Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મળીએ એવી અંગ્રેજી માધ્યમની સ્કૂલોને જ્યાં ગુજરાતીને ખરું સન્માન મળે છે

મળીએ એવી અંગ્રેજી માધ્યમની સ્કૂલોને જ્યાં ગુજરાતીને ખરું સન્માન મળે છે

Published : 21 February, 2025 09:05 AM | Modified : 22 February, 2025 07:19 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

મુંબઈમાં ચાલતી અંગ્રેજી માધ્યમની ઘણી સ્કૂલોમાં સેકન્ડ લૅન્ગ્વેજ તરીકે ગુજરાતી ભણી શકાય છે. અહીંનાં ગુજરાતી ઘરોનાં બાળકો કામચલાઉ ગુજરાતી બોલી જાણે છે.

થોડા સમય પહેલાં ભવન્સ અંધેરીમાં જમનાબાઈ નરસી સ્કૂલના વિદ્યાર્થીઓએ ડાયરો ભજવ્યો હતો.

થોડા સમય પહેલાં ભવન્સ અંધેરીમાં જમનાબાઈ નરસી સ્કૂલના વિદ્યાર્થીઓએ ડાયરો ભજવ્યો હતો.


મુંબઈમાં ચાલતી અંગ્રેજી માધ્યમની ઘણી સ્કૂલોમાં સેકન્ડ લૅન્ગ્વેજ તરીકે ગુજરાતી ભણી શકાય છે. અહીંનાં ગુજરાતી ઘરોનાં બાળકો કામચલાઉ ગુજરાતી બોલી જાણે છે. એમાં લખતાં-વાંચતાં આવડી જાય તો સારું એમ માનીને ઘણા પેરન્ટ્સને સેકન્ડ લૅન્ગ્વેજ ઑપ્શન સારો લાગે છે. જોકે અલગ-અલગ ગુજરાતી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત કેટલીક સ્કૂલોને એ મંજૂર નથી કે આપણાં ગુજરાતી બાળકો માટે ગુજરાતી ભાષા ફક્ત એક વિષય બનીને જ રહી જાય, એટલે આ સ્કૂલો ખરા અર્થમાં આ બાળકોની માતૃભાષા ગુજરાતી બને એ માટે અઢળક પ્રયત્નો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે જાણીએ એમના પ્રયત્નો વિશે


મુંબઈ જેવા મિશ્રિત કલ્ચરમાં ઊછરી રહેલા અને અંગ્રેજી માધ્યમમાં ભણતા આપણા છોકરાઓ હિન્દી-અંગ્રેજી મિશ્રિત કર્યા વગરનું ફાંકડું ગુજરાતી બોલતા હોય તો સારું લાગે પરંતુ જો મુંબઈના છોકરાઓ ગુજરાતી લખી-વાંચી શકે તો ગર્વ ચોક્કસ થાય. માતૃભાષામાં જ પ્રાથમિક ભણતર હોવું જોઈએ એ નિયમ જ્યારે અમલમાં આવશે ત્યારની વાત ત્યારે, પરંતુ  આજની તારીખે જે લઘુતમ અપેક્ષા કહી શકાય એ એવી છે કે એક ગુજરાતી ઘરનું છોકરું ગુજરાતી બોલે, લખે અને વાંચી શકે એટલી તેની આવડત હોવી જોઈએ. એટલે જ ઘણાં જાગૃત ગુજરાતી માતા-પિતાઓ ભલે પોતાનાં બાળકોને સારામાં સારી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં બેસાડે પણ એ ચોક્કસ જુએ કે ત્યાં સેકન્ડરી ભાષા તરીકે ગુજરાતી ભણાવાય છે કે નહીં. મુંબઈનાં વર્ષો જૂનાં ગુજરાતી કેળવણી મંડળો કે એજ્યુકેશન ટ્રસ્ટે વર્ષોથી એ ધ્યાન રાખ્યું છે કે તેમની શાળામાં ભણતું ગુજરાતી બાળક ગુજરાતી એક વિષય તરીકે તો ભણે જ, જેને કારણે બાળકને ગુજરાતી ભાષા લખતાં, વાંચતાં અને સારી રીતે બોલતાં આવડે. એ જરૂરી એટલા માટે છે કારણ કે આ બાળકોની માતૃભાષા ગુજરાતી છે. આમ તો મા સાથે બાળક જે રીતે જોડાયેલું હોય એ જ રીતે તે તેની માતૃભાષા સાથે જોડાયેલું હોવું જોઈએ. આ જોડાણનું મહત્ત્વ ઘણું છે. એક વિષય તરીકે ફક્ત પાઠ્યપુસ્તકીય જ્ઞાન મેળવી લેનાર બાળકને ગુજરાતી ભાષા સાથેનું એવું જોડાણ કેવી રીતે અનુભવાય? એ ભાષા તેના માટે ફક્ત એક વિષય કે પાસ થવા માટેનું સાધન માત્ર ન બની રહે અને પોતાની માતૃભાષા સાથે જોડાઈને બાળક ખરા અર્થમાં એનું મહત્ત્વ સમજી શકે એ માટેના અથાગ પ્રયત્નો પણ ઘણી સ્કૂલો કરી રહી છે. હા, આ સ્કૂલો અંગ્રેજી માધ્યમની સ્કૂલો છે. હા, આ સ્કૂલોની મૂળભૂત ભાષા અંગ્રેજી જ છે. હા, ત્યાં સેકન્ડરી લૅન્ગ્વેજ તરીકે જ ગુજરાતી ભાષા ભણાવાય છે. પરંતુ અહીં એવું કશુક થાય છે જેને કારણે અહીંનાં બાળકો ગર્વથી કહે છે કે તેમની માતૃભાષા ગુજરાતી છે. અહીંનાં બાળકો ગુજરાતી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. તેમને ગુજરાતી સાથે અનૂઠો પ્રેમ છે. આજે માતૃભાષા દિવસ નિમિત્તે જાણીએ કે મુંબઈની આ અંગ્રેજી માધ્યમની સ્કૂલો ગુજરાતી ભાષા માટે શું-શું કરી રહી છે.



