Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છૂટાછેડા લેવાનો નિર્ણય ઇમરાનનો હતો, મારો નહીં: અવંતિકા મલિક

છૂટાછેડા લેવાનો નિર્ણય ઇમરાનનો હતો, મારો નહીં: અવંતિકા મલિક

Published : 29 October, 2026 10:40 AM | Modified : 29 October, 2026 11:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની અવંતિકાએ સોહા અલી ખાનના પૉડકાસ્ટમાં પોતાના સંબંધ વિશે ખુલ્લા દિલે વાત કરી હતી અને કહ્યું હતું કે તેણે અને ઇમરાને એકબીજા સાથે અન્યાય કર્યો હતો.

ઇમરાન ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની અવંતિકા મલિક

ઇમરાન ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની અવંતિકા મલિક


ઇમરાન ખાન ક્રૉકૉચ જનતા પાર્ટીના વિરોધ-પ્રદર્શનમાં સામેલ થયો ત્યારથી ચર્ચામાં છે. હવે તેની ભૂતપૂર્વ પત્ની અવંતિકા મલિકે તેમના છૂટાછેડા વિશે અને એ પાછળના સંજોગો વિશે મૌન તોડ્યું છે. હવે અવંતિકાએ ખુલાસો કર્યો છે કે તે ક્યારેય આ સંબંધનો અંત લાવવા માગતી નહોતી. ઇમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની અવંતિકાએ સોહા અલી ખાનના પૉડકાસ્ટમાં પોતાના સંબંધ વિશે ખુલ્લા દિલે વાત કરી હતી અને કહ્યું હતું કે તેણે અને ઇમરાને એકબીજા સાથે અન્યાય કર્યો હતો.

અવંતિકાએ ભૂતપૂર્વ પતિ ઇમરાન સાથેના સંબંધો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘હું જ્યારે ઇમરાનને પહેલી વખત મળી ત્યારે મારી ઉંમર ૧૯ વર્ષની હતી. અમે ૨૦૧૧માં લગ્ન કર્યાં હતાં અને ત્યાર બાદ દીકરી ઇમારાનો જન્મ થયો હતો. અમારા સંબંધોમાં સૌથી પહેલાં અલગ થવાની વાત ઇમરાને કરી હતી. મેં તો ક્યારેય અલગ થવા વિશે વિચાર્યું પણ નહોતું. કદાચ અલગ ન થવાનો નિર્ણય મારા માટે નુકસાનકારક સાબિત થાત, પણ તેમ છતાં મેં ક્યારેય સંબંધનો અંત લાવવાનું વિચાર્યું નહોતું. આ નિર્ણય ઇમરાનનો હતો. જ્યારે અમે અલગ થવાનો નિર્ણય લીધો ત્યારે એ કોઈના મૃત્યુથી ઓછું નહોતું. એ એક સંબંધનો અંત હતો.’



પોતાના સંબંધોમાં આવેલી સમસ્યા વિશે વાત કરતાં અવંતિકાએ કહ્યું હતું કે ‘અમે ૧૮ વર્ષ સાથે રહ્યાં હતાં અને આટલા ગાળામાં વ્યક્તિ જીવનમાં આગળ વધે છે, જુદા-જુદા લોકોને મળે છે અને પરિપક્વ બને છે. હું ૧૯ વર્ષની વયે ઇમરાનને મળી હતી. આટલી નાની ઉંમરે તમને એ સમજાતું જ નથી કે તમારી ખુશી અને સંતોષની જવાબદારી તમારી પોતાની પણ છે. તમને એવું લાગે છે કે સામે જે વ્યક્તિ છે એ જ તમારી ખુશી અને સંતોષ માટે જવાબદાર છે. એ સમયે તમને સમજાતું નથી કે વર્ષો પછી તમારી અવાસ્તવિક અપેક્ષાઓને કારણે તમે સંબંધને નુકસાન પહોંચાડો છો. અમે વીસના દાયકાથી લઈને ત્રીસના દાયકાની શરૂઆત સુધી ઘણું જોયું અને સહન કર્યું. સ્વાભાવિક છે કે આ દરમ્યાન ક્યાંક ને ક્યાંક અમે એકબીજા સાથે કંઈક ખોટું કર્યું હશે. તેથી હું એવું ન કહી શકું કે કોઈ એક બહુ મોટી ઘટના બની હતી. મને લાગે છે કે વર્ષો દરમ્યાન નાની-નાની બાબતો બનતી રહે છે. હું અને ઇમરાન પોતાનું લગ્નજીવન બચાવવા માગતાં હતાં. અમે સંબંધને બચાવવા માટે બધું જ કર્યું હતું. જ્યારે સ્થિતિ એવી થઈ ગઈ કે શું અમે આ સંબંધને હજી આગળ લઈ જઈ શકીએ કે નહીં ત્યારે પણ અમારો વિચાર એવો જ હતો કે ચાલો, હજી વધુ પ્રયત્ન કરીએ. મને લાગે છે કે અમે ૧૮ વર્ષ સુધી આવું જ કર્યું. બાળપણથી લઈને ખ્યાતિ, નિષ્ફળતા, સફળતા અને ન જાણે કેટકેટલા અનુભવોમાંથી અમે પસાર થયાં છીએ. સાચું કહું તો, મને અમારા બન્ને પર ખૂબ ગર્વ છે. અમારો સંબંધ જે રીતે પૂરો થયો એનાથી હું થોડી નિરાશ જરૂર છું, પણ જો તમે ૧૮ વર્ષ સુધી તમારા તરફથી શ્રેષ્ઠ પ્રયાસ કરી શકો અને એક રીતે પરિવાર બનાવી શકો તો એ પણ એક સફળતા જ છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK