કાર્તિક આર્યન બનશે કૅપ્ટન ઇન્ડિયા, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લીધી મુંબઈની ઊડતી મુલાકાત અને વધુ સમાચાર
આલિયા ભટ્ટ
આ વર્ષે યોજાનારા બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) અવૉર્ડ્સમાં આલિયા ભટ્ટની પ્રેઝન્ટર તરીકે પસંદ કરવામાં આવી છે. બ્રિટિશ ઍકૅડેમીએ મંગળવારે એ તમામ સ્ટાર્સની યાદી જાહેર કરી હતી જે આ વખતે વિજેતાઓને સન્માનિત કરશે. આલિયા ભટ્ટ પહેલાં પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ પણ BAFTAમાં પ્રેઝન્ટર તરીકે જોવા મળ્યાં હતાં. BAFTA અવૉર્ડ્સની આ વર્ષની પ્રેઝન્ટર લાઇનઅપ ખૂબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવી રહી છે, જેમાં વિવિધ દેશો અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનાં જાણીતાં નામો જોડાયાં છે. BAFTA અવૉર્ડ્સ ૨૦૨૬નું ફંક્શન બાવીસમી ફેબ્રુઆરીએ લંડન ખાતે આવેલા રૉયલ ફૅસ્ટિવલ હોલમાં યોજાશે અને વિશ્વભરના દર્શકો વિવિધ પ્લૅટફૉર્મ્સ પર એને જોઈ શકશે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અલીબાગ જતાં પહેલાં લીધી મુંબઈની ઊડતી મુલાકાત
ADVERTISEMENT

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મંગળવારે વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં જમીન પર બેસીને સત્સંગ સાંભળતાં જોવા મળ્યાં હતાં. એ પછી ગઈ કાલે મુંબઈમાં ગેટવે ઑફ ઇન્ડિયા પાસે તેમને સ્પૉટ કરવામાં આવ્યાં હતાં. હકીકતમાં વિરાટ અને અનુષ્કા ગઈ કાલે તેમના અલીબાગ ખાતે આવેલા ફાર્મહાઉસ તરફ રવાના થયાં હતાં અને અહીં પહોંચવા માટે તેમણે ગેટવે ઑફ ઇન્ડિયા પાસેથી બોટરાઇડ લેવાનું પસંદ કર્યું હતું.
મમ્મી-દીકરીની ધમાલ બીચ-ટ્રિપ

રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ હાલમાં મમ્મી સાથેની તેની બીચ-ટ્રિપની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીરોમાં રવીના અને રાશા બન્ને કુદરતી સૌંદર્ય વચ્ચે શાંતિભરી પળો માણતાં અને મસ્તી કરતાં જોવા મળે છે. જોકે આ તસવીર કઈ જગ્યાની છે એ વિશે કંઈ પણ સ્પષ્ટતા કરવાનું રાશાએ ટાળ્યું છે.
કાર્તિક આર્યન બનશે કૅપ્ટન ઇન્ડિયા
કાર્તિક આર્યન હાલમાં ‘નાગઝિલા’માં કામ કરી રહ્યો છે અને રિપોર્ટ છે કે તેને શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’નું ડિરેક્શન કરનાર શિમિત અમીનના આગામી પ્રોજેક્ટ ‘કૅપ્ટન ઇન્ડિયા’ માટે સાઇન કરવામાં આવ્યો છે. આ ફિલ્મથી ડિરેક્ટર શિમિત અમીન લગભગ ૧૭ વર્ષ બાદ ફરી દિગ્દર્શનક્ષેત્રે સક્રિય બની રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મના લોકેશન માટેની રેકી પૂરી થઈ ગઈ છે અને વર્ષના બીજા ક્વૉર્ટરમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. ‘કૅપ્ટન ઇન્ડિયા’નું શૂટિંગ ભારત તેમ જ મૉરોક્કોમાં થશે એવી ચર્ચા છે. આ ફિલ્મને હર્મન બાવેજાએ લખી અને પ્રોડ્યુસ કરી છે, જ્યારે ટી-સિરીઝ હવે સહપ્રોડ્યુસર તરીકે જોડાઈ છે.