જુહુની જમનાબાઈ નરસી સ્કૂલના છોકરાઓ ડાયરો અને નાટકો ભજવે છે અને ગુજરાતી કવિતા-વાર્તા પણ લખે છે


મુંબઈના અંગ્રેજી માધ્યમમાં ભણતા છોકરાઓને ઝવેરચંદ મેઘાણી કોણ છે એ ખબર હોય? આ પ્રશ્ન પર ભલભલાના મોઢામાંથી નીકળી જશે કે આ અપેક્ષા મુંબઈનાં બાળકો માટે જરા વધુપડતી છે. પરંતુ જુહુની જમનાબાઈ નરસી સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકો ઝવેરચંદ મેઘાણીને ઓળખતા જ નથી, મેઘાણીરચિત ‘ચારણ કન્યા’ એકદમ ગઢવીઓના અંદાજમાં ગાઈ પણ શકે છે. થોડા મહિના પહેલાં જ ભવન્સ અંધેરીમાં એક જાણીતા મૅગેઝિનના શતાંકના લોકાર્પણ નિમિત્તે નરસી મોનજી એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જમનાબાઈ નરસી સ્કૂલના વિદ્યાર્થીઓએ માથે ફેંટો બાંધીને પોતાના અંદાજમાં ડાયરો પ્રસ્તુત કર્યો હતો, જેના ભાગરૂપે તેમણે ‘ચારણ કન્યા’ પણ પ્રસ્તુત કર્યું હતું. જ્યારે આ નાનકડાં બાળકોએ ‘કાઠિયાવાડમાં કોક દી’ ભૂલો પડ ભગવાન’ પોતાના દેશી અંદાજમાં લલકાર્યું ત્યારે કોઈ ન કહી શકે કે આ એ જ બાળકો છે જે ફાંકડું ઍક્સેન્ટવાળું અંગ્રેજી બોલે છે. મુંબઈના મૉડર્ન છોકરાઓ ડાયરો ભજવી શકે એ કલ્પના જ કેવી ગેલ પમાડે એવી છે! આ કાર્યક્રમમાં સ્ટૅન્ડિંગ ઓવેશન આપનાર આખું ઑડિયન્સ ગદ્ગદ થઈ ઊઠ્યું હતું અને બધાને હૈયે હાશ હતી કે આપણી ભાષા અને સંસ્કૃતિને ઝીલનારી નવી પેઢી ઘણી સક્ષમ છે. તેમના હાથમાં બધું સુરક્ષિત છે.


સ્કૂલનાં બાળકોએ લખેલાં નવાંનક્કોર બાળગીતોનું પુસ્તક.

જમનાબાઈ નરસી સ્કૂલમાં છેલ્લાં ૫૫ વર્ષોથી  ICSE બોર્ડમાં ગુજરાતી વિષય ભણાવવામાં આવે છે અને આ ટ્રસ્ટની જ બીજી સ્કૂલ જમનાબાઈ નરસી ઇન્ટરનૅશનલમાં પણ ગુજરાતી ભણાવવામાં આવે છે. ભાષા વિશે વાત કરતાં જમનાબાઈ નરસી સ્કૂલનાં પ્રિન્સિપાલ કલ્પના પતંગે કહે છે, ‘અમારી સ્કૂલના મૅનેજિંગ ટ્રસ્ટી જયરાજભાઈ ઠક્કરની દીર્ઘ દૃષ્ટિ એ કહે છે કે બાળકોને તેમની માતૃભાષા માટે માન થાય, તેઓ ભાષા સાથે સંપૂર્ણ રીતે જોડાય અને ભાષાને પ્રેમપૂર્વક શીખે એ ખૂબ જરૂરી છે. અમારા પ્રયત્નો એવા છે કે બાળકો ભાષાને ફક્ત એક વિષયની જેમ જ ન શીખે, પરંતુ એના થકી આખેઆખી સંસ્કૃતિ અને સાહિત્ય સુધી તેઓ ઊંડાં ઊતરે. એટલે જ ફક્ત પાઠ્યપુસ્તકીય જ્ઞાનથી આગળ વધીને તેઓ પોતાની માતૃભાષાના જુદા-જુદા આયામને સર કરે એવી તકો પૂરી પાડવામાં આવે છે.’

૨૦૦૬થી લઈને દર વર્ષે આ સ્કૂલમાં ગુજરાતી દિવસની ઉજવણી થાય છે જેમાં જમનાબાઈ નરસી સ્કૂલ સાથે મુંબઈની બીજી ૨૦થી પણ વધુ સ્કૂલો ગુજરાતી પ્રસ્તુતિઓ લઈને ભજવવા માટે અહીં આવે છે. જમનાબાઈ નરસી સ્કૂલનાં બાળકોને ગુજરાતી ભાષા સાથે જોડવાના કયા પ્રકારના પ્રયત્નો અહીં કરવામાં આવે છે એની માહિતી આપતાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષા રેખા ભુંડિયા કહે છે, ‘અમારાં બાળકો ગુજરાતીમાં કવિતાઓ કરે છે, વાર્તાઓ પણ લખી જાણે છે, લેખો લખે છે જે જુદાં-જુદાં પ્રકાશનોમાં પ્રકાશિત પણ થાય છે. અમારા પ્રયાસો એવા છે કે અમારી સ્કૂલમાંથી ગુજરાતી લેખકો અને કવિઓ બહાર પડે. ૨૦૨૩માં અમે બાળકોને કહ્યું કે તમારાં દાદા-દાદી અને નાના-નાની પાસે બેસીને બાળગીતો લખો. લગભગ ૩૦૦ જેટલાં નવાંનક્કોર બાળગીતો તૈયાર થયાં, જેમાંથી ૬૨ જેટલાં બાળગીતોની પસંદગી કરીને એની અમે એક બુક પ્રકાશિત કરી. એને હવે લયબદ્ધ કરીને અમે રેકૉર્ડ પણ કરવા માગીએ છીએ.’ જમનાબાઈ નરસી સ્કૂલનાં બાળકો ગુજરાતી નાટકો, એકોક્તિ, એકપાત્ર અભિનય, કાવ્યપઠન, લોકગીતો, લોકનૃત્યો, ડાયરો જેવા અઢળક કાર્યક્રમો તૈયાર કરે છે અને એની જુદા-જુદા અવસરે પ્રસ્તુતિ થતી રહે છે. ભાષાને આ પ્રકારે વધુ ઊંડાણથી શીખી શકાય છે એમ તેઓ માને છે. આ સિવાય તેમનો અભ્યાસક્રમ વધુ રસપ્રદ બને એ માટેના પ્રયાસોમાં મુકેશ જોશી જેવા કવિ અને ઈલા આરબ મહેતા જેવાં લેખકો બાળકોને સ્વયં સ્કૂલમાં આવીને તેમની પોતાની રચનાઓ ભણાવે છે. નવમા અને દસમા ધોરણનો ગુજરાતી અભ્યાસક્રમ તેમણે ઑડિયો ફૉર્મેટમાં રેકૉર્ડ કરાવ્યો છે જેને આલાપ દેસાઈ અને તેમની ટીમ દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યો છે અને રાજુલ દીવાન અને બીજા કેટલાક પ્રોફેશનલ નાટ્યકારોએ એનું પઠન કર્યું છે. આ બધું કરવા પાછળનો પોતાનો હેતુ સ્પષ્ટ કરતાં રેખાબહેન કહે છે, ‘માતૃભાષા સાથેનું જોડાણ અતિ મહત્ત્વનું છે અને આ બધા જ પ્રયત્નો બાળકોનું આ જોડાણ પરિપક્વ બની રહે એ માટેના છે.’

બાળગીતો, જોડકણાં, ઉખાણાં અને જ્ઞાન સાથે ગમ્મતના કન્સેપ્ટથી માટુંગાની શિશુવન સ્કૂલમાં શીખવવામાં આવે છે ગુજરાતી ભાષા

નાના-મોટા સૌ મામા કહેતાં, રાત્રિ મારી રાહ જોતાં, કાયમ હું સૌને ગમું, અડધો આખો હું જોવા મળું; બોલો કોણ? એવું શિક્ષક પૂછે ત્યારે કક્ષામાં ભણતા ટાબરિયાઓ ઊછળી પડે અને કહે, ચાંદામામા. આ સીન ગુજરાતના કોઈ બાળમંદિરનો નથી, માટુંગા-ઈસ્ટમાં આવેલી શ્રી હીરજી ભોજરાજ ઍન્ડ સન્સ કચ્છી વીસા ઓસવાળ જૈન છાત્રાલય ટ્રસ્ટ દ્વારા સંચાલિત શિશુવન સ્કૂલનો છે જ્યાં ICSE બોર્ડ અંતર્ગત અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા સેકન્ડરી ભાષા તરીકે શીખવાનો ઑપ્શન મળે છે.

રમત દ્વારા શબ્દભંડોળ વધારવાનું સેશન લેતાં ગુજરાતી શિક્ષિકા નીલમ દાફડા. કક્કો-બારાખડી પરથી શબ્દોની ગેમ રમતાં બાળકો.

મુંબઈનાં સિનિયર KGમાં ભણનારાં બાળકો ‘મેં એક બિલાડી પાળી છે’, ‘ચાલો, ચાલોને રમીએ હોડી-હોડી’, ‘મને પંખી નાનેરું થવું ગમે’ જેવાં બાળગીતો મજાથી ગાતાં હોય તો એ જોઈને કોઈ પણ ગુજરાતી વડીલ ખુશ થઈ જાય, કારણ કે જે બાળકો ગુજરાતીને બીજી ભાષા તરીકે શીખતાં હોય તેઓ આ બાળગીતોના લહાવાથી વંચિત રહી જતાં હોય છે. એ વિશે વાત કરતાં આ સ્કૂલના ટ્રસ્ટી અને CEO CA સુધીર ભેદા કહે છે, ‘સ્કૂલ ભલે અંગ્રેજી માધ્યમની હોય અને કહેવા માટે સ્કૂલમાં ગુજરાતી ભાષાને સેકન્ડરી ભાષા તરીકે ગણવામાં આવે, પણ અમે ગુજરાતી ભાષાને બાળકોની માતૃભાષા તરીકે શીખવીએ છીએ. માન્યું એ ક્લાસમાં ફક્ત ગુજરાતી બાળકો જ ભણતાં નથી. એટલે એ બાળકો માટે સંસ્કૃત ઑપ્શન અમે આ વર્ષથી શરૂ કર્યો છે. પણ જે બાળકો ગુજરાતી છે તેમને તો સારી રીતે પોતાની ભાષા શીખવા મળે એ જરૂરી છે એમ અમે માનીએ છીએ.’ 

પ્રિન્સિપાલ પ્રાચી રણદીવે

આ સ્કૂલમાં સિનિયર KGથી બાળકોને ગુજરાતી ભાષા શીખવવાનું શરૂ થઈ જાય છે. ચોથા ધોરણ સુધી બાળકને જોડકણાં, ઉખાણાં,  જુદી-જુદી રમતો દ્વારા ગુજરાતી ભાષાથી વધુ નજીક લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે છે. એ વિશે માહિતી આપતાં આ સ્કૂલનાં પ્રિન્સિપાલ પ્રાચી રણદીવે કહે છે, ‘અમે દર વર્ષે એક એજ્યુકેશનલ મેળાનું આયોજન કરીએ છીએ. આ મેળામાં બાળકો દ્વારા જુદા-જુદા સ્ટૉલ્સ સેટ-અપ કરવામાં આવે છે જેમાં લગભગ દર વર્ષે એક સ્ટૉલ અમે ગુજરાતી ભાષાલક્ષી રાખીએ છીએ જે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ સ્ટૉલ પર અમુક રમતો તૈયાર કરવામાં આવે છે, જેમ કે મૂળાક્ષરોનો એક ચાર્ટ બનાવવામાં આવે અને આંખે પાટા બાંધીને જે અક્ષર પર હાથ રાખો એ અક્ષરના શબ્દો બોલવાના. એક આખી વાર્તા હોય જેમાં વચ્ચે ખાલી જગ્યામાં ફક્ત ચિત્રો હોય એ ચિત્રોને જોઈને ત્યાં એને અનુરૂપ શબ્દો ગોઠવવાના અને વાર્તા પૂરી કરવાની. આવી રમતોને કારણે બાળકોમાં ભાષા પ્રત્યેનો ઉત્સાહ જળવાઈ રહે છે અને મેળામાં બાળકો જ નહીં, બાળકોનાં માતા-પિતા પણ આ રમતો ઉત્સાહ સાથે રમે છે.’

આ સિવાય શિશુવનમાં ગુજરાતી ભાષાનાં નાટકો પણ થાય છે. એ વિશે માહિતી આપતાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષા ઊર્મિ દામાણી કહે છે, ‘અમે હાલમાં ૩૧ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના સ્કૂલમાં એક શેરી નાટક ભજવેલું, જેનું નામ હતું સારા અક્ષર. એમાં બાળકોએ શિક્ષકો સાથે મળીને સ્ક્રિપ્ટ બનાવી હતી. સારા અક્ષરોનું શું મહત્ત્વ છે એ વિષય પર આધારિત આ નાટકને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ગયા વર્ષે અમે એક અંગ્રેજી નાટક લંચબૉક્સનું અનુવાદ કરીને એને ગુજરાતીમાં ભજવ્યું હતું. ધારા ત્રિવેદી નામના ગુજરાતી નાટ્યકારે બાળકોને સમજાવ્યું કે સ્ટેજ પર નાટક કઈ રીતે થવું જોઈએ, સંવાદ કેવી રીતે બોલાવા જોઈએ અને એ પછી બાળકોને અમે તૈયાર કર્યાં હતાં. અમારી સ્કૂલમાં ભજવાતા પ્રોજેક્ટ ડેના દિવસે વાલીઓ સમક્ષ બાળકો ગુજરાતીમાં કાવ્યપઠન કે વાર્તા રજૂ કરતાં હોય છે. ઘણી વાર આ ભૂલકાંઓ ઉખાણાં પૂછીને વડીલોને ગૂંચવતાં દેખાય છે. ઘણી વાર તો એવું પણ બનતું હોય છે કે બાળકો તેમનાં માતા-પિતાને ગુજરાતી શીખવતાં જોવા મળે છે.’

શિક્ષણની જૂની રીતો આમ પણ બદલાઈ રહી છે ત્યારે ગુજરાતીને ફક્ત વિષયલક્ષી ન રાખીને બાળકોને મજા આવે એવું કંઈ કરી શકાય તો તેમનો ભાષામાં રસ વધે છે એમ જણાવતાં સ્કૂલનાં ગુજરાતી શિક્ષિકા નીલમ દાફડા કહે છે, ‘જે લોકો ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે તેઓ ગુજરાતી ખૂબ મજાથી ભણ્યા છે. વાર્તાઓ, બાળગીતો, નાટકો, ગાયનોથી ભરપૂર બનાવી દેવામાં આવે તો ભાષા ઘણી રસપ્રદ થઈ જાય. પ્લે ઍન્ડ લર્નના કન્સેપ્ટ ફક્ત અંગ્રેજી ભાષા માટે જ થોડા છે? ગુજરાતીમાં પણ રમતો બનાવીને બાળકનું શબ્દભંડોળ વધારી શકાય. બાકી કવિતાઓ, નાટકો અને નૃત્યો બાળકોને ભાષાના માધ્યમથી સંસ્કૃતિ સાથે જોડવાનો કલાત્મક રસ્તો છે એટલે એના પર ચાલવું ઘણું ફાયદેમંદ સાબિત થાય છે.’ 

પોતાનાં સપનાંઓ, શોખ, પરિવારના સભ્યો  વિશે ગુજરાતીમાં લખવાની તકને કારણે KES ઇન્ટરનૅશનલ સ્કૂલનાં બાળકો પોતાની માતૃભાષા સાથે ગાઢ રીતે જોડાઈ રહ્યાં છે

કાંદિવલી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સ્કૂલોમાં સરદાર વલ્લભભાઈ પટેલ હાઈ સ્કૂલ નામની ગુજરાતી માધ્યમની સ્કૂલ પણ ચાલે છે અને તેમની જ અંગ્રેજી માધ્યમની સ્કૂલ પણ છે. પરંતુ ત્રણ વર્ષ પહેલાં તેમણે KES ઇન્ટરનૅશનલ સ્કૂલના નામે એક આંતરરાષ્ટ્રીય સ્તરની સ્કૂલો શરૂ કરી છે. આમ તો ઇન્ટરનૅશનલ સ્કૂલોમાં ગુજરાતીને એક વિષય તરીકે રાખવી જ મુશ્કેલ છે પરંતુ ૧૯૩૬થી ગુજરાતી ભાષાને ભણતરનો અનન્ય ભાગ બનાવનારા કાંદિવલી એજ્યુકેશન ટ્રસ્ટે એમની ઇન્ટરનૅશનલ સ્કૂલમાં પણ ગુજરાતી ભાષાનો ઑપ્શન રાખ્યો જ છે. એ વિશે વાત કરતાં આ સ્કૂલના પ્રેસિડન્ટ મહેશ શાહ કહે છે, ‘સમય ઘણો બદલાયો છે અને એ મુજબ લોકોની સમજણ પણ. જ્યારે સ્કૂલ અમે શરૂ કરી ત્યારે આખી સ્કૂલમાં ફક્ત ૬ બાળકોને ગુજરાતી શીખવું હતું. એ પછીના વર્ષે ૧૨૦ બાળકોમાં ૧૭ બાળકોને ગુજરાતી શીખવું હતું અને એના પછીના વર્ષે ૧૬૦ બાળકોમાં ૩૦ બાળકોને ગુજરાતી શીખવું છે. આમ ૬ બાળકોમાંથી ૩૦ બાળકો સુધી પહોંચવા માટે અમે ઘણા પ્રયત્નો કર્યા છે. ગુજરાતી માતા-પિતાને વ્યક્તિગત રીતે મળીને સમજાવવું પડે છે  કે તમારે બાળકને ગુજરાતી શીખવવું ખૂબ જરૂરી છે. બાળકને માતૃભાષા સાથે જોડવું ખૂબ જરૂરી છે.’

બાળકોને ગુજરાતી લોકનૃત્ય શીખવવાની વર્કશૉપ.

આ સ્કૂલમાં બાળકોને સેકન્ડરી લૅન્ગ્વેજ માટે બે ઑપ્શન મળે છે, હિન્દી કે ગુજરાતી. ગુજરાતી ઘરોનાં બાળકો માટે માતા-પિતા એવું વિચારવા લાગ્યાં છે કે ગુજરાતી બોલતાં આવડે એટલું પૂરતું છે. એના કરતાં હિન્દી શીખવા દો. હકીકતે માતૃભાષા કેમ શીખવી જોઈએ એ બાબતને સમજાવવા માટે એક યાદગાર અનુભવ જણાવતાં સ્કૂલના પ્રિન્સિપાલ જોયસ ઘાનાસિંહ કહે છે, ‘અમારી પાસે છઠ્ઠા ધોરણમાં એક નવી વિદ્યાર્થિની આવેલી જેનાં માતા-પિતા મૂંઝાયેલાં હતાં કે તેણે નાનપણથી ગુજરાતી શીખ્યું જ નથી તો છઠ્ઠા ધોરણમાં તે કઈ રીતે શીખશે એવું તેમને થતું હતું. પહેલા ૬ મહિના તેને તકલીફ પડી, લખતાં-વાંચતાં તેને આવડી ગયું. પ્રોજેક્ટના ભાગરૂપે તેને એક નિબંધ લખવાનું કહ્યું. વિષય હતો, મારી મા. તેનો ગુજરાતીમાં લખેલો નિબંધ વાંચીને તેની મમ્મી રડી પડી. તેણે કહ્યું કે મારી દીકરીએ આટલી સારી રીતે ક્યારેય એક્સપ્રેસ કરીને કહ્યું નથી કે તે મને કેટલો પ્રેમ કરે છે. દીકરી પોતાની લાગણીઓ ખૂબ જ સારી રીતે દર્શાવી શકી કારણ કે એ લાગણીઓ માતૃભાષામાં પ્રગટ થઈ હતી. આ જ કારણ છે કે દરેક બાળકને માતૃભાષા શીખવવી જ જોઈએ.’

આ બાબતે વિગતે વાત કરતાં આ સ્કૂલનાં ગુજરાતી શિક્ષિકા નિશા પંડ્યા કહે છે, ‘ગુજરાતી બાળકની માતૃભાષા છે અને એમાં તે પોતાની જાતને સૌથી સારી રીતે વર્ણવી શકે છે એ બાબતને સમજીને અમે બાળકોને તેમના અંગત જીવનને આધારિત વિષયો ગુજરાતીમાં લખવા માટે આપીએ છીએ. જેમ કે તેમનાં સપનાંઓ, શોખ, પરિવારના સભ્યો વગેરે વિશે તેમને લખવા માટે અમે પ્રેરણા આપીએ છીએ. આ લખવાથી ફાયદો એ છે કે બાળકોની અંતરંગ લાગણીઓ તેઓ ખુદ સમજી શકે છે અને એને વર્ણવી પણ સારી રીતે શકે છે, જે સંપૂર્ણ ડેવલપમેન્ટ માટે અનિવાર્ય છે. એક વાર તમે ભાષાનો હાથ પકડીને એક્સપ્રેસ કરતા થઈ જાઓ એટલે સમજવાનું કે તમે ભાષા સાથે અદ્ભુત રીતે જોડાઈ ગયા છો.’ 

બાળકોને માતૃભાષા સાથે જોડી શકાય એ માટે દર વર્ષે આ સ્કૂલમાં ઘણા કાર્યક્રમો પણ કરવામાં આવે છે. ગરબા માટે સોની સ્કૂલ્સ ઑફ ગરબાના જિગર સોની આ બાળકોને ગુજરાતી લોકનૃત્ય શીખવે છે અને તૈયાર પણ કરાવે છે. આ સિવાયની માહિતી જણાવતાં સ્કૂલનાં ગુજરાતી શિક્ષિકા ક્રિષ્ના સોની કહે છે, ‘અમે દર વર્ષે ગુજરાતી દિવસ સ્કૂલમાં ઊજવીએ છીએ. જેમાં ૨૦૨૩-’૨૪માં ‘ગુંજાવીએ ગગનમાં ગુજરાતી’ થીમ પર સમગ્ર કાર્યક્રમ અમે પ્રસ્તુત કર્યો હતો જેમાં ‘એક મજાનો માળો’ વિષય પર જીવનમાં મહેનતનું મહત્ત્વ સમજાવતાં એક બાળગીત પ્રસ્તુત કર્યું હતું. આ સિવાય આદર્શ બાળપણનો ચિતાર આપતું એક બાળનાટક પણ અમે ભજવ્યું હતું. એ જ રીતે ૨૦૨૪-’૨૫માં અમે ‘મારું માન મારી ભાષા’ થીમ પર સમગ્ર કાર્યક્રમ રજૂ થયો હતો. ગુજરાતી બાળકો ભાષા બોલે, વાંચે કે લખે એ જરૂરી છે એ વાત સાચી પરંતુ જ્યારે તે ગુજરાતી ભાષામાં લોકો સમક્ષ કોઈ પ્રસ્તુતિ આપે છે ત્યારે તેમનું ભાષા સાથેનું જોડાણ વધુ ગાઢ બને છે.’

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2025 07:19 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK