મેં પહેલાં ક્યારેય છઠ પૂજાની ઉજવણી કરી નહોતી, `યે પ્રેમ મોલ લિયા`માં પહેલી વાર આ ઉત્સવનો અનુભવ કરવો મારા માટે ખાસ રહ્યો : આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના સાથે શર્વરી વાઘ (છઠ પૂજા)
છઠ પૂજાના અવસરે સૂરજ બડજાત્યાની ફિલ્મ `યે પ્રેમ મોલ લિયા`ના ખાસ ગીત `બુલાયે છઠ્ઠી મા` દ્વારા આયુષ્માન ખુરાના આ પર્વની ભાવનાની ઉજવણી કરી છે. આ ફિલ્મમાં તેની સાથે શર્વરી પણ છે. આ ગીત છઠ પૂજા સાથે જોડાયેલી શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાઓને સુંદર રીતે રજૂ કરે છે. બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઊજવાતો આ તહેવાર દિલ્હી અને મુંબઈથી લઈને પશ્ચિમ બંગાળ, ઓડિશા તથા દેશના અન્ય ભાગોમાં વસતા સમુદાયો દ્વારા પણ ઊજવવામાં આવે છે. આયુષ્માન માટે આ ગીતનું ખાસ મહત્ત્વ છે, કારણ કે એના કારણે તેને પહેલી વાર છઠ પૂજાનો અનુભવ કરવાની તક મળી. પંજાબી પરિવારમાંથી આવતા અભિનેતાએ આ પહેલાં ક્યારેય આ તહેવારની ઉજવણી કરી નહોતી. ફિલ્મના શૂટિંગ દરમ્યાન આ પરંપરાઓનો હિસ્સો બનવાનો અનુભવ તેના માટે એકદમ નવો હોવાની સાથે ખૂબ જ ભાવનાત્મક પણ રહ્યો.
શૂટિંગના અનુભવને યાદ કરતાં આયુષ્માન ખુરાનાએ કહ્યું, `એક પંજાબી તરીકે મેં આ પહેલાં ક્યારેય છઠ પૂજાની ઉજવણી કરી નહોતી, તેથી પહેલી વાર આ તહેવારનો અનુભવ કરવો મારા માટે ખાસ રહ્યો. મને સૌથી વધુ સ્પર્શી ગયેલી બાબત હતી છઠ સાથે જોડાયેલી લાગણી અને એનું મહત્ત્વ, તેમ જ આ પર્વ કેટલી સુંદર રીતે લોકોને એકસાથે લાવે છે એ. દરેક વિધિનું પોતાનું એક મહત્ત્વ છે અને એની પાછળ અપાર શ્રદ્ધા તથા ભક્તિ જોડાયેલી છે. મારા માટે આ માત્ર એક ગીતનું શૂટિંગ નહોતું; મને એક એવી સુંદર પરંપરાનો હિસ્સો બનવાની તક મળી જે મારા માટે સંપૂર્ણપણે નવી હતી. છઠ પૂજાની ક્લાઇમૅક્સ સીક્વન્સનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં એક ખૂબ જ ખાસ ક્ષણ પણ આવી હતી. સૂરજજીએ આખી કાસ્ટને એકસાથે બોલાવી અને અમારી સમક્ષ છઠ પૂજાનું ગીત વગાડ્યું. એ ક્ષણ એટલી ભાવનાત્મક હતી કે દરેકની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. એ અનુભવ અમારી સાથે રહી ગયો અને એણે આ સીક્વન્સને વધુ અર્થસભર બનાવી દીધી. સૂરજજીએ છઠની સીક્વન્સને જે રીતે રજૂ કરી અને એની પરંપરાઓ તથા લાગણીઓને સૌથી વાસ્તવિક રીતે કેદ કરવા માટે જે મહત્ત્વ આપ્યું એનાથી આખી કાસ્ટ ભાવુક થઈ ગઈ હતી.`
ADVERTISEMENT
દેશભરમાં લાખો શ્રદ્ધાળુઓ દ્વારા, ખાસ કરીને બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. આ ગીત આ પર્વના મૂળમાં રહેલી શ્રદ્ધા, કૃતજ્ઞતા અને એકતાની ભાવનાને સુંદર રીતે રજૂ કરે છે. `યે પ્રેમ મોલ લિયા` સાથે આયુષ્માન સૂરજ બડજાત્યાની દુનિયામાં પ્રવેશી રહ્યો છે. સૂરજ બડજાત્યા એવા ફિલ્મમેકર છે જે પરિવાર, તહેવારો અને આપણને એકબીજા સાથે જોડતી પરંપરાઓની ઉજવણી માટે જાણીતા છે. સંગીત અને લાગણીઓના સુંદર સમન્વય દ્વારા આ ફિલ્મ ભારતના સાંસ્કૃતિક વારસાની ભાવનાને પડદા પર જીવંત કરે છે.
