ફિલ્મનું શૂટિંગ યુનાઇટેડ કિંગડમમાં આ વર્ષે ઑગસ્ટમાં શરૂ થશે અને ફિલ્મ આવતા વર્ષે જૂનમાં રિલીઝ થશે.
અભિષેક બચ્ચન , રિતેશ દેશમુખ
‘હાઉસફુલ’ની ફ્રૅન્ચાઇઝીના લોકો દીવાના છે. ‘હાઉસફુલ 5’માં આ વખતે અભિષેક બચ્ચનની પણ એન્ટ્રી થઈ છે. ફિલ્મમાં અક્ષયકુમાર અને રિતેશ દેશમુખ સાથે અન્ય કલાકારો પણ લોકોને હસાવતા જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ યુનાઇટેડ કિંગડમમાં આ વર્ષે ઑગસ્ટમાં શરૂ થશે અને ફિલ્મ આવતા વર્ષે જૂનમાં રિલીઝ થશે. ૨૦૦૮માં રિલીઝ થયેલી ‘દોસ્તાના’નો ડિરેક્ટર તરુણ મનસુખાણી ‘હાઉસફુલ 5’ ડિરેક્ટ કરશે. ફિલ્મનો પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા છે. ‘હાઉસફુલ 3’માં અગાઉ જોવા મળેલો અભિષેક બચ્ચન કહે છે, ‘આ ‘હાઉસફુલ’ મારી ફેવરિટ કૉમેડી ફ્રૅન્ચાઇઝી છે અને આ ફિલ્મમાં એન્ટ્રી થવી એ મારા માટે ઘરે પાછા ફરવા સમાન છે. સાજિદ નડિયાદવાલા સાથે કામ કરવાની હંમેશાં મજા પડે છે. મારા ફેલો ઍક્ટર્સ અક્ષયકુમાર અને રિતેશ દેશમુખ સાથે સેટ પર ધમાલ મચાવવા માટે આતુર છું. સાથે જ મારા ફ્રેન્ડ તરુણ મનસુખાણી સાથે ‘દોસ્તાના’ બાદ ફરીથી કામ કરવા માટે પણ એક્સાઇટેડ છું. ખૂબ મજા આવશે.’
બીજી તરફ અભિષેક બચ્ચનની એન્ટ્રીથી ખુશ સાજિદ નડિયાદવાલા કહે છે, ‘અભિષેકને ‘હાઉસફુલ’ની ફ્રૅન્ચાઇઝીમાં પાછો લાવવાની મને ખુશી છે. તેનું કામ પ્રત્યેનું સમર્પણ, તેનો કૉમિક ટાઇમિંગ અને પ્રામાણિકતા અમારી ફિલ્મને નિખારશે.’