Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમને પણ લાગે છે કે મીડિયાને ઘટનાઓના ફૉલો-અપમાં રસ નથી?

તમને પણ લાગે છે કે મીડિયાને ઘટનાઓના ફૉલો-અપમાં રસ નથી?

Published : 12 June, 2026 12:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનેક ઘટનાઓમાં ગુનાનો ભોગ બનેલી વ્યક્તિઓનું શું થયું? ગુનેગારો સાથે શું થયું? ગુનાનો ભોગ બનેલા લોકોને ન્યાય મળ્યો કે નહીં? ભ્રષ્ટાચારના કે હત્યાના કે એવા કોઈ પણ જઘન્ય ગુનાની તપાસમાં આગળ શું થયું?

ભોપાલની ૩૩ વર્ષની યુવતી ટ્‍વિશા શર્માનો કિસ્સો સમાચારોમાં ખૂબ ચર્ચાયો

PoV

ભોપાલની ૩૩ વર્ષની યુવતી ટ્‍વિશા શર્માનો કિસ્સો સમાચારોમાં ખૂબ ચર્ચાયો


પત્રકારત્વ વિશે અમારા એક સિનિયર કલીગ કહેતા કે આ તો સતત સળગતો ભઠ્ઠો છે, રોજેરોજ એમાં નવા-નવા સમાચારોનું ઈંધણ પૂર્યા કરવાનું. વાત સાચી છે. નહીં તો આટલાં બધાં અખબારો, ચોપાનિયાંઓ, ટીવી-ચૅનલો અને હવે તો સોશ્યલ મીડિયાની ચૅનલો અને પૉડકાસ્ટો આપે શું? જોકે આ બધાં માધ્યમો કોઈ પણ સમાચારના ફૉલો-અપ સંદર્ભે કેટલાં સક્રિય છે એ વિશે તમે ક્યારેય વિચાર્યું છે? કેટલા અકસ્માતો, કેટલા અપમૃત્યુના કિસ્સાઓ (આપઘાત, હત્યા વગેરે), છેડતી, જાતીય દુર્વ્યવહાર, સામાજિક શોષણ, ઘરેલુ હિંસા, શિક્ષણ, સ્વાસ્થ્ય, જાહેર બાંધકામ કે એવાં અન્ય ક્ષેત્રોમાં પ્રવર્તતી ભંગાર પરિસ્થિતિ કે ચાલતા ભ્રષ્ટાચાર, રાજકીય પક્ષો વચ્ચેની ગળાકાપ હરીફાઈ, સરકાર અને વિપક્ષી ગતિવિધિઓ ઇત્યાદિ ક્ષેત્રે બનતા નાના-મોટા કિસ્સા એક-બે કે ત્રણ-ચાર દિવસ સુધી બધાં માધ્યમોમાં ગાજ્યા કરે છે. ટીવી પર જે ચૅનલ ચાલુ કરો એમાં એકના એક સમાચાર હોય, પણ એના ઍન્કર્સ કે ન્યુઝરીડર્સ પોતે જ કશુંક એક્સક્લુઝિવ લઈ આવ્યા હોય એમ વારંવાર ઉત્તેજનાપૂર્વક રજૂ કરીને પોતાને એક વેંત ઊંચા બતાવવાની કોશિશ કરતા રહે છે. દરેક ઘટનાને બે-ત્રણ કે ૪ દિવસ સુધી ગજાવવાની અને પછી કોઈ નવા સમાચર આવે એટલે એની પિપૂડી વગાડવાનું શરૂ કરી દેવાનું. મને યાદ આવે છે કે એક વરિષ્ઠ તંત્રીએ એક વાર આ વિશે સચોટ ટકોર કરી હતી કે ક્યારેક તો લાગે કે આપણાં અખબારો ફૉલો-અપ કરવામાં માનતાં જ નથી કે શું?! 

