શક્તિનો દુરુપયોગ કરવાની દિશામાં કોઈ પણ દેશ જો આગળ વધતો હોય તો એને રોકવાની જવાબદારી દરેક દેશની છે
લેખક અને કૉલમનિસ્ટ તરીકે સક્રિય અલકેશ વ્યાસ વડોદરામાં રહે છે અને અગ્રણી અખબારમાં સબ-એડિટરની ફરજ બજાવે છે
દેશની અંદર જ નહીં પણ દેશની બહાર પણ કાયદો અને વ્યવસ્થાનું પોતાનું મૂલ્ય છે અને શક્તિશાળી દેશોએ તો વિશેષપણે એને વફાદાર રહેવું જોઈએ. જ્યારે શક્તિશાળી દેશ જ અનીતિ અને અન્યાયના માર્ગ પર ચાલે ત્યારે દુનિયા સામે ખતરો ઊભો થતો હોય છે. ભૂતકાળમાં આવા જ કારણે આપણે વિશ્વયુદ્ધનો સામનો કર્યો છે.
ટ્રમ્પ અત્યારે ગ્રીનલૅન્ડ પચાવી પાડવાની દિશામાં બેફામ બનીને વર્તી રહ્યો છે. અમેરિકા જેવા દેશના વડા દ્વારા થતી આ હરકત ચિંતાનો વિષય છે. ગંભીરતા સાથે એની વાત થવી જોઈએ. તમે કોઈને મદદ કરી એટલે તમે એના માલિક અને એ તમારો ગુલામ નથી થઈ જતો. ગ્રીનલૅન્ડ સુંદર છે. કુદરતી ખનિજનો ત્યાં ખજાનો છે એટલે અમેરિકા એને પોતાનામાં સમાવી લેવા માગે એ તદ્દન ગેરવાજબી છે. આમ જો દરેક શક્તિશાળી દેશ પોતાની આસપાસના નાના-નાના દેશો પર નજર બગાડશે અને એને પોતાના કબજામાં કરવા માંડશે તો દુનિયામાં સાત-આઠ જ દેશ બચ્યા હશે અને એ જોખમી છે. ગ્રીનલૅન્ડ લઈ લીધા પછી ટ્રમ્પ અટકવાનો નથી જ એ વાત યુરોપિયન દેશોને સમજાઈ ગઈ છે અને એટલે જ હવે આ ષડયંત્રને રોકવાની દિશામાં યુરોપિયન દેશો એક થઈ રહ્યા છે. ગ્રીનલૅન્ડ પછી મેક્સિકો અને ડેન્માર્ક પણ ટ્રમ્પના રડારમાં છે. આ પ્રકારની હરકતોનો માત્ર લાગતા-વળગતા જ નહીં પણ દુનિયાના તમામ દેશોએ એકસાથે વિરોધ કરવો જોઈએ.
ADVERTISEMENT
શક્તિનો દુરુપયોગ કરવાની દિશામાં કોઈ પણ દેશ જો આગળ વધતો હોય તો એને રોકવાની જવાબદારી દરેક દેશની છે. દુનિયા આખી જાણે છે કે અમેરિકા પાસે હથિયારો છે. અણુ બૉમ્બ છે. વિશાળ ડિફેન્સ સિસ્ટમ છે અને ખૂબ પૈસો છે. આવી મજબૂત ઇકૉનૉમી ધરાવતા અમેરિકાને ગ્રીનલૅન્ડ લેતું અટકાવવા માટે યુદ્ધથી ફાયદો થવાનો નથી. એમાં તો ઊલટાની અશાંતિ વધશે. તમે જુઓ, સહેજ ટ્રમ્પનું ધાર્યું ન થાય એટલે તે ટૅરિફ વધારવાની વાત કરે છે. તરત જ ધમકીઓ આપવા પર મંડી પડે છે. તમે વિચાર કરો કે આ કોઈ રીત છે? આ રવૈયો કોઈ શક્તિશાળી દેશના નેતાનો હોવો જોઈએ? યાદ રાખવું જોઈએ કે માત્ર સંપત્તિ અને શસ્ત્રદળમાં શક્તિ નથી, એકતામાં પણ શક્તિ છે. એટલે દુનિયાના દેશોએ આ દિશામાં વિસ્તરણની આ નીતિ પર કાપ મૂકવાની સાથે જરૂર પડે ત્યાં એક થઈને આગળ વધવું જોઈએ. એક દેશ રાક્ષસ બનીને બીજા દેશોને ગળવાની વાત કરતો હોય ત્યારે એનો વિરોધ કરવાની દિશામાં લોકોએ સક્રિય થવું જોઈએ. તમે મોટા થઈને બ્લૅકમેઇલિંગના રસ્તે ચાલો એ તો કદાપિ યોગ્ય નથી એ વાત ટ્રમ્પને પણ સમજાવવી પડશે.


