આમિર ખાન અને ગૌરી સ્પ્રૅટે પાંચમી જુલાઈએ પોતાના ઘરે પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં હતાં.
આમિર ખાન અને ગૌરી સ્પ્રૅટ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૅટે પાંચમી જુલાઈએ પોતાના ઘરે પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં હતાં. હવે લગ્ન બાદ આ દંપતી ઑસ્ટ્રેલિયામાં હનીમૂન કમ ફૅમિલી હૉલિડે પર જવાની તૈયારીમાં હોવાના રિપોર્ટ છે. આ સમયે તેઓ પ્રોફેશનલ કમિટમેન્ટ પૂરું કરવા માટે મેલબર્ન પણ જશે. આમિર અને ગૌરીના આ પ્રવાસમાં ગૌરીનો દીકરો ક્વિન અને આમિરની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવનો દીકરો આઝાદ રાવ ખાન તેમને કંપની આપશે. આ પ્રવાસ દરમ્યાન બન્ને પરિવારોનાં બાળકોને એકબીજાને નજીકથી ઓળખવાની તક મળશે, જ્યારે આમિર પણ પત્ની ગૌરી સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરશે. આ રજાઓ માણતાં પહેલાં આમિર અને ગૌરી મેલબર્નમાં યોજાનારા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં પણ હાજરી આપશે.
બજરંગ દળનો આરોપ : આમિર માત્ર હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરીને લવ જેહાદને પ્રોત્સાહન આપે છે
ADVERTISEMENT
આમિર ખાને પાંચમી જુલાઈએ ગૌરી સ્પ્રૅટ સાથે ત્રીજાં લગ્ન કર્યા બાદ હવે આ લગ્નને લઈને વિવાદ ઊભો થયો છે. બિહારના ફારબિસગંજ વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરોએ આમિરનાં લગ્ન સામે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમ્યાન કાર્યકરોએ તેના પૂતળાનું દહન કર્યું અને તેના પર ‘લવ જેહાદ’ને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકીને આમિર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઘટનાનો એક વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે.
આ પ્રદર્શનમાં બજરંગ દળના નેતા મનોજ સોનીએ આરોપ લગાવ્યો કે આમિર સતત હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરીને હિન્દુ સમાજનું અપમાન કરી રહ્યો છે. તેમણે કોર્ટ અને સરકારને પણ આમિર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તે દેશનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં મનોજ સોનીએ કહ્યું હતું કે ‘આમિર ખાન હિન્દુ યુવતી સાથે લગ્ન કરે છે, પરંતુ તેના બાળકોનાં નામ મુસ્લિમ પરંપરા મુજબ રાખે છે. જો તેને પ્રેમ કરવો હોય તો મુસ્લિમ સમાજની યુવતીઓ સાથે કેમ નથી કરતો? હિન્દુ યુવતીઓ પ્રત્યે જ તેનો ઝુકાવ કેમ છે?’
૧૦૦ કરોડ રૂપિયા વાપરીને આખા પરિવાર સાથે એક જ બિલ્ડિંગમાં રહેવાનો આમિર ખાનનો ગજબનો પ્લાન
આમિર ખાન પાંચમી જુલાઈએ ગૌરી સ્પ્રૅટ સાથે મૅરેજ કર્યા બાદ સતત ચર્ચામાં છે. આમિરે પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં પોતાના ભાડાના અપાર્ટમેન્ટમાં લગ્ન કર્યાં હતાં. જોકે રિપોર્ટ છે કે હવે આમિર અને ગૌરી ટૂંક સમયમાં નવા ફૅમિલી-હોમમાં શિફ્ટ થવાની તૈયારી કરી રહ્યાં છે. હાલમાં આમિર નરગિસ દત્ત રોડ પર આવેલા ‘વિલનોમોના’ નામના ભાડાના મકાનમાં રહે છે, પણ મળતી માહિતી પ્રમાણે તે અને ગૌરી પાલી હિલ વિસ્તારમાં આવેલા યુનિયન પાર્કના મરીના અપાર્ટમેન્ટ્સની જગ્યાએ તૈયાર થઈ રહેલા વૈભવી નિવાસસ્થાનમાં રહેવા જશે. આ પ્રોજેક્ટ ૨૦૩૦ની આસપાસ તૈયાર થવાની શક્યતા છે
આમિરના આ નવા ઘરની અંદાજિત કિંમત ૧૦૦ કરોડ જેટલી છે. અહીં આમિરની મમ્મી ઝીનત હુસૈન, દીકરાઓ જુનૈદ અને આઝાદ તેમ જ આમિરની બન્ને બહેનો પણ તેની સાથે રહેશે. આમિર પાસે મરીના અપાર્ટમેન્ટ્સમાં પહેલેથી જ અનેક ફ્લૅટ્સ છે અને હવે તે ત્યાં એક વિશાળ મલ્ટી-ફ્લોર ઘર તૈયાર કરાવી રહ્યો છે, જેને ‘સ્કાય વિલા’ તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે આમિર અને ગૌરી દીકરા ક્વિન સાથે બિલ્ડિંગની સૌથી ઉપરના ત્રણ માળ પર રહેશે. આ વૈભવી ઘરનો એક આખો માળ ખાનગી ગેટ-ટુગેધર, પારિવારિક ઉજવણીઓ અને નજીકના મિત્રો સાથે સમય પસાર કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી રહ્યો છે. આમિર પોતાના પરિવારના અન્ય સભ્યોને પણ આ જ બિલ્ડિંગમાં અલગ-અલગ ફ્લૅટ આપવાની યોજના બનાવી રહ્યો છે. અહીં આમિર અને રીના દત્તાના દીકરા જુનૈદ ખાનને એક આખો માળ ફાળવવામાં આવશે એવી ચર્ચા છે, જ્યારે આમિર અને કિરણ રાવના દીકરા આઝાદ માટે પણ ફ્લૅટ નક્કી કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આમિરની મમ્મી ઝીનત હુસૈન તેમજ બહેનો નિખત ખાન અને ફરહત દત્તા માટે પણ આ જ કૉમ્પ્લેક્સમાં રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવશે. એક ચર્ચા પ્રમાણે આ પ્રોજેક્ટમાં પોતાના વિશાળ પરિવાર માટે વધુ ફ્લૅટ ખરીદવા આમિરે ૧૦૦ કરોડ રૂપિયા જેટલું ઍડ્વાન્સ પેમેન્ટ પણ કર્યું છે. જોકે આ તમામ અહેવાલો અંગે આમિર અથવા તેની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
