ફક્ત ૬ મહિના પહેલાં નવી બનેલી આૅફિસની ફૉલ્સ સીલિંગ તૂટી પડી
જોગેશ્વરીમાં આવેલી BMCની ઑફિસમાં તૂટી પડેલી ફૉલ્સ સીલિંગ.
જોગેશ્વરીમાં BMCની ફક્ત ૬ મહિના પહેલાં જ નવી બનેલી K/નૉર્થ વૉર્ડની ઑફિસની ફૉલ્સ સીલિંગ શનિવારે સવારે તૂટી પડી હતી. અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રૂપાલી કદમની કૅબિનની બરાબર બહાર જ સીલિંગ તૂટી હતી. મળેલી માહિતી મુજબ વરસાદ પડવાનું શરૂ થયું ત્યારથી જ સીલિંગમાંથી પાણી ટપકવાનું શરૂ થઈ ગયું હતું જેનાથી વેઠ ઉતારી હોય અેવું કામકાજ છતું થયું હતું.
આ ઘટનામાં BMCના કોઈ પણ સ્ટાફને ઈજા પહોંચી નહોતી. જોકે સ્ટાફે નવા બાંધકામમાં વપરાયેલા મટીરિયલ્સ અને અેની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે. આ ઑફિસની અન્ય કૅબિનમાં પણ વરસાદ વખતે સીલિંગમાંથી પાણી ટપકતું હોવાની ફરિયાદ સ્ટાફે કરી છે. અેથી BMC આખા નવા બાંધકામનું ઇન્સ્પેક્શન કરાવે અને જરૂરી રિપેરિંગ કરાવે એવી માગણી અહીં કામ કરતા સ્ટાફે કરી છે. રિપેરિંગ કરાવતી વખતે સારી ગુણવત્તાના મટીરિયલ્સનો ઉપયોગ કરાય એવી વિનંતી સ્ટાફે કરી હોવાનું જાણવા મળ્યું હતું.
