ફિલ્મના કેટલાક વેન્ડર્સે એકતા કપૂરના પ્રોડક્શન-હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સ પર ૪૮ લાખની ચુકવણી ન કરી હોવાનો આરોપ લગાવ્યો
ભૂત બંગલા સપડાઈ ગઈ વિવાદમાં
અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ ફિલ્મ હાલમાં ચર્ચામાં છે. હાલમાં મેકર્સ ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ફિલ્મના કેટલાક વેન્ડર્સે એકતા કપૂરના પ્રોડક્શન-હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સ પર ૪૮ લાખ રૂપિયાની ચુકવણી ન કરી હોવાનો આરોપ લગાવ્યો છે.
આ વેન્ડર્સે પોતાની સમસ્યા જણાવતાં કહ્યું હતું કે ‘આ ચુકવણી ઘણા મહિનાથી અટવાયેલી છે. એક વાર ફિલ્મ રિલીઝ થઈ જાય પછી પૈસા મળવા મુશ્કેલ હોય છે. ૯૦ દિવસમાં ચુકવણી ક્લિયર થવી એ હવે જૂની વાત થઈ ગઈ છે.’
રિપોર્ટ અનુસાર બાલાજી ટેલિફિલ્મ્સે બે વેન્ડર્સનું પેમેન્ટ નથી કર્યું. પ્રોડક્શન-હાઉસે એક વેન્ડરને ૩૦ લાખ અને બીજા વેન્ડરને ૧૮ લાખ રૂપિયા આપવાના બાકી છે. કેટલાક મહિનાઓથી પોતાના ૧૮ લાખની રાહ જોઈ રહેલા એક વેન્ડરે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવી મોટા બજેટની ફિલ્મોમાં આવું થવું એ સ્થિતિ વધુ ખરાબ થવાનો સંકેત છે.