અનેક ઘટનાઓમાં ગુનાનો ભોગ બનેલી વ્યક્તિઓનું શું થયું? ગુનેગારો સાથે શું થયું? ગુનાનો ભોગ બનેલા લોકોને ન્યાય મળ્યો કે નહીં? ભ્રષ્ટાચારના કે હત્યાના કે એવા કોઈ પણ જઘન્ય ગુનાની તપાસમાં આગળ શું થયું? આવા પ્રશ્નો જો તમને થતા હોય તો તમને પણ પણ મારા જેવી જ લાગણી થતી હશે! યાદ કરો, છ વર્ષ પહેલાં ૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારે આપણને સૌને કેવા હચમચાવી નાખ્યા હતા! એક લોકપ્રિય યુવા અભિનેતાના આકસ્મિક અને શંકાસ્પદ હાલતમાં થયેલા અપમૃત્યુની એ ઘટનાએ થોડા દિવસ સુધી તમામ મીડિયા પર અડ્ડો જમાવ્યો હતો અને કરોડો વાચકો-દર્શકો પણ ઉત્સુકતાથી એ ઘટનાની સચ્ચાઈ જાણવા માટે એ બધાં સમાચાર સંસાધનો ફંફોસતા હતા. કેટલીક અતિ ઉત્સાહી અને પોતાને સત્યશોધક ગણાવતી ચૅનલોએ થોડા દિવસ કે કદાચ મહિનાઓ સુધી એ ઘટનાના અંકોડા મેળવવા પોતાની ઇન્વેસ્ટિગેશન ટુકડીઓને કામે લગાડી હતી. દેશના એક પ્રતિભાશાળી કલાકારને શંકાસ્પદ અવસ્થામાં ગુમાવવાની એ ઘટનાને પરમ દિવસે ૬ વર્ષ પૂરાં થશે, પરંતુ આજે પણ એ એક આત્મહત્યા હતી કે હત્યા? એમાં કોણ સંડોવાયેલું હતું? શું કારણ હતું એની પાછળ અને કોના કહેવાથી એ ઘટનાની તપાસમાં આટલાં બધાં ગફલાં થયાં? એવા અનેક પ્રશ્નો અનુત્તરિત જ રહ્યા છે!



એ જ રીતે કેટલાય હિટ ઍન્ડ રનના કિસ્સાઓમાં અમીર પરિવારના નબીરાઓએ, ઘણાખરા તો સગીર વયના (એટલે કે કાર ચલાવવાનું લાઇસન્સ પણ ન હોય છતાં)એ બેફામ ગાડીઓ ચલાવીને નિર્દોષ રાહદારીઓના જાન લઈ લીધા છે. જોકે એમાંના મોટા ભાગના કોઈ પણ ગિલ્ટ વિના આઝાદ ફરે છે! પેલા પોતાના કોઈ જ વાંક-ગુના વગર ખુવાર થઈ ગયેલા રાહદારીઓના પરિવારજનોને કોઈ વળતર મળ્યું કે નહીં? પોતાનું સ્વજન ગુમાવ્યા બાદ તેઓ જિંદગીમાં કેવી કઠિનાઈઓનો સામનો કરે છે? તેમની ઇમોશનલ સ્થિતિ કેવી છે? તંત્ર સામે તેમને શું ફરિયાદ છે? એ બધું જાણવાનું શું દેશવાસીઓને મન નહીં થતું હોય અથવા કહો કે એ જાણવાનો શું નાગરિકોને અધિકાર નથી? પત્રકારોને એવી ફૉલો-અપ સ્ટોરીમાં રસ નથી પડતો કે તેમને એમ કરતાં સીધી કે આડકતરી રીતે ડિસકરેજ કરવામાં આવે છે?


એક મહિના પહેલાં દેશમાં ઉપરાઉપરી યુવા પરિણીતાઓનાં અપમૃત્યુના ત્રણથી ૪ કિસ્સા એક જ અઠવાડિયામાં બન્યા. ભોપાલ, નોએડા, ઉત્તર પ્રદેશ વગેરે સ્થળોની એ ઘટનાઓ પાછળ દહેજ કારણભૂત હોવાનું જણાવાયું છે. એમાંથી ભોપાલની ૩૩ વર્ષની યુવતી ટ્‍વિશા શર્માનો કિસ્સો સમાચારોમાં ખૂબ ચર્ચાયો. ક્રિમિનલ લૉયર પતિ અને ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ સાસુએ ટ્‍વિશાના મૃત્યુ (જેને સાસુ અને પતિ દ્વારા આત્મહત્યા ગણાવાય છે, પરંતુ સંજોગો જોતાં ટ્‍વિશાના પિયરપક્ષને એ વાતમાં બિલકુલ ભરોસો નથી) બાદ જે રીતે સમગ્ર પરિસ્થિતિ હૅન્ડલ કરી એ ખાસ્સી શંકાસ્પદ છે. ટ્‍વિશાનાં પિયરિયાંના લાખ પ્રયાસ છતાં ૩ દિવસ સુધી ભોપાલ પોલીસમાં FIR દાખલ ન કરી શકાઈ અને FIR નોંધાય એ પહેલાં તેના પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરિબાલાની આગોતરી જામીનઅરજીઓ નોંધાઈ ગઈ! પોસ્ટમૉર્ટમ વખતે હાજર રહેલી હૉસ્પિટલની એક સિનિયર ડૉક્ટર ગિરિબાલાની બહેન છે! ટ્‍વિશાના પોસ્ટમૉર્ટમ રિપોર્ટથી અસંતુષ્ટ તેનાં માતા-પિતાએ બીજી વાર પોસ્ટમૉર્ટમની અરજી કરી તો એ ફગાવી દેવાઈ! આવી અનેક વિસંગતિઓ ધરાવતો આ કિસ્સો એક આક્રમક ચૅનલે યોગ્ય રીતે જ ખૂબ ગજાવ્યો અને આખરે સર્વોચ્ચ અદાલતે પોતે જ આ ઘટનાની નોંધ લઈને એ કેસ હાથમાં લીધો. અલબત્ત, એ વખતે સર્વોચ્ચ અદાલત મીડિયાને એક ટકોર કરવાનું ચૂકી નહીં જેનો અર્થ એવો થાય છે કે તમારે આવા કિસ્સામાં બન્ને પક્ષનાં સગાંઓને બોલાવી-બોલાવીને આટલો ગોકીરો ન કરવો જોઈએ! હકીકતમાં ન્યુઝ-ચૅનલોના ગોકીરાને કારણે જ ટ્‍વિશાનાં મા-બાપને કાનૂની બિરાદરી સાથે ઘરોબો અને એટલે જ ખાસ્સીબધી ઇન્ફ્લુએન્સ ધરાવતા જમાઈ અને તેની માતાના વિચિત્ર વર્તનને પડકારવાની તક મળી. હવે આ કિસ્સામાં ટ્‍વિશાનું બીજી વાર પોસ્ટમૉર્ટમ પણ થયું, CBI દ્વારા નવેસરથી સમગ્ર મામલાની તપાસ પણ થઈ અને પેલાં મા-દીકરાને કસ્ટડીમાં પણ લેવાયાં. જોકે એક મહિનો થવા આવ્યો છતાં બીજી વારના પોસ્ટમૉર્ટમનો અહેવાલ કે અપરાધ-સ્થળની તપાસ બાદનાં ફાઇન્ડિંગ્સ વિશે કોઈ જાણકારી મળી નથી. વધારામાં ગિરિબાલાએ પોતાના માટે અને દીકરા માટે જેલમાં પણ સ્પેશ્યલ સેવાઓ મેળવી હોવાના સમાચાર પેલી ચૅનલવાળા લઈ આવ્યા છે. 
આ કિસ્સામાં પણ સમગ્ર ઘટના પાછળનું સત્ય બહાર આવે એમાં વાચકો અને દર્શકોને પૂરો રસ છે. જોકે મહિનો થવા આવ્યો છે અને એ કિસ્સા વિશેના સમાચારો સહજ જ ઓછા થવા લાગ્યા છે. એ ચૅનલના ઍન્કરે વ્યક્ત કરી હતી એવી શંકા સામાન્ય માનવીઓને પણ થાય છે કે સુશાંતના કેસમાં થયું એવું જ આમાં પણ કંઈ બહાર નહીં આવે! આશા રાખીએ કે એવું ન થાય. નહીંતર આ પણ એક ઑર અધૂરી કહાની બનીને રહી જશે. એક વિચાર આવે છે : જે અખબારોએ કે ચૅનલોએ આવા કોઈ કિસ્સા જોરશોરથી ઉઘાડા પાડ્યા હોય તેઓ નિયમિત એના ફૉલો-અપ સમાચાર ટૂંકમાં આપવાનો ઉપક્રમ રાખે તો?


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2026 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK