ચાલો જાણીએ ફૅશનવર્લ્ડમાં ખૂબ જ મહત્ત્વની ગણાતી આ ઇવેન્ટ વિશે બધેબધું
મેટ ગાલા
દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે ન્યુ યૉર્કના ધ મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટમાં ફૅશનજગતના માંધાતાઓનું મિલન થાય છે. ૧૯૪૮માં શરૂ થયેલી આ ઇવેન્ટ છેલ્લાં ૩૦ વર્ષથી વોગ મૅગેઝિનનાં એડિટર-ઇન-ચીફ અન્ના વિન્ટૉરના નેતૃત્વમાં થાય છે. વિશ્વભરની સેલિબ્રિટીઝ આ ઇવેન્ટની રેડ કાર્પેટ પર ચાલવા ઉત્સુક હોય છે, પણ કોઈકને જ એનો લહાવો મળે છે. આવું કેમ? ચાલો જાણીએ ફૅશનવર્લ્ડમાં ખૂબ જ મહત્ત્વની ગણાતી આ ઇવેન્ટ વિશે બધેબધું
દર વર્ષે ફૅશનની દુનિયામાં એક રાત એવી હોય છે જ્યાં વિશ્વભરના બેસ્ટ ફૅશન હાઉસિસ, બેસ્ટ ગ્લૅમરસ અને સ્ટાઇલિશ સિતારાઓનો અદ્ભુત સંગમ થતો હોય છે. આ રાત એટલે મેટ ગાલા. દર વર્ષે ન્યુ યૉર્કમાં યોજાતી મેટ ગાલા ઇવેન્ટમાં કોણ જવાનું છે ત્યાંથી લઈને એ ઇવેન્ટમાં કોણે શું પહેર્યું હતું એની વાતો ખૂબ ચર્ચાતી હોય છે. માત્ર ભારતીય જ નહીં, વિશ્વભરની સેલિબ્રિટીઝ આ મેટ ગાલામાં જવાનું સન્માન મેળવવા તલપાપડ હોય છે. જોકે અહીં દર વર્ષે માત્ર ૫૦૦થી ૬૦૦ ચુનંદા મહાનુભાવોને જ મેટ ગાલાની રેડ કાર્પેટ (આ વર્ષે બ્લુ કાર્પેટ) પર ચાલવાનું સૌભાગ્ય મળે છે. ગયા અઠવાડિયે યોજાયેલી ઇવેન્ટમાં આ વખતે પહેલી વાર બ્લુ કાર્પેટ હતી. આ બ્લુ કાર્પેટ કેરલાના ફૅશન હાઉસ અને વીવિંગ આર્ટિસ્ટો દ્વારા બનાવવામાં આવેલી. પહેલી વાર શાહરુખ ખાન એ ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. ભારતનો કોઈ પુરુષ ઍક્ટર મેટ ગાલામાં જાય એવો આ પહેલો પ્રસંગ હતો. આ બધી વાતોની ચર્ચા તો તમે ગયા અઠવાડિયે સાંભળી જ હશે, પણ આજે વાત કરવી છે મેટ ગાલાનું આટલું મહત્ત્વ કેમ છે? કેમ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝ એમાં હાજર રહેવા લિટરલી ડેસ્પરેટ હોય છે? એમાં કોણ જઈ શકે છે અને કોણ નહીં?
ADVERTISEMENT
વૉગનાં એડિટર-ઇન-ચીફ અને મેટ ગાલાના ચૅરપર્સન અન્ના વિન્ટોર.
શું છે મેટ ગાલા?
ન્યુ યૉર્કમાં આવેલા મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટની કૉસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ માટે ફન્ડ રેઇઝ કરવાની એક ચૅરિટી ઇવેન્ટ છે મેટ ગાલા. દર વર્ષે ફૅશન એક્ઝિબિશનની શરૂઆતમાં આ ઇવેન્ટ યોજાય છે. પહેલી વાર ૧૯૪૮ના ડિસેમ્બર મહિનામાં આ ઇવેન્ટનું આયોજન થયેલું. જ્યારે ફૅશનજગતનો પાયો નખાઈ રહ્યો હતો ત્યારે કાઉન્સિલ ઑફ ફૅશન ડિઝાઇનર્સ ઑફ અમેરિકાના ફાઉન્ડર એલીનર લૅમ્બર્ટે કૉસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ માટે ભંડોળ એકત્ર કરવા માટે મેટ ગાલા ઇવેન્ટની શરૂઆત કરી હતી. પહેલેથી જ કંઈ આ ઇવેન્ટ ન્યુ યૉર્કના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટમાં જ થતી હતી એવું નથી. ૧૯૪૮થી ૧૯૭૧ની સાલ સુધી આ ઇવેન્ટ ન્યુ યૉર્ક શહેરના વિવિધ વિસ્તારોમાં જેમ કે સેન્ટ્રલ પાર્ક, ધ વૉલ્ડૉર્ફ ઍસ્ટોરિયા અને રેઇનબો રૂમ જેવાં સ્થળોએ થતી હતી.
મેટ ગાલાને હવે કેટલાક લોકો કૉસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ ગાલા પણ કહે છે. ૧૯૮૮ની સાલથી વૉગ મૅગેઝિનનાં એડિટર રહેલાં અન્ના વિન્ટૉર છેલ્લાં ૩૦ વર્ષથી એટલે કે ૧૯૯૫ની સાલથી મેટ ગાલાનું આયોજન અને અધ્યક્ષતા કરે છે. મેટ ગાલાની થીમ શું હશે ત્યાંથી લઈને એના નિયમો, કોને ઇન્વાઇટ કરવા એ બધું જ આજે પણ ૭૫ વર્ષનાં અન્ના વિન્ટૉરની મરજીથી જ થાય છે.
મેટ ગાલામાં આ વર્ષે બેસ્ટ કૉસ્ચ્યુમનો અવૉર્ડ ભારતીય સિંગર દિલજિત દોસાંઝને મળ્યો હતો.
કોણ ભાગ લઈ શકે?
આ ઇવેન્ટમાં હાજરી આપવી એ ફૅશનવર્લ્ડના લોકો માટે બહુ મોટા સન્માનની વાત છે. જોકે એમાં ભાગ લેવા માટે બાકાયદા ટિકિટ ખરીદવી પડે છે. ભલા ટિકિટ ખરીદીને અને પૈસા આપીને સન્માન ખરીદવાનું? જ્યારે કોઈ ખ્યાતનામ અવૉર્ડ ફંક્શન્સ હોય કે ઇવેન્ટ્સ, સેલિબ્રિટીઝ પૈસા આપીને અવૉર્ડ્સ ખરીદતી હોય કે પર્ફોર્મન્સના બદલામાં અવૉર્ડ્સનો જુગાડ કરતી હોય એવું આપણે ઘણું સાંભળ્યું છે. તો શું મેટ ગાલામાં પણ બધો પૈસાનો જ ખેલ છે? એનો જવાબ છે હા અને ના. ના એટલા માટે કે એમાં કોઈ પણ વ્યક્તિ ટિકિટ ખરીદીને ભાગ નથી લઈ શકતી. એમાં આવવાનું આમંત્રણ મળે તો જ તમે ટિકિટ ખરીદીને જઈ શકો. ફૅશનજગતની ઇવેન્ટ હોવાથી વિશ્વભરનાં મોટાં ફૅશન હાઉસિસ બાય ઇન્વાઇટ ટેબલ ખરીદી શકે છે. એક ટેબલમાં ફૅશન હાઉસ દ્વારા ૧૦ સેલિબ્રિટીઝને આમંત્રણ મળે.
૨૦૨૫ના મેટ ગાલામાં સૌથી વધુ ચૅરિટી ફન્ડ કલેક્ટ થયું હતું કેમ કે આ વખતે એક સિંગલ ટિકિટ ૭૫,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૬૩ લાખ રૂપિયાની હતી, જ્યારે એક ટેબલ ૩,૫૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૩ કરોડ રૂપિયાનું હતું.
તો ઍક્ટરો જાતે ટિકિટ ખરીદતા હશે?
જરૂરી નથી કે દરેક સેલિબ્રિટીઝે જાતે જ ટિકિટ ખરીદી હોય. મેટ ગાલામાં કાં તો તમારા વતી ફૅશન હાઉસ ટિકિટ ખરીદે અને તમને તેમનાં કૉસ્ચ્યુમ્સ પહેરીને હાજર રહેવા ઇન્વાઇટ કરવામાં આવે કાં પછી તમને વ્યક્તિગત ધોરણે મેટ ગાલાના ઑર્ગેનાઇઝરો દ્વારા આમંત્રિત કરવામાં આવે તો તમે જાતે ટિકિટ ખરીદીને એમાં હાજર રહી શકો. આ ઇવેન્ટમાં ઇન્વાઇટ કોને કરવાના અને થીમ શું રહેશે એ આગલા વર્ષે ઑક્ટોબર મહિનામાં નક્કી થઈ જાય છે.
ઇન ફૅક્ટ, અહીં સેલિબ્રિટીઝ જે કપડાં પહેરીને રેડ કાર્પેટ પર ચાલે છે એ કૉસ્ચ્યુમ્સનો ખર્ચ સેલિબ્રિટી પોતે નથી ઉપાડતી, જે-તે ફૅશનબ્રૅન્ડ તેમનો સમગ્ર લુક તૈયાર કરે છે. ઘણી વાર સેલેબ્સ માટે કસ્ટમમેડ કાઉચર તૈયાર કરવામાં આવે છે તો ઘણી વાર કોઈ વિન્ટેજ લુક માટેનો આઉટફિટ રેન્ટ પર પણ લેવામાં આવેલો હોઈ શકે છે.
જાતજાતના નિયમો પણ ખરા
તમને હશે કે ૫૦-૬૦ લાખ રૂપિયાની ટિકિટ ખર્ચીને તમે કોઈ ઇવેન્ટમાં જાઓ તો પછી તમે ત્યાં મુક્ત થઈને જેમ કરવું હોય એમ કરી શકો. તો એવું વિચારવું ભૂલ છે. મેટ ગાલાના બહુ જ કડક નિયમો પણ છે. પૈસા આપ્યા પછી પણ તમારે એ નિયમોનું અક્ષરશઃ પાલન કરવું જરૂરી છે. જો તમે એ રૂલ્સ ફૉલો ન કરો તો તમને કાયમી ધોરણે આ ઇવેન્ટમાં આવવા કે ઇન્વાઇટ કરવા પર પ્રતિબંધ લાગી શકે છે. તમે એમાં શું પહેરવાના છો એ કૉસ્ચ્યુમ્સને મેટ ગાલાનાં આયોજક અન્ના વિન્ટૉર પહેલેથી જોઈને મંજૂર કરે છે.
જ્યારે આ ઇવેન્ટની શરૂઆત થયેલી ત્યારે તો મોબાઇલ હજી આવ્યા નહોતા, પરંતુ હવે સ્માર્ટફોન સોશ્યલ મીડિયાના જમાનામાં પણ સેલિબ્રિટીઝને પોતાનો મોબાઇલ અંદર લઈ જવાની પરવાનગી નથી. નથી ત્યાં પોતાની રીતે સેલ્ફી પાડવાની કે વિડિયો લેવાની પરવાનગી. એટલે જ તમને ક્યારેય રેડ કાર્પેટથી આગળ અંદર હૉલમાં શું ઍક્ટિવિટી થાય છે એની કોઈ તસવીરી કે વિડિયો ઝલક જોવા નથી મળતી.
કોઈ ફૅશન હાઉસે ટેબલ લીધું હોય તો તે એ ટેબલ માટે કઈ ૧૦ સેલિબ્રિટીઝને ઇન્વાઇટ કરવાની છે એનાં નામોની મંજૂરી પણ વૉગનાં એડિટર-ઇન-ચીફ અન્ના વિન્ટૉર પાસે કરાવવી પડે છે. તેઓ કયાં કૉસ્ચ્યુમ્સ પહેરશે એ પણ પહેલેથી અપ્રૂવ કરાવવાં પડે છે.
ફૅશન ફ્લો-લેસ હોવી જોઈએ એવું દૃઢપણે માનતાં અન્નાબહેન ઇવેન્ટના મેનુને પણ કન્ટ્રોલ કરે છે. દરેક વ્યક્તિ સુગંધથી મઘમઘતી હોવી જરૂરી છે. કોઈના મોંમાંથી કાંદા-લસણની વાસ ન આવતી હોય કે દાંતમાં કશું ફસાયેલું ન હોય એની સુધ્ધાં તકેદારી રખાય છે. એ જ કારણોસર ઇવેન્ટના ડિનરમાં પણ કેટલીક ફૂડ-આઇટમ્સ બૅન કરેલી છે. કાંદા, લસણ, પાર્સલી, પાલક જેવી ચીજો ફૂડમાં નથી હોતી. ખાતી વખતે મૅસી થઈ જવાય એવી સ્પૅગેટી, બ્રુશેટા જેવી ડિશીઝ પણ અહીં સર્વ નથી થતી.
ચાહે તમે ગમે એટલી પાવરફુલ સેલિબ્રિટી હો, અહીં એન્ટર થયા પછી સ્મોક નથી કરી શકતા.
મેટ ગાલા દરમ્યાન કોણ કોની સાથે બેસશે એનું પણ બહુ સ્ટ્રૅટેજિકલી પ્લાનિંગ થતું હોય છે. પતિ-પત્નીને અહીં કદી સાથે બેસાડવામાં નથી આવતાં. સોશ્યલાઇઝેશન અને બૉન્ડ વધે એ માટે લોકોને અંદરોઅંદરના સંબંધો અને ડાયનૅમિક્સ મુજબ સીટિંગ અરેન્જમેન્ટ નક્કી થાય છે.
થીમ કઈ?
૨૦૨૫ની મેટ ગાલાની થીમ હતી ‘સુપરફાઇન : ટેલરિંગ બ્લૅક સ્ટાઇલ’. મૉનિઆ એલ. મિલરના પુસ્તક ‘સ્લેવ્સ ટુ ફૅશન’ પરથી આ થીમ નક્કી થઈ હતી. એમાં બ્લૅક સમુદાયની ફૅશન-પરંપરાઓ અને સાંસ્કૃતિક અસરોની અભિવ્યક્તિ હતી.

