હાલમાં મુમતાઝે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં ઓછી ફીને કારણે ‘સીતા ઔર ગીતા’માં કામ કરવાની ના પાડી હતી, પણ હેમાએ એમાં કામ કર્યું
મુમતાઝ
મુમતાઝની ગણતરી એક સમયે બૉલીવુડની ટોચની હિરોઇન તરીકે થતી હતી. તેણે પોતાની કરીઅરમાં રાજેશ ખન્ના અને ધર્મેન્દ્ર જેવા સ્ટાર્સ સાથે જોડી જમાવી હતી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં મુમતાઝે તેની ફી અને કરીઅરના કેટલાક નિર્ણયો વિશે વાત કરી હતી અને વાત-વાતમાં ચોંકાવનારો સવાલ કરતાં જણાવ્યું હતું કે હેમા માલિનીની કરીઅરમાં કેટલી ફિલ્મો હિટ થઈ? મેં હેમા માલિની કરતાં વધારે હિટ ફિલ્મો આપી છે.
હેમા માલિની સાથે સરખામણી એવી ચર્ચા છે કે એક તબક્કે ‘સીતા ઔર ગીતા’ની ઑફર પહેલાં મુમતાઝને કરવામાં આવી હતી, પણ તેણે વધારે ફી માગતાં આ રોલ હેમા માલિનીને ભાગે ગયો હતો. ઇન્ટરવ્યુમાં જ્યારે આ મામલે મુમતાઝને સવાલ કરવામાં આવ્યો ત્યારે જવાબ આપતાં તેણે કહ્યું હતું કે ‘મેં માત્ર ફીને કારણે ‘સીતા ઔર ગીતા’ને ના નહોતી પાડી. એ પણ એક મોટું કારણ હતું. રમેશ સિપ્પીસાહેબ એ સમયે મોટા પ્રોડ્યુસર અને ડિરેક્ટર હતા એટલે તેમને લાગ્યું કે હું બે લાખ રૂપિયામાં આ ફિલ્મ કરી લઈશ પણ હું એ માટે તૈયાર નહોતી. દરેક મોટા પ્રોડ્યુસરનો પોતાનો અહમ્ હોય છે પરંતુ સદ્નસીબે મને પહેલેથી જ ઘણી ફિલ્મો મળી રહી હતી એટલે મને લાગ્યું નહીં કે આ ફિલ્મ મારા માટે કંઈ ખાસ કરશે. આને કારણે અમારી વચ્ચે વાત ન બની. જોકે પછી હેમા માલિનીએ તો એ ફિલ્મ કરી જ હતી. જોકે મને આ વાતનો કોઈ અફસોસ નથી. હું પૂછું છું કે હેમા માલિનીની કરીઅરમાં કેટલી ફિલ્મો હિટ થઈ? તેમની ફિલ્મો વધુ છે કે મારી? યાદી બનાવો. મેં તેમના કરતાં વધુ હિટ ફિલ્મો આપી છે. મને એ ફિલ્મ કરવી ગમી હોત, પરંતુ હું મારી કિંમત ઓછી કરવા માગતી નહોતી.’


