Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દેશની આઝાદી અને બંટવારાના સંઘર્ષની કથા-વ્યથા શા માટે આપણે સમજવી જોઈએ?

દેશની આઝાદી અને બંટવારાના સંઘર્ષની કથા-વ્યથા શા માટે આપણે સમજવી જોઈએ?

Published : 22 January, 2026 12:57 PM | IST | Mumbai
Jayesh Chitalia

વર્તમાન સંજોગોનાં સત્યો ભૂતકાળમાં પડ્યાં હોય છે, જે ભાવિ નિર્માણમાં નિમિત્ત બને છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


આપણા દેશને આઝાદી અને એ સમય દરમ્યાન બનેલી અનેક સનસનાટીભરી સંવેદનશીલ અને કરુણ ઘટનાઓનાં કારણો દર્શાવતી એક સિરીઝ તાજેતરમાં OTT મંચ પર રજૂ થઈ છે, જે આજની પેઢી માટે જાણવી-સમજવી જરૂરી છે.

આપણા દેશની આઝાદીને ૭૮ વર્ષ થઈ ગયાં હોવાથી લગભગ આજની બે પેઢીને એક સમયની લાંબી ગુલામી અને આઝાદી માટેની લાંબી લડત વિશે ખબર જ નથી, કેમ કે આજના મોટા ભાગના લોકોને આઝાદી રેડીમેડ મળી છે. હા, શિક્ષણ દરમ્યાન કે અન્ય માધ્યમો મારફત આ પેઢીના મોટા ભાગના વર્ગે વાંચ્યું છે, જાણ્યું છે, ચર્ચા પણ કરી છે જે આજે પણ ચાલી રહી છે. આ વિષયમાં વિવિધ ભાષામાં અનેક ફિલ્મો પણ બની છે, આજે પણ બનતી રહે છે. એક જ કથાને અલગ-અલગ સ્વરૂપે કહેવામાં કે રજૂ કરવામાં આવે છે જેમાં ક્યાંક ફિક્શન તો ક્યાંક અર્ધસત્ય અને ક્યાંક અસત્ય પણ પ્રવેશી જતું હોય છે અથવા કહો કે સત્ય ક્યાંક દબાઈ જાય છે, જેમાં દૃષ્ટિકોણ પણ બદલાઈ જતા હોય છે.



ભારતની, ઇન્ડિયાની અથવા હિન્દુસ્તાનની આઝાદી-સ્વતંત્રતા સાથે એક બહુ જ સંવેદનશીલ શબ્દ સંકળાયેલો છે; જેનું નામ છે દેશનું વિભાજન, બંટવારા, પાર્ટિશન, ભાગલા. આ વિષયમાં પણ અનેક મતો-મતભેદો અને વિચારો સાત દાયકાથી વ્યક્ત થતા રહે છે. હા, આજે પણ અને આવતી કાલે પણ થતા રહેશે, કારણ કે એ ઘટના અને એની પીડા એટલી હદ સુધી ઊંડી છે કે આપણા માટે એની કલ્પના કરવી પણ અત્યંત કઠિન છે. આ પીડાને જાણવી-સમજવી હોય તો આજની પેઢી, ખાસ કરીને યુવા પેઢી માટે એક સિરીઝ જોવી જરૂરી બને છે જેનું નામ છે ફ્રીડમ ઍટ મિડનાઇટ (ગુજરાતી અનુવાદ અડધી રાતે આઝાદી), તાજેતરમાં આ સિરીઝનો પાર્ટ-2 રિલીઝ થયો છે. પાર્ટ-1 પણ જોવો જોઈએ. આ સિરીઝ સમાન ટાઇટલના પુસ્તકના આધારે બની છે. પુસ્તક પણ વિવિધ ભાષામાં ઉપલબ્ધ છે. બાય ધ વે, મારે જે વાત કરવી છે એ સિરીઝનો રિવ્યુ નથી. મારો વિષય માનવીય પીડા, સંવેદનશીલતા, આક્રોશ અને સંઘર્ષનો છે જેનો સામાન્ય પ્રજાએ એ સમયે સામનો કર્યો હતો. એ સમજ્યા વિના આપણે આપણા દેશની આઝાદીની અને ભાગલા સમયની લડતના સત્યને સમજી શકીશું નહીં, એના સઘર્ષને સમજી શકીશું નહીં. આ ભલે એક ભૂતકાળ છે, પરંતુ ભવિષ્ય માટે પણ આને વર્તમાનમાં સમજવું આવશ્યક લાગે છે.


ગાંધીજી પર અનેક ફિલ્મો, ડ્રામા, સિરીઝ બન્યાં, અસંખ્ય પુસ્તકો લખાયાં. ગાંધીજી તો ત્યારથી   ગ્લોબલ બની ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ પુસ્તકો લખાયાં અને ફિલ્મો બની. વ્યક્તિગત ધોરણે આ લોકો માટે ઘણું કહેવાતું રહ્યું છે પરંતુ આ સિરીઝ વ્યક્તિલક્ષી નથી, રાષ્ટ્રલક્ષી છે જેમાં દેશની નામાંકિત હસ્તીઓ ઉપરાંત પ્રજા પણ આવી જાય છે. પ્રજા એટલે જે એ સમયે હતી એ જ નહીં, બલકે આજે છે એ પણ. ભવિષ્યમાં હશે એ પણ આમાં આવી જશે.

આપણી સામે સવાલો ઘણા છે


આ સિરીઝ જોવાનું મહત્ત્વ આ સવાલોમાં આવી જશે. શું આપણે આઝાદીની લડતને સમજવી છે? આઝાદીના એલાન બાદ દેશના ભાગલાના નિર્ણયોની સંવેદનશીલતાને સમજવી છે? એના સત્યને જાણવું છે? એ સમયે થયેલા કોમી દંગાનાં કારણોમાં ઊંડા ઊતરવું છે? એ સમયના એકેક દિવસ-રાતની પળોની લોકોની વેદનાને સમજવી છે? એ સમયની સરકાર પરના દબાણ, તનાવ, તંગદિલી, નિર્ણયોની સંવેદનશીલતા, સમતુલા જાળવવાના અથાક પ્રયાસ, લોકોને સમજવાની અને સમજાવવાની મનોવ્યથાના પ્રસંગોને જાણવા-સમજવા છે? ગાંધીજીનાં પોતાનાં સત્યો અને સિદ્ધાંતો, સરદારના વ્યવહારુ અને હિંમતભર્યા નિર્ણયો, દેશના પ્રથમ વડા પ્રધાન તરીકે જવાહરલાલ નેહરુનો અભિગમ, ઝીણાની રાજકીય નીતિઓ, રજવાડાંઓની કપરી સમસ્યાઓ અને એના ઉપાયો, સરદાર અને નેહરુ વચ્ચેના મતભેદો, લૉર્ડ માઉન્ટબેટનની ભૂમિકા, સેક્રેટરી મેનનની કામગીરી અને હા, આજ સુધી આપણને સહુને કનડી-કરડી રહેલી કાશ્મીરની કાતિલ અને કારમી સમસ્યાને સમજવી છે? આ બધાં વચ્ચે ફરી એ સમયની દેશની તમામ પ્રજાની લાચારી-વ્યથા-કરુણતા સમજવી છે? આ બધાંને સમજવાથી જ દેશની આઝાદીની, બંટવારાની અને ત્યાર બાદની ઘટનાઓ સમજી શકાશે. આ સમજણને વિવેકબુદ્ધિ સાથે સમજવી પડે, પૂર્વગ્રહ સાથે નહીં. આ સમજણનો સાર આ સિરીઝમાં છે.

શા માટે સમજવું જરૂરી?

કોઈને થઈ શકે કે અમારે શા માટે આ બધું સમજવું જોઈએ? શું જરૂર છે? અને સમજીને પણ શું કરી શકાશે? આના જવાબ આ જોવામાં મળી શકે છે. હાલ જ્યારે દેશમાં અનેક પ્રકારની રાજનીતિ ચાલી રહી છે, નરેટિવ ફેલાવાઈ રહ્યા છે, સમજ-ગેરસમજ તેમ જ સત્ય-અસત્યનું મિશ્રણ ચાલી રહ્યું છે અને આખી ને આખી પેઢીઓ એનો સામનો કરી રહી છે ત્યારે આ સિચુએશનને સમજવામાં આ સિરીઝ ઉપયોગી થશે. ખાસ કરીને ગાંધીજી વિશે જે ગેરસમજ, નફરત, નેગેટિવિટી ફેલાઈ રહી છે યા ફેલાવાઈ રહી છે એના સત્યને જાણવા-સમજવા માટે પણ આ જોવું-જાણવું જરૂરી બને છે. એ દેશના ભાગલા હતા, આજે દેશની અંદર જ કેટલાય ભાગલાની લડત ચાલુ છે, દેશમાં જ દેશના દુશ્મનો છે, ડિવાઇડ ઍન્ડ રૂલ આજે પણ અકબંધ છે. બટેંગે તો કટેંગેના નારા થયા કરે છે. એ કારમો ભૂતકાળ વર્તમાનમાં પણ ઊભો છે અને ભાવિ માટે પણ ભયાનક સંકેતો આપતો રહે છે, જેથી દરેક દેશવાસીએ રાષ્ટ્રહિતમાં પણ આ જાણવું-સમજવું આવશ્યક લાગે છે. દેશના એક નાગરિક તરીકે આપની સમક્ષ આ વિચાર કે પૉઇન્ટ ઑફ વ્યુ વ્યક્ત કર્યો છે.

મનોરંજન જ નહીં, મનોમંથન પણ અનિવાર્ય

જો આપણને ધુરંધર, કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મોએ હચમચાવ્યા હોય તો આપણને આ ફ્રીડમ ઍટ મિડનાઇટ સિરીઝ પણ સ્પર્શવી જોઈએ. આપણે માત્ર મનોરંજન સુધી જ સીમિત નથી,  આપણે મનોમંથન પણ સમજીએ છીએ. દેશના સાચા નાગરિકોને સત્ય જાણવામાં રસ હોય છે. આપણા દેશમાં જાગ્રત નાગરિકોની સંખ્યા પણ મોટી છે. દેશના વર્તમાન અને ભાવિ સમજવા એના ઇતિહાસને સમજવો-મૂલવવો અનિવાર્ય હોય છે. સમય સાથે પ્રજાની માનસિકતા બદલાય છે, પરિપક્વતા વધે છે. આ સાથે દૃષ્ટિકોણ પણ બદલાઈ શકે છે. વિશ્વ જેને મહાત્મા તરીકે સ્વીકારે છે-માને છે એ ગાંધીજી વિશે આંખ-મગજ બંધ રાખી તેમના પ્રત્યેની ગેરસમજને સ્વીકારતાં પહેલાં એને સમજવાનો પ્રયાસ તો કરો. માત્ર ગાંધીજી જ નહીં, સરદારને પણ સમજીએ. એ સમય, સત્ય, સંજોગો અને હકીકતને કેન્દ્રમાં રાખી સમજીએ. આજની ઝેન-જી જનરેશનમાં આ સત્યને સમજવાની જીદ હોવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2026 12:57 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK