Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘શિપ ઑફ થીસિયસ’ના આનંદ ગાંધી અને ઝૈન મેમન લાવ્યા ‘ટ્રાયલ્સ ઑફ માયા’ કાર્ડ ગેમ

‘શિપ ઑફ થીસિયસ’ના આનંદ ગાંધી અને ઝૈન મેમન લાવ્યા ‘ટ્રાયલ્સ ઑફ માયા’ કાર્ડ ગેમ

Published : 09 September, 2026 04:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મમેકર આનંદ ગાંધી અને ગેમ ડિઝાઇનર ઝૈન મેમને ‘માયા’ યુનિવર્સ આધારિત નવી અરીના કાર્ડ ગેમ ‘Trials of Maya’ Gamefound પર લૉન્ચ કરી.

સામાન્ય ટ્રેડિંગ કાર્ડ ગેમથી અલગ રીતે ‘ટ્રાયલ્સ ઑફ માયા’ના દરેક બૉક્સમાં અગાઉથી નક્કી કરેલાં કાર્ડની સંપૂર્ણ યાદી આપવામાં આવશે

સામાન્ય ટ્રેડિંગ કાર્ડ ગેમથી અલગ રીતે ‘ટ્રાયલ્સ ઑફ માયા’ના દરેક બૉક્સમાં અગાઉથી નક્કી કરેલાં કાર્ડની સંપૂર્ણ યાદી આપવામાં આવશે


‘શિપ ઑફ થીસિયસ’અને ‘તુમ્બાડ’ જેવી ફિલ્મો સાથે સંકળાયેલા ફિલ્મમેકર આનંદ ગાંધી તથા ‘શાસન’ અને ‘આઝાદી’ જેવી બોર્ડ ગેમના સર્જક ઝૈન મેમને ‘ટ્રાયલ્સ ઑફ માયા’ નામની નવી ટેબલટૉપ કાર્ડ ગેમ રજૂ કરી છે. પાંચ વર્ષમાં 200થી વધુ સહયોગીઓ સાથે વિકસાવવામાં આવેલા ‘માયા’નેરેટિવ યુનિવર્સ પર આધારિત આ પ્રથમ ટેબલટૉપ ગેમ છે. તેને 8 સપ્ટેમ્બરે ક્રાઉડફન્ડિંગ પ્લેટફૉર્મ  Gamefound પર લૉન્ચ કરવામાં આવી છે. ડેક-બિલ્ડિંગ, મલ્ટિપ્લેયર ઑનલાઇન બૅટલ અરીના (MOBA) અને ટૅક્ટિક્સ ગેમનાં વિવિધ તત્ત્વોને એકસાથે લાવતી ‘ટ્રાયલ્સ ઑફ માયા’ને વિસ્તારી શકાય એવી અરીના કાર્ડ ગેમ તરીકે તૈયાર કરવામાં આવી છે.



પુસ્તક બાદ હવે ‘માયા’યુનિવર્સની ગેમ


આ ગેમનું લૉન્ચિંગ ‘માયા’યુનિવર્સની પ્રથમ નવલકથા ‘માયા: સીડ ટેક્સ રૂટ’ના ગ્લોબલ રિટેલ રિલીઝના થોડા દિવસ બાદ થયું છે. પ્રેસ રિલીઝ અનુસાર 5,378 પ્રારંભિક વાચકોના સમર્થન સાથે નવલકથાએ ક્રાઉડફન્ડિંગમાં 547,896 ડૉલર મેળવ્યા હતા અને તે ક્રાઉડફન્ડિંગના ઇતિહાસમાં સૌથી વધુ ભંડોળ મેળવનારી ડેબ્યુ નવલકથા બની હતી. આ નવલકથાએ વાચકોને ‘નેહ’ નામની દુનિયા અને ‘માયા’ નામના વૃક્ષોના વિશાળ નેટવર્કનો પરિચય કરાવ્યો હતો. આ નેટવર્ક સાથે જોડાઈને લોકો રમી શકે છે, વાર્તાઓ અનુભવી શકે છે અને જીવિત તેમજ મૃત લોકોની સ્મૃતિઓ સાથે સંપર્ક સાધી શકે છે. ‘ટ્રાયલ્સ ઑફ માયા’માં ખેલાડીઓ આ જ કાલ્પનિક દુનિયાનાં મૂળમાં પ્રવેશીને દરેક વખતે એક નવી ટ્રાયલનો સામનો કરે છે.

કેવી રીતે રમાશે ‘ટ્રાયલ્સ ઑફ માયા’?


ગેમની શરૂઆતમાં ખેલાડી એક ચૅમ્પિયન પસંદ કરે છે. ત્યાર બાદ તે ચૅમ્પિયનની ખાસિયતોને અનુરૂપ 24થી 40 કાર્ડની પોતાની કસ્ટમ ડેક તૈયાર કરીને હેક્સ-ગ્રિડ અરીનામાં અન્ય ખેલાડીઓ સામે મુકાબલો કરે છે. બેઝ ગેમમાં જુદી-જુદી ક્ષમતાઓ ધરાવતા ચાર ચૅમ્પિયન આપવામાં આવ્યા છે. તેના મુખ્ય મોડમાં ‘Siege 2v2’નો સમાવેશ થાય છે, જેમાં બે ખેલાડીઓની ટીમ સામસામે લડે છે. આ ઉપરાંત બે ખેલાડી વચ્ચે સીધો મુકાબલો કરાવતો ‘1v1’ મોડ પણ છે. અન્ય ગેમ મોડમાં બેથી ચાર ખેલાડીઓ માટેની ફ્રી-ફૉર-ઑલ બાઉન્ટી હન્ટ ‘Headhunters’, સાથે મળીને રમવાની રોગલાઇક ગેમ ‘Depths of Kaav’ અને ગેમ ડિઝાઇનર ડેવિડ ટુર્ઝીએ તૈયાર કરેલો સોલો મોડ સામેલ છે. આ ગેમ સિસ્ટમના વિસ્તારી શકાય એવા સેટમાં કુલ નવ ચૅમ્પિયન, સાત પ્રજાતિ, આઠ વર્ગ અને 340થી વધુ અનોખા ઇલસ્ટ્રેટેડ કાર્ડનો સમાવેશ થાય છે. ગેમ માટે અમેરિકા, ચીન, ભારત, મેક્સિકો અને ન્યૂઝીલેન્ડના કલાકારોએ ચિત્રો તૈયાર કર્યાં છે. જ્યારે તેના મિનિએચર ‘વૉરહૅમર 40K’, ‘રાઇઝિંગ સન’ અને ‘કિંગડમ ડેથ: મૉન્સ્ટર’ સાથે સંકળાયેલા એડગર સ્કોમોરોવ્સ્કીએ બનાવ્યા છે.

અઢી વર્ષ સુધી ટેસ્ટિંગ ફેઝ ચાલ્યો

‘ટ્રાયલ્સ ઑફ માયા’ને તૈયાર કરવામાં અને જુદા-જુદા ખેલાડીઓ સાથે તેનું પરીક્ષણ કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગ્યો છે. આ દરમિયાન તેને Gen Con, Essen Spiel અને PAX Unplugged જેવા ગેમિંગ કન્વેન્શન ઉપરાંત અમેરિકાનાં ગેમ સ્ટોર અને કૅફેમાં પણ રજૂ કરવામાં આવી હતી. ગેમમાં ‘ગેમ ડિઝાઇન સૅન્ડબૉક્સ’ની સુવિધા પણ છે, જેની મદદથી ખેલાડીઓ આ જ સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાની નવી ગેમ અને અનુભવ તૈયાર કરી શકશે. ગેમ ડિઝાઇનર ઝૈન મેમને જણાવ્યું હતું કે, “આની પાછળ હું એક મોટો દાવ લગાવી રહ્યો છું. મને વિશ્વાસ છે કે ‘ટ્રાયલ્સ સિસ્ટમ’ પર આધારિત શ્રેષ્ઠ ગેમ કદાચ હું કે મારી ટીમ નહીં બનાવીએ. શક્ય છે કે દુનિયાના કોઈ એવા ખૂણેથી એ ગેમ આવે જેના તરફ અત્યારે આપણું ધ્યાન પણ નથી.”

 પાંચ વર્ષમાં રચાયેલી દુનિયાને વધુ નજીકથી અનુભવી શકાશે

આનંદ ગાંધીએ જણાવ્યું હતું કે, “‘ટ્રાયલ્સ ઑફ માયા’ દ્વારા ખેલાડીઓ નવલકથામાં પસંદ પડેલાં પાત્રોની ભૂમિકા ભજવી શકશે અને એવાં દંતકથાસમાન પાત્રોને પણ મળી શકશે, જેનો પરિચય તેમને હજી થયો નથી. દરેક ચૅમ્પિયન, કાર્ડ અને મિનિયન અમે પાંચ વર્ષમાં તૈયાર કરેલી આ દુનિયામાં પ્રવેશવાનો નવો માર્ગ આપે છે.” સામાન્ય ટ્રેડિંગ કાર્ડ ગેમથી અલગ રીતે ‘ટ્રાયલ્સ ઑફ માયા’ના દરેક બૉક્સમાં અગાઉથી નક્કી કરેલાં કાર્ડની સંપૂર્ણ યાદી આપવામાં આવશે. તેમાં બૂસ્ટર પૅક, રૅન્ડમ કાર્ડ કે માત્ર ચોક્કસ ગ્રાહકો માટે ઉપલબ્ધ વિશેષ ગેમપ્લે કન્ટેન્ટ નહીં હોય. પ્રારંભિક સમર્થકોને મળનારા વિશેષ રિવૉર્ડ પણ માત્ર ગેમના દેખાવ પૂરતા મર્યાદિત રહેશે અને ગેમ રમવામાં કોઈ વધારાનો લાભ નહીં આપે. આ રીતે બેઝ બૉક્સને પોતાનામાં સંપૂર્ણ અને સ્પર્ધાત્મક ગેમ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી લૉન્ચના વર્ષો બાદ જોડાનારો નવો ખેલાડી પણ સરળતાથી ગેમ રમી શકે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK