Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમારા બાળકને B ફૉર બિઝનેસ શીખવવું અત્યંત જરૂરી છે

તમારા બાળકને B ફૉર બિઝનેસ શીખવવું અત્યંત જરૂરી છે

Published : 13 July, 2026 12:56 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

એક સમય હતો જ્યારે રાજાનો દીકરો જ રાજા અને વેપારીનો દીકરો જ વેપારી બની શકે એમ માનવામાં આવતું. જોકે હકીકત એ છે કે બિઝનેસ એક બેઝિક સ્કિલ છે જે દરેક જગ્યાએ, દરેક ફીલ્ડમાં કામ આવે છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


પિકનિક કયા બાળકને ન ગમે? પણ જો એ પિકનિક પોતે કમાયેલી હોય તો એની ગણના સામાન્ય પિકનિક કરતાં કેટલી વધી જાય! હમણાં સ્વિટ્ઝરલૅન્ડમાં રહેતા એક ગુજરાતી આન્ટીની રીલ જોઈ. ત્યાંની સ્કૂલના છોકરાઓએ પિકનિકમાં જવાનું હતું, પણ એ માટે પહેલાં તેમણે એ ખર્ચો કમાવાનો હતો. તેમણે ભેગા મળીને કેક અને કુકીઝ બનાવ્યાં હતાં અને સુપરમાર્કેટની બહાર વીક-એન્ડ પર તેઓ આ વસ્તુઓ વેચવા બેઠા હતા. મજાની વાત એ છે કે ત્યાં જેટલા પણ ગ્રાહકો આવે એ બધાને ખબર હોય છે કે આ વિદ્યાર્થીઓ અહીં શું કામ આવ્યા છે. એટલે આ કેક અને બિસ્કિટના જે પણ ભાવ તે લોકોએ રાખ્યા હોય એના કરતાં વધારે પૈસા આપીને તેઓ બાળકો પાસેથી એ ખરીદે છે અને તેમને પ્રોત્સાહન આપે છે.

અહીં બાળકો પોતાના મોજશોખનો ખર્ચો ખુદ કાઢે છે અને આ રીતે તેઓ નાની ઉંમરથી આત્મનિર્ભર છે. જોકે એની સાથે-સાથે એક ગુજરાતી તરીકે મને એ વાતની ખુશી થઈ કે અહીં બાળક નાની ઉંમરથી જ પિકનિકના બહાને પણ બિઝનેસ શીખે છે. લોકોને શું વધુ ગમે, ગ્રાહક સાથે વાત કઈ રીતે થાય, કઈ બાબત પર લોકો પૈસા વધુ આપે, કઈ રીતે આજે જે ૧૦ રૂપિયા મળ્યા છે એને કાલે આપણે ૨૦ રૂપિયામાં ફેરવી શકીએ, કઈ સુવિધાઓ આપણે ગ્રાહકને આપી શકીએ છીએ અને આપણી મર્યાદા શું છે આ બધું તેમને પ્રૅક્ટિકલી નાની ઉંમરથી શીખવવામાં આવી રહ્યું છે. આનાથી રૂડું શું? તમને શું લાગે છે આ બાળકોને પૈસાની કિંમત અલગથી શીખવવી પડે ખરી જેણે બે દિવસ મહેનત કરીને પિકનિકના પૈસા ભેગા કર્યા હોય?



ગુજરાતી ઘરોમાં એક સમયે સંતાનો પોતાના બિઝનેસમૅન પિતા સાથે દુકાને કે ફૅક્ટરીએ જતાં. આ બાળક આઠ-દસ વર્ષનું હોય પણ હિસાબ તેને પૂરેપૂરો આવડતો હોય. એ હિસાબ શીખવા માટે તેને ગણિતની ચોપડી ઉથલાવવાની જરૂર નહોતી પડતી. દુકાને આવતા દરેક ગ્રાહક સાથે કઈ રીતે વાત કરવી એ અનુભવથી અને પિતાને જોઈને તે શીખી જતું. એના માટે તેને કોઈ કમ્યુનિકેશનના ક્લાસ કરવાની જરૂર નહોતી. આજે પણ અમુક ઘરોમાં આ પરંપરા ચાલુ છે, પણ અમુક ઘરોમાં આજે પપ્પાઓ ઇચ્છે તો પણ મમ્મીઓ ના પાડી દેતી હોય છે કે મારું બાળક દુકાને નહીં બેસે, તે તો મોંઘીદાટ સ્કૂલોમાં જઈને જ ભણશે. ત્યાં ભણે એનો વાંધો નથી, પણ જે જ્ઞાન તેને તેના પિતા અમુક કલાક દુકાને બેસાડીને આપવા માગે છે એ જ્ઞાનની કદર કરવી જરૂરી છે. બાપની દુકાન પર બેસવું એ મજૂરી નથી, જરૂરી લર્નિંગ છે.


મોટા ભાગના લોકો એ નથી સમજતા કે સંતાનોને આપણે મોટી-મોટી સ્કૂલોમાં તો મોકલી દીધાં પણ તેમને જીવનના પાઠ કઈ રીતે શીખવીશું? તેમને આવનારા જીવન માટે તૈયાર કઈ રીતે કરીશું? આ બાબતે ચિંતા કરનારી પેઢી પોતાની નવી જનરેશનને પોતાના ઘરના બિઝનેસ માટે નાનપણથી તૈયાર કરે છે. તેનો ઉછેર એ રીતે થયો હોય કે MBAનું ભણતર તે ભણ્યો નહીં, જીવ્યો હોય. આમ પરિવાર તરફથી મળતી સમજનું મૂલ્ય અનેરું છે. જો આ રીતે બાળક શીખી શકે તો બેસ્ટ. પરંતુ એક રીતે જોઈએ તો એ પણ પૂરતું તો નથી. બાળકે બિઝનેસને બાપદાદાથી આગળ લઈ જવાનો છે એટલે તેને વધારાના જ્ઞાનની આવશ્યકતા તો ખરી.

આ સિવાય આ સિસ્ટમની પોતાની એક બીજી મર્યાદા પણ છે. આ સિસ્ટમ મુજબ રાજાનો દીકરો જ રાજા કે વેપારીનો દીકરો જ વેપારી બની શકે. વળી એક સમય હતો જ્યારે માતા-પિતા વિચારતાં હતાં કે અમે સર્વિસ ક્લાસનાં છીએ કે અમે કલાકાર છીએ તો અમારે બાળકોને બિઝનેસ શીખવવાની જરૂર નથી. હકીકત એ છે કે બિઝનેસ શીખવાથી દરેક જગ્યાએ, દરેક ફીલ્ડમાં ફાયદો થાય છે. કુંભારના દીકરા જેમણે માટીકામ શીખ્યું તે કુંભાર જ રહ્યા, પણ કુંભારનો એક દીકરો મનસુખ પ્રજાપતિ જેને બિઝનેસ પણ આવડતો હતો તેણે દેશી માટીનાં માટલાં અને વાસણો વેચતી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કંપની ‘મિટ્ટીકુલ’ની સ્થાપના કરી. ગુજરાતી સિનેમાનો ટૉપ એક્ટર બન્યા પછી પણ મલ્હાર ઠાકર ફક્ત ઍક્ટિંગ નથી કરતો. તે એક પ્રોડક્શન હાઉસ ચલાવે છે અને એ સિવાય પણ એક કૅફે, એક હાઇજીન પ્રોડક્ટની બ્રૅન્ડ અને એક રેડી ટુ કુક ફૂડની બ્રૅન્ડનો માલિક છે. ડૉક્ટર બન્યા પછી પોતાનું ક્લિનિક ચલાવવાની જવાબદારી બિઝનેસનો એક ભાગ છે. કૉર્પોરેટ જૉબ એટલી વધુ ડિમાન્ડિંગ છે કે અત્યારે કોઈ એને લાંબો સમય સુધી ખેંચી શકતું નથી. કરોડોનાં પૅકેજ ધરાવતા લોકોના જીવનમાં ડોકિયું કરશો તો સમજાશે કે કૉર્પોરેટ મજદૂર બનીને જીવનભર રહી શકાય એમ છે જ નહીં, ક્યારેક ને ક્યારેક તો એ જૉબ છોડીને ખુદનું કામ કરવું જ પડશે. એટલે બાળકને બિઝનેસ શીખવવો જરૂરી છે. તે બિઝનેસ કરે કે ન કરે એની સાથે એને લેવાદેવા જ નથી. આ એક સ્કિલ છે જે દરેક બાળકને ભવિષ્યમાં ખૂબ મદદરૂપ થવાની છે.


