બૉબી દેઓલે આલ્ફાના સેટ પર આલિયા ભટ્ટ સાથે અણબનાવ થયો હોવાના રિપોર્ટને બકવાસ ગણાવ્યો
બૉબી દેઓલ અને આલિયા ભટ્ટ હાલમાં યશ રાજ ફિલ્મ્સની ‘આલ્ફા’માં સાથે કામ કરી રહ્યાં છે
બૉબી દેઓલ અને આલિયા ભટ્ટ હાલમાં યશ રાજ ફિલ્મ્સની ‘આલ્ફા’માં સાથે કામ કરી રહ્યાં છે. થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે ફિલ્મમાં કામ કરતી વખતે બૉબી અને આલિયા વચ્ચે અણબનાવ થયો હતો અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિશે પૂછવામાં આવતાં બૉબીએ ઝઘડાની વાતોને ખોટી ગણાવી હતી અને સાથે જ આલિયાની પ્રશંસા પણ કરી હતી. આલિયા સાથેના ઝઘડાના રિપોર્ટની સ્પષ્ટતા કરતાં બૉબીએ કહ્યું હતું કે ‘મને પણ એક મિત્રએ આ અફવાનો સ્ક્રીનશૉટ મોકલ્યો હતો. હું પણ આશ્ચર્યમાં પડી ગયો હતો. નવરા લોકો કંઈ પણ લખી નાખે છે.’
બૉબીએ આલિયાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘આલિયા ખૂબ જ સારી અભિનેત્રી છે, ખૂબ જ પ્રોફેશનલ છે. તે ખૂબ મહેનત કરે છે. તેને ફાઇટ સીન કરવા હોય છે અને અનેક પડકારજનક દૃશ્યો પણ કરવાં પડે છે. તે દરેક બાબત માટે સંપૂર્ણ તૈયારી કરીને આવે છે. તેથી મને સમજાયું જ નહીં કે કોણે અને શું વિચારીને આ બકવાસ લખી છે. હવે હું દરેક વ્યક્તિ પાસે જઈને મારી વાત સાબિત કરી શકું નહીં, પણ આ વાત સાચી નથી.’
