Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > યાદ રાખજો, સમયની દોડતી કાર પાસે રિવર્સ ગિઅર નથી

યાદ રાખજો, સમયની દોડતી કાર પાસે રિવર્સ ગિઅર નથી

Published : 19 May, 2026 01:28 PM | IST | Mumbai
Jainacharya shree Udayvallabhasuri | feedbackgmd@mid-day.com

સમય અને સંપત્તિ બે કીમતી તત્ત્વો છે. બેય જમા બોલે તો શ્રીમંતાઈ લાગે. સંપત્તિ કરતાં સમયની ખેંચ આજે વધારે જોવા મળે છે. સંપત્તિ તો મૂડીવાદી છે, જોરાવરને ઝાઝી અને નબળાને ઓછી. સમયની સરકાર તો સામ્યવાદી છે. દરેકને રોજ એકસરખા ચોખ્ખા અને રોકડા ૨૪ કલાક આપે છે.

જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ

સત્સંગ

જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ


સમય અને સંપત્તિ બે કીમતી તત્ત્વો છે. બેય જમા બોલે તો શ્રીમંતાઈ લાગે. સંપત્તિ કરતાં સમયની ખેંચ આજે વધારે જોવા મળે છે. સંપત્તિ તો મૂડીવાદી છે, જોરાવરને ઝાઝી અને નબળાને ઓછી. સમયની સરકાર તો સામ્યવાદી છે. દરેકને રોજ એકસરખા ચોખ્ખા અને રોકડા ૨૪ કલાક આપે છે.
સંપત્તિ ઓછી હોય તો માગીને લેવાય, વ્યાજે મળી રહે, બૅન્ક-લોનની સુવિધા રહે અને આવનારા પ્રસંગ માટે અગાઉથી પ્લાનિંગ સાથે કરી રાખેલી બચત પણ કામ લાગે. સમય પોતાનો હોય એ જ વાપરવા મળે, વ્યાજે મળતો નથી. ટાઇમ લોનની કોઈ સુવિધા નથી અને સમયનું ઍક્યુમ્યુલેશન પણ શક્ય નથી. પિતાનું અવસાન થતાં કરોડોની જાયદાદ વારસો માટે પોતે મૂકીને જાય છે, પણ દુનિયાનો દરેક બાપ પોતાનો પૂરો સમય વાપરી કાઢે છે. પાછળ ૧૫ સેકન્ડ પણ વારસારૂપે મૂકીને જતો નથી. લાખનો ખર્ચ કરવાનો હોય તો દર મહિને ૫૦૦૦ બચાવેલા ૨૦ મહિના સુધી કામ લાગી શકે. સમયમાં હપ્તાપદ્ધતિ શક્ય નથી માટે ૬ કલાકના કામ માટે એકસાથે ૬ કલાક જ કાઢવાના રહે. રોજની બચાવેલી ૧૫-૧૫ મિનિટમાં અમુક સળંગ કરવાનાં કામો હપ્તે-હપ્તે થતાં નથી. આમ ઘણી રીતે સંપત્તિ કરતાં પણ સમય વધુ કીમતી લાગે છે.
આમ છતાં પાંચસો રૂપિયા ક્યારેક પડી જાય છે ત્યારે માણસનું મોઢું પડી જાય છે. સોશ્યલ મીડિયા પર ફાલતુ ટાઇમપાસમાં કલાકો વેડફાઈ જવા છતાં ક્યારેય અફસોસ નથી થતો.
સોશ્યલ મીડિયા હવે એક એવો ટ્રૅક થઈ ગયો છે કે પેલી ટેમ્પલ રનની રમતના વાંદરાની જેમ માણસ સતત દોડતો જ રહે છે. સરેરાશ માણસના રોજના ચારથી પાંચ કલાક, અઠવાડિયે સવાથી દોઢ દિવસ અને વર્ષે અડધો-પોણો મહિનો એક મોબાઇલ ગળી જાય છે. ફોનમાં ઊંધું ઘાલીને ચાલતા લોકો અથડાઈ ન જાય એટલા માટે બૅન્ગલોરમાં ‘બિવેર ઑફ સ્માર્ટફોન ઝૉમ્બી’ (સ્માર્ટફોનમાં ખૂંપેલા સજીવોથી સાવધાન) એવાં હોર્ડિંગ્સ માર્યાં હોવાનું જાણ્યું હતું. એક શહેરમાં આવા હોર્ડ‌િંગ પર કૅપ્શન છે કે ‘માથું ઊંચું રાખો’. મને વિચાર આવે છે કે ખરેખર જેમના માટે આ લખાણો છે તેઓ એ વાંચવાના છે ખરા?
એવું લાગે છે કે હવે ટ્રેન્ડ ફરશે. અલબત્ત, શરૂઆત થઈ ચૂકી છે કે લોકો ફરીથી ફીચર ફોન તરફ પાછા વળશે. સ્માર્ટફોન મૂકીને ફીચર ફોન (નોકિયાનો અગાઉ હતો એ) તરફ વળશે. એમ થશે તો એક અંદાજ મુજબ સ્ક્રીન-ટાઇમ ૯ કલાકનો માત્ર વીસથી ૩૦ મિનિટનો થઈ જશે. વારંવારના આવતાં નોટિફિકેશન્સ, માનસિક ચંચળતા, આંખોની બળતરા, આંગળાં અક્કડ થઈ જવાં વગેરેમાંથી છૂટવાનો આ રસ્તો લોકો જ શોધી કાઢશે. સગવડના દરવાજે અંદર ગયેલા ત્રાસના એક્ઝિટ ડોરમાંથી બહાર નીકળશે એવું લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 01:28 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK