Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઘર તમારું પણ છે તો પછી ઇમોશનલ લેબરનો બધો બોજ સ્ત્રીઓ પર જ કેમ?

ઘર તમારું પણ છે તો પછી ઇમોશનલ લેબરનો બધો બોજ સ્ત્રીઓ પર જ કેમ?

Published : 31 July, 2026 01:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘરમાં લાગણીઓ, આયોજન અને સંબંધોની જવાબદારી ઘણીવાર મહિલાઓ પર જ આવી પડે છે. ઇમોશનલ લેબરને ઓળખીને પરિવારની જવાબદારીઓ સહિયારી રીતે વહેંચવામાં આવે ત્યારે જ સાચા અર્થમાં જેન્ડર ઇક્વલિટી અને સુખી પરિવારનું નિર્માણ શક્ય બને છે.

ડૉ. ટ્‍વિન્કલ સંઘવી

ડૉ. ટ્‍વિન્કલ સંઘવી


આજે આપણે જેન્ડર ઇક્વલિટી અને સ્ત્રીસશક્તીકરણ પર મોટી-મોટી ડિબેટ્સ કરીએ છીએ. કરીઅર અને પૈસાની બાબતમાં તો સમાનતાની ચર્ચા થાય છે, પણ ઘરના ચાર ખૂણા વચ્ચે ચાલતા એક અદૃશ્ય કામ વિશે આપણે સાવ મૌન છીએ. એ છે ઇમોશનલ લેબર એટલે કે ભાવનાત્મક શ્રમ.
ઘરમાં કોને ક્યારે શું જોઈએ છે એ યાદ રાખવું, બાળકોનું પ્લાનિંગ કરવું, સંબંધીઓની લાગણીઓ સાચવવી અને કુટુંબના વાતાવરણને શાંત રાખવું આ બધું જ સ્ત્રીઓ પાસેથી બાય-ડિફૉલ્ટ અપેક્ષિત રખાય છે. આ કોઈ કુદરતી બાબત નથી, પિતૃસત્તાક માનસિકતાનું પરિણામ છે. આ સિસ્ટમે પુરુષને માત્ર પૈસા કમાનાર અને સ્ત્રીને કૅરગિવરના ચોકઠામાં બાંધી દીધાં છે. સ્ત્રીને આર્થિક સ્વતંત્રતા તો મળી ગઈ, પણ આ બાબતે હજી પણ તે બંધાયેલી છે. 
જો આપણે ફૅમિલી લાઇફમાં સાચી સમાનતા લાવવી હોય તો આ અદૃશ્ય કામને સૌથી પહેલાં તો એક રિયલ વર્ક તરીકે સ્વીકારવું પડશે. એને માત્ર સ્ત્રીની ફરજ કે સ્વભાવ ગણીને છોડી શકાય નહીં. ઘર અને પરિવારની જવાબદારીઓ બન્ને જાતિઓ વચ્ચે સરખા ભાગે વહેંચાવી જોઈએ. પુરુષોએ પણ ઘરના મૅનેજમેન્ટ, પ્લાનિંગ અને રોજિંદી બાબતો યાદ રાખવામાં સક્રિય ભાગીદારી નોંધાવવી પડશે. આ પરિવર્તન ઘરના ઉછેરથી જ શરૂ થઈ શકે. આપણે આજનાં બાળકોને એવા સંસ્કાર આપવા પડશે જ્યાં છોકરાઓ પણ બીજાની સંભાળ લેવામાં અચકાય નહીં અને છોકરીઓ પર જ બધો બોજ ન રહે.
આ સાથે જ વર્કપ્લેસ પર ફ્લેક્સિબલ વર્કિંગ કલાક જેવી પૉલિસી હોવી જોઈએ જેથી પુરુષો પણ પરિવારને સમય આપી શકે. ઘરમાં ખુલ્લો સંવાદ થવો બહુ જરૂરી છે જેથી દરેકને પોતાની ભૂમિકા સ્પષ્ટ થાય.
આપણે એ સમજવું પડશે કે આપણા બધાનાં જીવન એકબીજા સાથે જોડાયેલાં છે. જ્યારે બધી જ જવાબદારીઓનો બોજ સ્ત્રી એકલી ઊંચકે છે ત્યારે તે માનસિક તનાવ અનુભવે છે જેની સીધી અસર ફૅમિલી રિલેશનશિપ પર પડે છે.
આ લડાઈ સ્ત્રીઓના પ્રેમ કે કાળજી રાખવાના સ્વભાવ સામે નથી, પરંતુ ઇમોશનલ લેબરમાં તેમને મળતા સપોર્ટના અભાવ સામે છે. જ્યારે ઘરમાં લાગણીઓ અને જવાબદારીઓ બન્ને સહિયારી બનશે ત્યારે જ સાચા અર્થમાં સમાનતા આવશે.
આ ફેરફાર કોઈ રાતોરાત થનારી ક્રાન્તિ નથી પણ રોજિંદા જીવનમાં લેવાતા નાણાકીય કે સામાજિક નિર્ણયોથી શરૂ થતો એક જાગૃત પ્રયાસ છે. જ્યારે પુરુષો હું મદદ કરું છું એને બદલે આ મારી પણ જવાબદારી છે એવો અભિગમ અપનાવશે ત્યારે સ્ત્રીને પોતાની માનસિક શાંતિ અને અંગત વિકાસ માટે પૂરતો સમય મળશે.
ઘર એ માત્ર ૪ દીવાલો નથી, એમાં રહેતા લોકોની લાગણીઓનું સંતુલન છે. આ સંતુલન જાળવવાની જવાબદારી કોઈ એક વ્યક્તિની નહીં, આખા પરિવારની હોવી જોઈએ. જે દિવસે આપણે ભાવનાત્મક શ્રમને સહિયારો બનાવીશું એ દિવસે આપણું ઘર વધુ શાંત, મજબૂત અને ખરા અર્થમાં સમાન બનશે.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK