દિલજિત દોસાંઝે શોમાં અમિતાભ બચ્ચનને પગે લાગ્યા પછી ઊભા થયેલા વિવાદ વિશે મૌન તોડ્યું
					
					
દિલજીત દોસાંજ
પંજાબી ગાયક અને અભિનેતા દિલજિત દોસાંઝ તાજેતરમાં ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ના સેટ પર અમિતાભ બચ્ચનને પગે લાગ્યો હતો જેને કારણે મોટો વિવાદ થયો હતો. તેની આ હરકતને પગલે પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન ‘સિખ્સ ફૉર જસ્ટિસ’એ તેની ઑસ્ટ્રેલિયામાં ૧ નવેમ્બરે યોજાનારી કૉન્સર્ટને રોકવાની ધમકી આપી હતી. એના પર હવે દિલજિતે મૌન તોડ્યું છે.
દિલજિતે આ વિવાદ વિશે તેના સોશ્યલ મીડિયા પર એક સ્ટોરી શૅર કરી છે જેમાં લખ્યું છે કે ‘હું ‘કૌન બનેગા કરોડપતિ’માં કોઈ ફિલ્મ કે ગીતના પ્રમોશન માટે નહોતો ગયો. હું પંજાબમાં આવેલા પૂરના મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા અને લોકોને મદદની અપીલ કરવા ગયો હતો.’
ADVERTISEMENT
આ મામલે દિલજિતનો આ જવાબ સાંભળીને ફૅન્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
આ વિવાદમાં ‘સિખ્સ ફૉર જસ્ટિસ’ સંગઠને દાવો કર્યો કે અમિતાભ બચ્ચને ૧૯૮૪નાં સિખ વિરોધી રમખાણ દરમ્યાન હિંસા ભડકાવવામાં મદદ કરી હતી એથી દિલજિત તેમને પગે લાગતાં સિખ નરસંહારના દરેક પીડિત, દરેક વિધવા અને દરેક અનાથનું અપમાન થયું છે.
		        	
		         
        

