ એક પ્રકારની સેવા છે. લોકસભા અને રાજ્યસભાના સત્રમાં વિરોધ પક્ષ જે રીતે ગતિરોધ પાથરી રહ્યો છે એ જોઈને થાય કે આ સંસદ છે કે માર્કેટ? જાતજાતના આક્ષપો એટલા બધા વિક્ષેપો ઊભા કરે કે સત્ર ધોવાઈને ચીંથરું બની જાય. ચર્ચાને બદલે ચૂંથણાં થાય અને વાર્તાલાપને બદલે વાતોનાં વડાં. આઘાત-પ્રત્યાઘાતનો દોર ચાલ્યા કરે અને જનતા પ્રત્યેનો વિશ્વાસઘાત બેરોકટોક પ્રદર્શિત થતો રહે. રાજેન્દ્ર શુક્લ લાચારી વ્યક્ત કરે છે...
નખશિખ કવચ ધરી શું કરીએ
આડી ઢાલ ધરી શું કરીએ
અદીઠ રહીને મર્મ ભેદતા
અંદરના આઘાત અલગ છે
અંતરમાં કોઈ વાતે લાગી આવ્યું હોય તો એનું શૂળ લાંબા સમય સુધી કનડતું રહે. કોઈનાં કડવાં વેણ ભૂલવાં સહેલાં નથી હોતાં. કહેનાર તો કહીને ભૂલી જાય પણ સાંભળનાર એને વાગોળ્યા જ કરે. ગાય ઘાસ વાગોળે પછી એનું પાચન થઈને દૂધ બને છે. આપણે કડવાં વેણ વાગોળીએ પછી માત્ર ઝેર જ નિષ્પન્ન થાય છે. આયુષ્યનું વિહંગાવલોકન કરીએ તો ખ્યાલ આવે કે નાની લાગતી વાતોએ આપણને મોટું નુકસાન કર્યું છે. રંજ એ છે કે આ સમજ આવતાં વર્ષો નહીં દાયકાઓ વીતી જાય છે. ખેર, જ્યારે આ જ્ઞાન લાધે ત્યારથી નવી શરૂઆત કરવી જોઈએ એમ હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે...
આવનારી સૌ ખુશીની વાત કરીએ
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ
હરવખત શું મ્હાત થઈ જાવું દુઃખોથી
ચાલ આ વખતે દુઃખોને મ્હાત કરીએ
દુઃખનો સ્વભાવ ઘૂસણખોરીનો છે. એ ગમે ત્યાંથી આવીને તમારે ત્યાં ટપકી જ પડે. તમે દરવાજા વાસી દો તો સવારે છાપાવાળો છાપું સરકાવે એમ તિરાડમાંથી પણ ઘરમાં પ્રવેશી જાય. ઘરની બહાર લટકતી થેલીમાં સવારે દૂધ મુકાય તો એની સાથે ઘરમાં આવી જાય. ખરેખર તો દુઃખને શરીર નથી હોતું એટલે એ દીવાલ ભેદીને પણ આવી શકે છે. એ ઘરમાં અઠે દ્વારકા કહીને ટકી ન જાય એ વિશે આપણે સભાન રહેવાનું છે. મુકુલ ચોકસી મનોજગતને તાગે છે...
સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવું સજનવા
સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા
આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા
લાસ્ટ લાઇન
નકામા નકામા ઉધામાય કરીએ
અમે એક પળમાં વિસામાય કરીએ
તમે કૃષ્ણ, ગોવિંદ, ગોપાલ કરજો
અમે તો સુદામા-સુદામાય કરીએ
તમે સૌપ્રથમ જેને વાંચો છો ખતમાં
અમે દસ્તખત એ નનામાય કરીએ
ઘણા ગુપ્ત ઉપવાસ કરીએ શબદના
અને પારણાં ભરસભામાંય કરીએ
પરસ્પર નમાવી અમે વૃક્ષ-ડાળો
ઇશારા લીલા સામસામાય કરીએ
- સુરેન્દ્ર કડિયા