આ જરૂરિયાતને સમજીને આજકાલ બાળકો માટે એવી તકો ઊભી કરવામાં આવી રહી છે કે તેઓ બિઝનેસને નાનપણથી જ સમજે. એ માટે આજની તારીખે ૭ વર્ષની નાની ઉંમરથી શરૂ કરીને ટીનેજર્સ માટે એવી બુક્સ (જેમ કે યંગ હસલર્સ) તૈયાર કરવામાં આવી છે જે તેમને તેમના લેવલ પર બિઝનેસની સમજ આપે. ‘બિઝ કિડ્સ’ કે ‘બ્રાઇટ ચૅમ્પ્સ’ જેવી બીજી અઢળક યુટ્યુબ ચૅનલ્સ છે જે બાળકોને બિઝનેસ કઈ રીતે કરવો એનું માર્ગદર્શન આપે છે. ૨૦૨૩નો એક રિપોર્ટ જણાવે છે કે સ્કૂલના ૩૨.૫ ટકા વિદ્યાર્થીઓ ઑન્ટ્રપ્રનર બનવા માગે છે. જોકે મારું કહેવાનું એ છે કે બાકીનાં ૬૭.૫ ટકા બાળકોને પણ બિઝનેસની બેઝિક સમજ આપવી જરૂરી છે.

હાલમાં IIT-બૉમ્બે દ્વારા ૬ મહિનાનો ઑન્ટ્રપ્રનર પ્રોગ્રામ લૉન્ચ થયો છે જે ૬ મહિનાનો છે અને સંપૂર્ણ રીતે ફ્રી છે. આ પ્રોગ્રામમાં બિઝનેસની ઊંડાણભરી સમજ છઠ્ઠા ધોરણથી લઈને બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ એક પ્રકારની કૉમ્પિટિશન પણ છે જે માટે સ્કૂલ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જેની છેલ્લી તારીખ ૧૫ જુલાઈ છે. આ તક ચૂકવા જેવી નથી જેની જાણ તાત્કાલિક તમારા બાળકના પ્રિન્સિપાલને કરો, કારણ કે બે જ દિવસ બચ્યા છે. ૧૩ વર્ષની ઉંમરે ‘પેપર ઍન પાર્સલ્સ’ નામની કુરિયર કંપની શરૂ કરનાર તિલક મહેતા, ૧૨ અને ૧૪ વર્ષની ઉંમરે ‘ગો ડાયમેન્શન્સ’ નામની ઍપ કંપની બનાવનાર શ્રવણ અને સંજય કુમારન ભાઈઓ, ૧૪ વર્ષની ઉંમરે ‘મૅન્ગો એન્જિન’ નામની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની માર્કેટિંગ કંપની શરૂ કરનાર જૈનમ જૈન ઘણાં પ્રેરણાદાયી ઉદાહરણો છે. તમારા બાળકનું નામ પણ આ લિસ્ટમાં હોઈ શકે છે. બસ, તેને B ફૉર બિઝનેસ શીખવી દો.

Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 12:56 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK