Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યામી ગૌતમ શ્રેષ્ઠ અભિનેત્રી અને કાર્તિક આર્યન-મમૂટી બેસ્ટ ઍક્ટર

યામી ગૌતમ શ્રેષ્ઠ અભિનેત્રી અને કાર્તિક આર્યન-મમૂટી બેસ્ટ ઍક્ટર

Published : 23 September, 2026 02:29 PM | Modified : 23 September, 2026 02:32 PM | IST | Rajpipla
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ નવી દિલ્હી બહાર યોજાયો

આ‌દિત્ય ધરને ‘આ‌ર્ટિકલ 370’ માટે બેસ્ટ ફીચર ‌ફિલ્મનો અવૉર્ડ.

આ‌દિત્ય ધરને ‘આ‌ર્ટિકલ 370’ માટે બેસ્ટ ફીચર ‌ફિલ્મનો અવૉર્ડ.


ગુજરાતના એકતા નગર સ્થિત સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશભરના ૯૨ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા અનંત નાગ સહિત અનેક કલાકારોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ રહી કે ૭૦ વર્ષથી વધુના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ નવી દિલ્હી બહાર યોજાયો હતો. આ મામલે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દિલ્હીની બહાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજવાનો હેતુ દેશનાં પ્રવાસન સ્થળો સુધી પહોંચવાનો છે અને આ નિર્ણય અંગે વિવાદ ઊભો કરવો યોગ્ય નથી.
આ વર્ષે ‘આર્ટિકલ 370’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય અવૉર્ડ મળ્યો છે. શ્રેષ્ઠ અભિનેતાના સન્માન માટે કાર્તિક આર્યન (ચંદુ ચૅમ્પિયન) અને મમૂટી (બ્રહ્મયુગમ)ની સંયુક્ત પસંદગી કરવામાં આવી હતી, જ્યારે યામી ગૌતમને ‘આર્ટિકલ 370’માં તેના અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેત્રીનો અવૉર્ડ એનાયત થયો હતો. ડિરેક્શન ક્ષેત્રે રાજકુમાર પેરિયાસામીને ફિલ્મ ‘અમરન’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો અવૉર્ડ મળ્યો હતો જ્યારે ગુજરાતી સિનેમામાં ‘મારણ’ ફિલ્મે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ તમામ પુરસ્કારો ૨૦૨૪ની ફિલ્મોને ધ્યાનમાં રાખીને એનાયત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘શ્રીકાંત’ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર અને ‘આર્ટિકલ 370’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો અવૉર્ડ એનાયત કર્યો હતો. 

હું ખરેખર ખૂબ જ ખુશ છું : કાર્તિક આર્યન



.


કા‌ર્તિક આર્યનને ‘ચંદુ ચૅ‌મ્પિયન’ માટે બેસ્ટ અૅક્ટરનો જૉઇન્ટ અવૉર્ડ

‘ચંદુ ચૅમ્પિયન’ માટે મને મારો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. હું ખરેખર ખૂબ જ ખુશ છું. મારો સમગ્ર પરિવાર ખુશીથી ઝૂમી ઊઠ્યો છે અને અમારી આખી ટીમ પણ ખૂબ જ ઉત્સાહિત છે. ‘ચંદુ ચૅમ્પિયન’ સાથે અમે જે સફર શરૂ કરી હતી એ રીતે આ ફિલ્મે અનેક લોકોને પ્રેરણા આપી છે. હું મારા સમગ્ર પરિવાર સાથે છું અને આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. મને અત્યારે એક અનરિયલ ફીલિંગ થઈ રહી છે, જેને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.


મલયાલમ ‌ફિલ્મ ‘બ્રહ્મયુગમ’ માટે મમૂટીને બેસ્ટ અૅક્ટરનો જૉઇન્ટ અવૉર્ડ.

અનંત નાગને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપતાં રાષ્ટ્રપ‌તિ દ્રૌપદી મુર્મુ.

પતિ આદિત્ય ધર સાથે ટ્‍‌વિ‌નિંગ કર્યું યામી ગૌતમે

૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો અવૉર્ડ મેળવવા માટે એકતા નગર પહોંચેલી અભિનેત્રી યામી ગૌતમે પોતાના શાહી પરંપરાગત લુકથી સૌનું ધ્યાન ખેંચી લીધું હતું. ‘આર્ટિકલ 370’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીના અવૉર્ડથી સન્માનિત થયેલી યામી સાથે તેનો પતિ અને ફિલ્મમેકર આદિત્ય ધર પણ હાજર રહ્યો હતો. બન્નેએ બ્લૅક મૉનોક્રોમ થીમમાં ટ્વિનિંગ કરીને સમારોહમાં ભવ્ય એન્ટ્રી કરી હતી.
આ ખાસ પ્રસંગ માટે યામી ગૌતમે કાળા રંગની પરંપરાગત સાડી પસંદ કરી હતી. સાડીની કિનારી પર પહોળી ગોલ્ડન બૉર્ડર હતી, જે સાદગીભર્યા બ્લૅક ફૅબ્રિકને ખાસ સ્પર્શ આપતી હતી. તેણે આ સાડી સાથે ગોળ ગળાવાળું મૅચિંગ બ્લૅક બ્લાઉઝ પહેર્યું હતું, એ નેકલાઇન પર ગોલ્ડન ટ્રિમ સાડીની બૉર્ડર સાથે સુંદર તાલમેલ ઊભો કરતી હતી. યામીએ આ લુકને ગોલ્ડ ઝુમકા અને હાથમાં સ્ટેટમેન્ટ રિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો.
યામીના પતિ આદિત્યએ બ્લૅક બંધગ‍ળા સ્ટાઇલનો ફૉર્મલ સૂટ પહેર્યો હતો. હાઈ કૉલર અને આગળની તરફના મેટલિક બટન્સે આ લુકને ખાસ બનાવી 
દીધો હતો. આદિત્યએ સ્ટાઇલિંગને મિનિમલ રાખીને એક નાના મેટલિક બ્રોચ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

યામી ગૌતમને પહેલો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળતો જોઈને ઇમોશનલ થઈ ગયો આદિત્ય

યામી ગૌતમને ‘આ‌ર્ટિકલ 370’ માટે બેસ્ટ અૅક્ટ્રેસનો અવૉર્ડ.

યામી ગૌતમને ‘આર્ટિકલ 370’ માટે પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળતાં તેનો પતિ અને ફિલ્મમેકર આદિત્ય ધર ભાવુક થઈ ગયો હતો. એકતા નગરમાં યોજાયેલા ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે યામીને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 
યામી પુરસ્કાર લેવા માટે મંચ પર પહોંચી ત્યારે આદિત્ય ધરની આંખોમાં પત્ની માટેનો ગર્વ અને લાગણી સ્પષ્ટ જોવા મળી હતી. ‘આર્ટિકલ 370’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પણ પુરસ્કાર મળ્યો હોવાથી આદિત્ય અને યામી બન્ને માટે આ સમારોહ વધુ ખાસ બની ગયો હતો. આદિત્ય ધરે પત્ની યામીના પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કારને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને આ સન્માનને તેમના માટે અત્યંત ભાવનાત્મક અને યાદગાર ક્ષણ ગણાવી હતી.

 

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 02:32 PM IST | Rajpipla | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK