મોબાઇલના વધતા વપરાશથી કંટાળેલા યુવાનો હવે સ્ક્રીન ટાઇમ ઘટાડવા ડિજિટલ ડીટૉક્સ, સ્માર્ટફોન લૉકબૉક્સ અને ફ્લિપફોન જેવા વિકલ્પો અપનાવી રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
આઝાદીનો આઠમો દાયકો પૂરો થઈ રહ્યો છે ત્યારે આઝાદીના સંદર્ભને એક વાર સમજી લઈએ. ૧૯૪૭ પહેલાંના દાયકાઓમાં માણસ ધારે એ કપડાં લઈ નહોતો શકતો. ભારતથી જ ઇંગ્લૅન્ડ ગયેલું અને મૅન્ચેસ્ટરથી પાછું આવેલું કાપડ ખરીદવાની ફરજ પડે એવું કંઈક વાતાવરણ હતું. પોતાની સમૃદ્ધ એવી પરંપરાગત શિક્ષાપ્રણાલીનું ભણતર મેળવનારને નોકરી ન મળે અને અંગ્રેજોની નવી દાખલ કરેલી શિક્ષણવ્યવસ્થામાં દાખલ થઈને ભણનારને જ નોકરી મળે એવી લાચારી હતી. બીજાનું ધાર્યું જ થાય ત્યાં સ્વતંત્રતા કેવી? આ પીડા અને વ્યથામાંથી સ્વાતંયસંગ્રામનો પ્રસવ થયો હતો.
બદલાયેલા સમયમાં બદલાયેલા સ્વરૂપે આજે ફરી એક વાર સ્વાતંયની ઝુંબેશ ચલાવવી અનિવાર્ય છે. ના, કોઈ પૉલિટિકલ કે ક્રિટિકલ મુદ્દો નથી, બલ્કે અંગત જીવનને સ્પર્શતો એ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે.
સંદેશવ્યવહારના એક નાનકડા સાધન તરીકે વપરાતો ફોન આજે ખરા અર્થમાં દરેકનો લાઇફ-પાર્ટનર બની ગયો છે. પત્ની માગે એટલો સમય પતિનો મેળવી શકતી નથી, વડીલો ઇચ્છે એટલો સમય પરણેલા દીકરાનો પામી શકતા નથી, મોબાઇલ ધારે એટલો સમય વ્યક્તિ પાસેથી કઢાવી લે છે. એ પણ એટલી હદે કે પરિવારને ફાળે જતા, ઊંઘને ફાળે રહેલા અને કેટલાંક કામો પતાવવા માટે મળેલા સમયમાંથી પણ મોટી કટકી મારી લે છે એક મોબાઇલ. સમયખાઉ,
સ્ટ્રેસ-વર્ધક, અનિદ્રાકારક, વિકૃતિ-સર્જક, આળસ-પોષક બની ગયેલા આ સાધનનો અતિ વપરાશ એના ફાયદાઓને ઓવરલૅપ કરી દે છે.
આજનો યુગ એટલે ડિજિટલ યુગ. ખોરાક અને કપડાંથી લઈને લાઇફ-પાર્ટનર સુધી બધું સ્ક્રીન પરથી ઉપાડી શકાય. કોઈ પણ વસ્તુથી મળતી વધુ પડતી સુવિધા એના અતિરેકને ખેંચી લાવે અને દરેક વસ્તુનો અતિરેક એના અંતની નોબત વગાડે. આજે કહેવું કદાચ થોડું વહેલું કહેવાશે (પણ ખોટું નહીં કહી શકાય કે) મોબાઇલ ફોનનાં વળતાં પાણી હવે શરૂ થઈ રહ્યાં છે. સલાહથી ન શીખનારી યુવા પ્રજા છેવટે અનુભવમાંથી શીખી રહી છે અને સ્ક્રીન-ઍડિક્શનમાંથી બહાર નીકળવાની છટપટાહટ રીતસર શરૂ થઈ રહી છે.
પોતાનો સ્ક્રીન-ટાઇમ ઘટાડવાના ઇરાદે યુવા વર્ગ ફ્રીડમ, ઓપલ, વનસેક જેવી ઍપને સબસ્ક્રાઇબ કરી રહ્યો છે જે નક્કી કરેલા અમુક સમય માટે ફોનને લૉક કરી દે છે. ડિજિટલ તિજોરી કહી શકો એવી વ્યવસ્થારૂપે ફિઝિકલ ટાઇમ્ડ લૉકબૉક્સ મળે છે જેમાં સ્માર્ટફોન મૂકીને બે કે ૩ કલાકનું ટાઇમર સેટ કરી દેવાનું. એક વાર ટાઇમર ચાલુ થઈ ગયા પછી એ ટાઇમ પૂરો થતાં પહેલાં ઇચ્છવા છતાં પણ ફોન એમાંથી બહાર કાઢી શકાતો નથી.
ડિજિટલ ડીટૉક્સનું પણ એક માર્કેટ ઊભરી રહ્યું છે જે ૨૦૨પમાં ૩૬૦૦ કરોડનું હતું એ ૨૦૨૬માં સવાસો ટકાનો વધારો થતાં લગભગ ૭૯૦૦ કરોડ પર પહોંચશે અને ૨૦૩૨ સુધીમાં ૧૪,૭૦૦ કરોડ રૂપિયા સુધી વિસ્તરવાની શક્યતા છે.
મોંઘાદાટ અને હાઈ-ટેક સ્માર્ટફોનને બદલે માત્ર જરૂરી કૉલ્સ કે મેસેજિસ માટે કામ લાગતા સામાન્ય ફ્લિપફોનનો વપરાશ વધી રહ્યો છે. યુવાનો ગેધરિંગ દરમ્યાન નો-ફોન રૂલ પાળવાનો ટ્રેન્ડ બનાવી રહ્યા છે. મજાની વાત એ પણ છે કે યુવાનોની જરૂરિયાતને તેમની જ ઝડપે સમજી લઈને એક નવો ઉદ્યોગ વિકસી રહ્યો છે. આ ઇન્ડસ્ટ્રી લોકોને ફોનની લતમાંથી છોડાવવા માટે ‘સ્માર્ટફોન લૉક’ અને ‘ડિજિટલ ડીટૉક્સ’ ગૅજેટ્સ વેચી રહી છે. ડિજિટલ વર્લ્ડ તરફની ક્રાન્તિ પછીની પ્રતિક્રાન્તિનો પ્રયાસ એ બદલાયેલા સમયની સ્વાતંયની આધુનિક ચળવળ છે.
