આ મુલાકાત પછી સની દેઓલે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે
શહીદ નિર્મલજિત સિંહ સેખોંના પરિવાર સાથે સની દેઓલ
૨૩ જાન્યુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ ‘બૉર્ડર 2’માં સની દેઓલ, દિલજિત દોસાંઝ, અહાન શેટ્ટી અને વરુણ ધવન જેવા સ્ટાર્સે કામ કર્યું છે. આ ફિલ્મ ૧૯૭૧ના ભારત–પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે અને એમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભારતની જલ, થલ અને વાયુસેનાએ બહાદુરીથી દુશ્મનોને પરાજય આપ્યો હતો. ફિલ્મમાં દિલજિત દોસાંઝે ૧૯૭૧ના યુદ્ધના માત્ર ૨૬ વર્ષના હીરો શહીદ નિર્મલજિત સિંહ સેખોંની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં સની દેઓલ નિર્મલજિત સિંહના પરિવારને મળ્યો હતો.
આ મુલાકાત પછી સની દેઓલે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં તે શહીદ નિર્મલજિત સિંહના પરિવારના સભ્યો સાથે જોવા મળે છે. પોસ્ટની કૅપ્શનમાં સનીએ લખ્યું છે, ‘આપણા હીરો પરમવીર ચક્ર વિજેતા ફ્લાઇંગ ઑફિસર નિર્મલજિત સિંહ સેખોંના પરિવારને મળવું મારા માટે આનંદની વાત હતી. ફિલ્મ ‘બૉર્ડર 2’માં તેમનો રોલ દિલજિત દોસાંઝ ભજવી રહ્યો છે, જેમાં તેમની બહાદુરીની સાચી વાર્તા તમે જોઈ શકશો. તેમના પરિવારને મળવાનો અનુભવ ખૂબ સારો અને યાદગાર રહ્યો. ફિલ્મ ‘બૉર્ડર 2’ એ તમામ સૈનિકો અને તેમના પરિવારને સલામ છે જેઓ શાંતિથી અને હિંમતથી પોતાના વારસાને આગળ વધારે છે.’


