દાળ, ભાત, રોટલી ને શાકને બદલે પીત્ઝા, પાસ્તા અને પેપ્સી સ્ટેપલ ફૂડ બની રહ્યાં છે? સાથે જ સિક્કાની બીજી બાજુ પણ જોવી જોઈએ
યોગેશ શાહ
એક સમય હતો જ્યારે દાદી કહેતાં, ‘આજે શીરો બનાવજો. મારો દીકરો પાસ થઈ ગયો છે. મેથીના ગોટા સાથે ખીચિયાં પણ તળી લેજો.’
આજે ડૅડી કહે છે, ‘મારી ડિક્કી ફર્સ્ટ ક્લાસ પાસ થઈ છે. આજે તો પીત્ઝા, પેપ્સી ને લાવા કેકની પાર્ટી થઈ જાય.’
આપણે બાળકને ખુશ કરવા ચૉકલેટ આપીએ છીએ. સારા માર્ક આવે તો બર્ગર અને વીક-એન્ડમાં તો પીત્ઝા અને પાસ્તા જ. મૉલમાં જઈએ તો કોલ્ડ ડ્રિકનું કેન હાથમાં લઈને ફરવાનું. જન્ક-ફૂડ ધીમે-ધીમે ખોરાકને બદલે પ્રેમ અને લાગણીની ભાષા બની રહ્યું છે. શીરાની મીઠી સુગંધનું સ્થાન સિઝલિંગ હૉટ લાવા કેકે લીધું છે. જે બદલાવ આવ્યો છે એ ફક્ત મેનુમાં નથી આવ્યો, પરિવારની સંસ્કૃતિમાં પણ આવ્યો છે.
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે સ્કૂલની અંદર અને એની ૫૦ મીટરની આસપાસ વધારે ખાંડ, મીઠું અને ફૅટવાળા જન્ક-ફૂડના વેચાણ, જાહેરાત અને મફત વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. સ્કૂલની બહારના વિસ્તારને સ્વસ્થ બનાવવાનો આ સારો પ્રયાસ છે. કાયદાની છટકબારી શોધનારી સ્માર્ટ કંપનીઓ ફ્રીમાં સૅમ્પલનાં પૅકેટ્સ વહેંચે એવી છે. સવારે ભલે મફતમાં ખાધું હોય, સાંજે ઘરે જઈને બાળકો જીદ કરવાનાં જ છે એની તેમને ખાતરી હોય છે. એટલે જ સરકારે મફત વિતરણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ આવકારવા જેવો નિર્ણય છે. બાળકોને લલચાવતાં ચમકદાર પૅકેટો અને જાહેરાતોની દુનિયા પર થોડો અંકુશ આવશે.
પ્રશ્ન પીત્ઝાનો નથી. પ્રશ્ન એ છે કે શું પીત્ઝા હવે અપવાદ રહ્યા છે કે નિયમ? દાળ, ભાત, રોટલી અને શાકને બદલે પીત્ઝા, પાસ્તા અને પેપ્સી સ્ટેપલ ફૂડ બની રહ્યાં છે? આ લડાઈ સમોસા, વેફર કે ચૉકલેટ સામે નથી. આ લડાઈ જીવનશૈલી સામે છે. પ્રસંગોપાત્ત પીત્ઝા ખાવાથી નુકસાન થતું નથી, પરંતુ જ્યારે જન્ક-ફૂડ રોજિંદા જીવનનો ભાગ બની જાય ત્યારે ચિંતા તો કરવી જ પડે.
આનો અર્થ એવો પણ નથી કે દરેક પરિવારે રોજ ચૂલો સળગાવવો જ જોઈએ. મુંબઈની વાસ્તવિકતા જુદી છે. સિક્કાની બીજી બાજુ પણ જોવી જોઈએ. ઘણી ખોટી આદતો પરિસ્થિતિની ગુલામ હોય છે. દરેક ખરાબ આદત ખરાબ માણસની નિશાની હોતી નથી. ઘણી વાર એ થાકેલા જીવનનો ટૂંકો રસ્તો હોય છે. જન્ક-ફૂડની આદતનું મોટું કારણ એનો ચટપટો ટેસ્ટ તો છે જ, એની સાથે સમયના અભાવનું કારણ પણ પાછળથી ડોકિયાં કરતું હોય છે. મમ્મી-પપ્પા દરેક વખતે બાળકને બર્ગર ખવડાવવા ઇચ્છતાં નથી. તેઓ માત્ર પોતાની થાકેલી સાંજને થોડી હળવી બનાવવા માગતાં હોય છે. મુંબઈમાં રહેતાં હજારો દંપતીઓનો એક દિવસ યાદ કરો. સવારના ૭ વાગ્યે ઘરેથી નીકળે તો કામના સ્થળે ૯ વાગ્યે પહોંચી શકે. બાયોમેટ્રિક પૉઇન્ટ પર આંગળી મૂક્યા પછી જ ખુરસી પર બેસી શકે. એક બોરીવલીથી ચર્ચગેટ જાય તો બીજું કદાચ થાણે કે વાશી. ટ્રેનમાં ધક્કામુક્કી, ઑફિસની ફાઇલો, પાછા ફરતી વખતે ટ્રાફિક. પછી બાળકનું હોમવર્ક, વૃદ્ધ માતા-પિતાની જવાબદારી અને બીજા દિવસની તૈયારી. રાત્રે ૯ વાગ્યે આજે શું બનાવું એની ચિંતા મોબાઇલનો મેસેજ દૂર કરી દે છે : તમારો ઑર્ડર કન્ફર્મ થયો છે, ૨૦ મિનિટમાં પહોંચી જશે.
