Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મુંબઈ પોલીસના કમિશનર ફૉર્જેટ સવારે છ વાગ્યે કેમ પહોંચી ગયા ગવર્નરના બંગલે?

મુંબઈ પોલીસના કમિશનર ફૉર્જેટ સવારે છ વાગ્યે કેમ પહોંચી ગયા ગવર્નરના બંગલે?

Published : 31 January, 2026 03:12 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

મલબાર હિલ કરતાં પણ નાની એવી એક ટેકરી એ જ વિસ્તારમાં. નામ ખંભાલા હિલ. એક જમાનામાં જ્યાં ગોવાળિયા ટૅન્ક ટ્રામ ટર્મિનસ હતું ત્યાં ટ્રામમાંથી ઊતરો તો સામે દેખાય નસરવાનજી માણેકજી પિતીતનું સફેદ આરસનું આદમકદ પૂતળું

ફૉર્જેટ હાઉસ

ચલ મન મુંબઈનગરી

ફૉર્જેટ હાઉસ


કોઈ મોટી સ્ટીમર ભરદરિયે ડૂબી જાય, ઘણાખરા મુસાફર અને ખલાસી દરિયાના પાણીમાં ગરક થઈ જાય, પણ કોઈ અજબ રીતે બે-ચાર જણ બચી જાય એવું ઘણી વાર બને છે. મુંબઈના રસ્તાઓનાં નામની બાબતમાં પણ આવું કંઈક બન્યું છે. જે ઇમારતમાં ગાંધીજી કેટલીયે વાર રહેલા એ મણિભવન જે રસ્તા પર આવેલું છે એનું નામ છે લૅબર્નમ રોડ. થોડાં વર્ષ પહેલાં કેટલાક ‘નગરસેવકો’એ બૂમાબૂમ કરેલી : ‘અરે, ગાંધીજી જ્યાં રહેતા એ મકાન જ્યાં આવેલું છે એ રસ્તાનું નામ એક અંગ્રેજના નામ પરથી! ઝટ બદલો નામ.’ પણ કોઈક શાણા માણસે ફોડ પાડેલો કે ભાઈ, આ ‘લૅબર્નમ’ કોઈ અંગ્રેજનું નામ નથી. એ રસ્તા પર બન્ને બાજુ જે ઝાડ વાવ્યાં છે એનું નામ છે લૅબર્નમ. અને એ નામ બચી ગયું. જોકે આજે હવે એ રસ્તા પર લૅબર્નમનું એક જ ઝાડ બચ્યું છે.

પણ એ જ વિસ્તારના બીજા એક રસ્તાનું નામ આજ સુધી કઈ રીતે બચી ગયું એ કહેવું મુશ્કેલ. મલબાર હિલ કરતાં પણ નાની એવી એક ટેકરી એ જ વિસ્તારમાં. નામ ખંભાલા હિલ. એક જમાનામાં જ્યાં ગોવાળિયા ટૅન્ક ટ્રામ ટર્મિનસ હતું ત્યાં ટ્રામમાંથી ઊતરો તો સામે દેખાય નસરવાનજી માણેકજી પિતીતનું સફેદ આરસનું આદમકદ પૂતળું. ત્યાંથી રસ્તાના બે ફાંટા પડે: ડાબી તરફ જાય એ તેજપાલ રોડ. થોડેક આગળ વધે ત્યાં એના પણ બે ફાંટા પડે. એક ઢોળાવ ચડી તેજપાલ ઑડિટોરિયમ જાય. બીજો ઢોળાવની નીચે રહીને લૅબર્નમ રોડને મળે. એ બે રોડ મળે ત્યાં આવેલી હતી આ લખનાર જ્યાં ભણ્યો એ ન્યુ એરા સ્કૂલ. થોડાં વરસ પહેલાં સ્કૂલ તો બંધ થઈ ગઈ, મકાન હજી ઊભું છે. અને પૂતળાની જમણી બાજુએ આગળ વધે એ ઢોળાવ ચડતા રસ્તાનું આજનું નામ ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ. પહેલાંનું નામ ગોવાળિયા ટૅન્ક રોડ. એ શરૂ થાય નાના ચોક પાસેથી. એ રસ્તે ઢોળાવ ચડીને આગળ વધો તો આવે ફૉર્જેટ સ્ટ્રીટ. પાક્કું અંગ્રેજનું નામ, પણ કોણ જાણે કેમ આજ સુધી બચી ગયું છે. આ ફૉર્જેટ સાહેબ કોણ હતા એ જાણ્યા પછી તો તેમનું નામ બચી ગયા વિશેનું આશ્ચર્ય બેવડાય!



પહેલી વાત એ કે આ ફૉર્જેટસાહેબ પાક્કા અંગ્રેજ નહીં પણ ઍન્ગ્લોઇન્ડિયન. જન્મ મદ્રાસ એટલે કે ચેન્નઈમાં. પિતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં. જે લડાઈ પછી કંપની સરકારની હિન્દુસ્તાન પરની પકડ વધુ મજબૂત બની એ શ્રીરંગપટ્ટનમની લડાઈમાં ચાર્લ્સ ફૉર્જેટના પિતા ઘવાયેલા. આ ચાર્લ્સ ફૉર્જેટે પૂરાં ચાલીસ વર્ષ બૉમ્બે ગવર્નમેન્ટની નોકરી કરી. શરૂઆત કરી મામૂલી સર્વેયર તરીકે. પછી મરાઠી અને હિન્દુસ્તાની ભાષાના દુભાષિયા બન્યા. પછી મુંબઈના શેરિફ, પછી પુણે પોલીસના વડા, પછી સબૉર્ડિનેટ અસિસ્ટન્ટ જજ, મુંબઈ પ્રાંતના દક્ષિણ મરાઠા વિસ્તારના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ અને છેવટે બન્યા બૉમ્બે શહેરના પોલીસ કમિશનર.


જબરો કુશળ અને કુનેહબાજ માણસ. હિન્દી કે મરાઠી જેવી ભાષાઓ એવી સફાઈથી બોલે કે એ જમાનાના એક પંડિતે કહેલું કે ફૉર્જેટને મરાઠી બોલતો સાંભળો તો લાગે કે કોઈ ચિતપાવન બ્રાહ્મણ જ બોલી રહ્યો છે. એવી જ રીતે વેશપલટો કરવામાં પણ પાવરધો. એટલે ‘ખબરિયા’ પર આધાર રાખવાને બદલે પોતે જ છૂપા વેશે લોકોમાં ભળી જાય. અને ત્રીજું, હિન્દુસ્તાનનાં રીતરિવાજ, જુદા-જુદા ધર્મોની માન્યતાઓ, જ્ઞાતિઓ વચ્ચેની વાડાબંધી વિશેની રજેરજ જાણકારી ધરાવે. માથાના વાળ પણ હિન્દુસ્તાનીઓના વાળ જેવા કાળા. ચામડીનો રંગ ગોરો નહીં પણ ઘઉંવર્ણો. એટલે વેશ બદલે પછી તો પાક્કો હિન્દુસ્તાની લાગે!

એક વખત તો તેણે મુંબઈના ગવર્નર લૉર્ડ એલ્ફિન્સ્ટન સાથે શરત મારી: ‘આપનાથી થાય એટલો ચુસ્ત બંદોબસ્ત ગોઠવો આસપાસ. કાલે સવારે છ વાગ્યે હું આપની સામે આવીને ઊભો રહીશ.’ ગવર્નર કહે: ‘ભાઈ ફૉર્જેટ! દિવસે પણ મને મળવા આવતા મુલાકાતીઓને બાર ગળણે ગાળ્યા પછી ગવર્નર્સ હાઉસમાં દાખલ થવા દેવાય છે. અને તું કહે છે કે સવારના છ વાગ્યામાં...’ ‘હા જી, છ વાગ્યામાં હું હાજર થઈશ.’ એ દિવસે ગવર્નરે પોતાની આસપાસનો ચોકીપહેરો રોજ કરતાં પણ વધુ મજબૂત કરાવ્યો. પણ બીજા દિવસે સવારે બરાબર છ વાગ્યે એક ઝાડુવાળો સીધો ગવર્નરસાહેબના બેડરૂમમાં જઈ પહોંચ્યો. એ હતો ચાર્લ્સ ફૉર્જેટ! તેમણે જાણી લીધું હતું કે ગવર્નર સાહેબને એવી ટેવ છે કે પોતે ઊઠે એ પહેલાં વહેલી સવારે તેમનું ઘર સાફસૂફ થઈ જવું જોઈએ. એટલે અસલ ઝાડુવાળાને ફોડીને તેની જગ્યાએ ફૉર્જેટ પોતે ગોઠવાઈ ગયો!


નામદાર ગવર્નરે આ અનુભવ પછી ફૉર્જેટને બીજું એક કામ સોંપ્યું. કહે કે મને મળવા આવતા ઘણા લોકો કહે છે કે બૉમ્બે પોલીસમાં લાંચરુશવતની બદી ઘર કરી ગઈ છે, તમે એ દૂર નહીં તોય ઓછી તો કરો જ. ફૉર્જેટને ખબર કે મોટા ભાગની લાંચરુશવત કોઈ ને કોઈ આડતિયા મારફત લેવાય છે, સીધી નહીં. એટલે તેમણે પહેલાં તો એવા આડતિયાઓ સાથે ઘરોબો કેળવ્યો. તેમાંનો એક તો બ્રાહ્મણ હતો. ફૉર્જેટ બ્રાહ્મણનો વેશ ધરી તેની સાથે જમવા ગયા. તેમની સાથે ભાંગ પણ પીધી. અને પછી વાત-વાતમાં ઘણીબધી માહિતી તેની પાસેથી મેળવી લીધી. અને બીજા જ દિવસે કેટલાક પોલીસોને અને એ બ્રાહ્મણને કેદ કરી લીધા. તો કેટલીક વાર પોતે વાણિયા વેપારીનો વેશ ધારણ કરીને પોલીસના માણસો પાસે જતા અને કોઈ ને કોઈ કામ કઢાવવા લાંચની ઑફર કરતા. પરિણામે થોડા જ વખતમાં મુંબઈ પોલીસમાં લાંચરુશવત કેટલી હદે ફેલાયેલી છે એ વિશેનો વિગતવાર રિપોર્ટ તેમણે નામદાર ગવર્નરને સુપરત કર્યો.  એ પછી પૂરેપૂરી નાબૂદ તો નહીં થઈ હોય, પણ પોલીસ ખાતામાં લાંચરુશવત ઘણી ઘટી ગઈ.

ત્યાર બાદ ફૉર્જેટે નાના-મોટા ગુનેગારોની ભાળ મેળવવાનું શરૂ કર્યું. બજાર ગેટ સ્ટ્રીટમાં પહેલવાન જેવા ગુંડાઓની એક ટોળી અવારનવાર લૂંટફાટ કરતી, ખાસ કરીને રાત્રે. એ લોકો કોઈ અંધારિયા ખૂણામાં લપાઈને બેસતા અને કોઈ એકલદોકલ માણસ પસાર થાય તો તેને લૂંટી લેતા. આ ટોળીના માણસોનાં નામ એટલાં જાણીતાં હતાં કે પોતાનાં રડતાં બાળકોને ચૂપ કરી દેવા ઘણી મા કહેતી કે જો રડવાનું બંધ નહીં કરે તો ફલાણો આવીને તને મારશે. આ ઉપરાંત ફોકલૅન્ડ રોડ, ગ્રાન્ટ રોડ, ખેતવાડી જેવા વિસ્તારોમાં પણ નાનીમોટી ટોળીઓ લૂંટફાટ કરતી. આવી ટોળીઓમાં ઘણા સોલ્જરો પણ જોડાયા હતા. રાતને વખતે રસ્તા પર કોઈ ઘોડાગાડી આવતી દેખાય અને પાસે આવે કે તરત રસ્તા પર જાડું દોરડું ફેંકે. દોરડું ઘોડાના પગમાં ફસાય એટલે ઘોડો પડે. ટોળીના બીજા લોકો ગાડીમાં બેઠેલાને રાઇફલ બતાવીને નીચે ઊતરવા ફરજ પાડે અને પછી લૂંટી લે.

ફૉર્જેટે પહેલાં આવી ટોળીઓની બાતમી મેળવી. પછી છૂપા વેશે એમાં ભળીને તેમનાં કરતૂતોની જાતમાહિતી મેળવી. અને પછી વીણી-વીણીને તેમને કેદ કર્યા. ૧૮૫૫માં આવી લૂંટફાંટમાં સંડોવાયેલા માલમાંથી ફક્ત ૨૩ ટકા માલ પોલીસે બરામદ કર્યો હતો. જ્યારે ફૉર્જેટ પોલીસ-કમિશનર થયા પછી ૧૮૫૬માં ૫૯ ટકા માલ પાછો મેળવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર મિસ્ટર ક્રૉફર્ડે (હા, ક્રૉફર્ડ માર્કેટ નામ તેમના પરથી જ પડ્યું. હવે સત્તાવાર નામ ભલે બદલાયું છે, પણ પાક્કા મુંબઈગરા તો આજે પણ એને ક્રાફર્ડ માર્કેટના નામે જ ઓળખે છે) ૧૮૫૯ના અહેવાલમાં લખ્યું છે કે મુંબઈમાંથી ચોર-લૂંટારાનો ત્રાસ લગભગ નાબૂદ થઈ ગયો છે. અને એનું શ્રેય પોલીસ-કમિશનર મિસ્ટર ફૉર્જેટને ફાળે જાય છે. ૧૮૬૦ના આખા વર્ષમાં મુંબઈમાં ચોરીના ફક્ત ત્રણ કેસ નોંધાયા હતા અને ૧,૮૭,૦૦૦ રૂપિયાની માલમતામાંથી પોલીસે ૭૩,૦૦૦ની માલમતા પાછી મેળવી આપી હતી. ફૉર્જેટના સમય દરમ્યાન જેને ફાંસીની સજા કરવી પડે એવા ગુના ઓછામાં ઓછા નોંધાયા હતા. એ જમાનામાં આખા દેશમાં ગાજેલા ‘મહારાજ લાયબલ કેસ’માં પણ બૉમ્બે સુપ્રીમ કોર્ટમાં (જે પછીથી બૉમ્બે હાઈ કોર્ટ બની) ફૉર્જેટે આરોપીઓ કરસનદાસ મૂળજી અને નાનાભાઈ રાણીનાની તરફેણમાં જુબાની આપી હતી.

એક જમાનામાં મુંબઈનું નાક ગણાતું હતું એ કૉટન ગ્રીન (આજનું હૉર્નિમન સર્કલ) વખત જતાં ચોર, દારૂડિયા, જુગારી અને લુખ્ખાઓનું થાનક બની ગયું હતું. સાંજ પછી ત્યાં જવાની કોઈ ભાગ્યે જ હિંમત કરતું. આ ત્રાસ દૂર કરવા ફૉર્જેટે એ જગ્યાએ મોટો ગોળ બગીચો બનાવવાની યોજના કરી. ગવર્નર લૉર્ડ એલ્ફિન્સ્ટન અને સર બાર્ટલ ફ્રેરેએ આ યોજનાને ટેકો આપ્યો. મ્યુનિસિપલ કમિશનર ક્રૉફર્ડે એ બધી જમીન બહુ સસ્તામાં ખરીદી લીધી અને પછી ગોળ બગીચાની આસપાસની જમીનના પ્લૉટ પાડી સારીએવી રકમ લઈ મોટી-મોટી કંપનીઓને વેચ્યા. ત્યાં એકસરખી બાંધણી અને ઊંચાઈવાળાં મકાનો બંધાયાં જેમાં જાણીતી વેપારી પેઢીઓ, બૅન્કો, વહાણવટાની કંપનીઓ વગેરેની ઑફિસો શરૂ થઈ. ફક્ત બે વર્ષમાં આ યોજનાનું બધું કામ પૂરું થઈ ગયું. એને નામ આપ્યું એલ્ફિન્સ્ટન સર્કલ.

છેક ૧૮૮૮ સુધી આગ-બંબાનું ખાતું પણ મુંબઈમાં પોલીસ-કમિશનરના હાથ નીચે હતું. એટલે દર વર્ષે મુંબઈમાં લાગેલી નાની-મોટી આગ વિશેની માહિતી બૉમ્બે પોલીસના વાર્ષિક અહેવાલમાં સામેલ થતી. અને એ વખતે પોલીસના ‘દેશી’ સિપાઈઓ બંબાવાળાની ફરજ પણ બજાવતા અને તેમના પર દેખરેખ રાખતા અધિકારીઓ પોલીસ ખાતાના અંગ્રેજો રહેતા.

હા. આજે આપણને ન ગમે, જેની આપણે ટીકા કરીએ એવાં એક-બે કામ પણ પોલીસ-કમિશનર ફૉર્જેટના હાથે થયાં હતાં. પણ એ વિશેની વાત હવે પછી. ત્યાં સુધીમાં બને તો ફૉર્જેટ સ્ટ્રીટ પર એકાદ લટાર મારી આવજો અને એ વિસ્તારમાં આવેલા ફૉર્જેટ હાઉસ, ફૉર્જેટ હિલ ટાવર અને ફૉર્જેટ મંઝિલની મુલાકાત લેજો. અને હા, નસરવાનજી માણેકજી પિતીતના બાવલાના દીદાર નમનતાઈથી કરતા આવજો.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2026 03:12 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK