કોર્ટે નોંધ્યું કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર કાર્તિક આર્યનના નામ અને તસવીરોનો ગેરકાયદે રીતે વ્યાવસાયિક ઉપયોગ થઈ રહ્યો છે
કાર્તિક આર્યન
કાર્તિક આર્યને પોતાના પર્સનાલિટી રાઇટ્સના ઉલ્લંઘન મામલે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો જેમાં હવે તેને મોટી રાહત મળતી જોવા મળી રહી છે. બૉમ્બે હાઈ કોર્ટે સંકેત આપ્યો છે કે તે ઍક્ટરના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન કરતી ઑનલાઇન સામગ્રીને દૂર કરવાનો આદેશ આપશે. કોર્ટે નોંધ્યું કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર કાર્તિક આર્યનના નામ અને તસવીરોનો ગેરકાયદે રીતે વ્યાવસાયિક ઉપયોગ થઈ રહ્યો છે અને આ મામલે યોગ્ય આદેશ આપવામાં આવશે.
કોર્ટમાં કાર્તિક આર્યનના વકીલે અનેક ઉદાહરણો રજૂ કર્યાં જેમાં બતાવવામાં આવ્યું કે કેટલીક ઑનલાઇન સામગ્રી માત્ર આપત્તિજનક જ નથી, એનો ઉપયોગ વ્યાપારિક લાભ માટે પણ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
વકીલે વધુમાં જણાવ્યું કે કાર્તિક આર્યન એક જાણીતો અભિનેતા છે અને તેના નામનો ટ્રેડમાર્ક પણ છે. આમ છતાં તેની તસવીરો અને ઓળખનો ઉપયોગ તેની મંજૂરી વિના કરવામાં આવી રહ્યો છે. આ મામલે કાર્તિક આર્યને અનેક ભારતીય તેમ જ આંતરરાષ્ટ્રીય ઈ-કૉમર્સ અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ સામે કેસ દાખલ કર્યો છે. કાર્તિક આર્યને કોર્ટ પાસે ડિમાન્ડ કરી છે કે તેની તસવીર, વિડિયો, અવાજ અથવા અન્ય કોઈ પણ ઓળખને વ્યાવસાયિક હેતુઓ માટે ઉપયોગ કરવાની મંજૂરી વગર અટકાવવામાં આવે.