આજે આપણાં ઘરોમાં ઝડપથી ખાવાનું બનાવી આપનાર કોઈ રસોઈયો નથી, ડિલિવરી બૉય છે. આથી જન્ક-ફૂડનો પ્રશ્ન માત્ર સ્વાદનો નથી, સમયનો પણ છે. માત્ર ટેવનો નથી, થાકનો પણ છે. માત્ર ઇચ્છાનો નથી, બદલાતી જીવનશૈલીનો પણ છે. આજનો મધ્યમવર્ગીય મુંબઈગરો આરોપી નથી, પરિસ્થિતિનો કેદી છે. સરકારે સ્કૂલની બહાર પચાસ મીટર સુધીનો વિસ્તાર સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ ઘરની અંદરના પાંચ ફુટના ડાઇનિંગ ટેબલ પર કેવી રીતે કાયદો લાવી શકે? પરોક્ષ રીતે પણ જે ગુનેગાર હોય તે પોતે કેવી રીતે કાયદો ઘડી શકે? આપણે ઘણી વાર આદતોને દોષ આપીએ છીએ, પરંતુ એની પાછળ ઊભેલી પરિસ્થિતિને સમજતા નથી.
ત્રીજી દિશા કદાચ ઉકેલ આપી શકે. પરિસ્થિતિ આદતોને જન્મ આપે છે, પરંતુ સંકલ્પ એમને બદલી પણ શકે છે. થાક સાચો છે, સમયની અછત પણ સાચી જ છે છતાં ‘નો જન્ક ફૂડ વીક’ કે ‘આ અઠવાડિયે બહારનું કંઈ જ નહીં’ એવો નિર્ણય અવનવા વિકલ્પો ઉઘાડી આપે છે. ઉકેલ પ્રતિબંધોમાં નથી, સંતુલનમાં છે. એક દિવસ આખો પરિવાર રસોઈ બનાવવામાં જોડાય તો એ સાંજ પણ એક ઉત્સવ બની શકે. બાળકને સૅલડ સમારવા આપવું કે દાળના વઘારનો છમ્મ અવાજ સંાભળવાની મજા લેવા કહેવું એ પણ જીવનના એવા પાઠ છે જે કોઈ પાઠ્યપુસ્તકમાં નહીં મળે. એ સાંજે દાળ-ભાત સ્પેશ્યલ મીલ લાગશે અને હાંડવો સ્પેશ્યલ કેક.
ફાસ્ટ-ફૂડનો વિરોધ નથી, ફાસ્ટ જીવનનો છે. જીવન ધીમું પડશે તો થાળી પણ ધીમે-ધીમે બદલાશે.
બાય ધ વે
ADVERTISEMENT
તમને ખબર છે કે મુંબઈના પ્રથમ જન્ક-ફૂડ વડાપાંઉ (ઇન્ડિયન બર્ગર)ની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? ૧૯૭૦ના અરસામાં દાદર સ્ટેશનની બહાર અશોક વૈદ્યએ લોકલ મિલવર્કરો માટે રસ્તામાં ચાલતાં-ચાલતાં ખવાય એવા સસ્તા અને ઝટપટ બનતા બટાટાવડાને પાંઉમાં મૂકીને વેચવાની શરૂઆત કરી હતી. મહારાષ્ટ્રનું બીજું જન્ક-ફૂડ એટલે મિસળ-પાંઉ. એનું મૂળ તો ઉસળમાં (રસાવાળા મઠમાં); પણ ગુજરાતથી આવેલા વેપારીઓ ફરસાણ, ચેવડો અને સેવ-ગાંઠિયા સાથે લાવ્યા. ઉસળમાં આ બધાનું મિશ્રણ થયું અને સમારેલા કાંદા-લીંબુથી બની ગયું ચટપટું મિસળ. એટલે મિસળ સંપૂર્ણ મરાઠી તો ન જ કહેવાયને? તમને ખબર છે કે વિલે પાર્લેમાં દર વર્ષે મિસળ ફેસ્ટિવલ ઊજવાય છે? કારણ કે કોલ્હાપુરી, પુણેરી અને નાશિકના મિસળની તાસીર જુદી-જુદી હોય છે. પાંઉભાજીની વાત પણ કરવી હતી, પણ હવે મોઢામાં પાણી આવી ગયું હશે એટલે ફરી ક્યારેક.
