આ ટીઝર ભારતના સૌથી જાણીતા સરકારી વકીલોમાંના એક ઉજ્જ્વલ નિકમના જીવનની ઝલક દર્શાવે છે
ગઈ કાલે ‘પ્રહાર - ધ ઉજ્જ્વલ નિકમ સ્ટોરી’ ફિલ્મનું ટીઝર જાહેર થયું
ગઈ કાલે ‘પ્રહાર - ધ ઉજ્જ્વલ નિકમ સ્ટોરી’ ફિલ્મનું ટીઝર જાહેર થયું છે. આ ટીઝર ભારતના સૌથી જાણીતા સરકારી વકીલોમાંના એક ઉજ્જ્વલ નિકમના જીવનની ઝલક દર્શાવે છે. ફિલ્મમાં રાજકુમાર રાવ લીડ રોલમાં જોવા મળે છે. આ ટીઝર સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર એની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને ફૅન્સ તેના લુક તથા અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મ ૭ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થશે.
‘પ્રહાર - ધ ઉજ્જ્વલ નિકમ સ્ટોરી’ ઉજ્જ્વલ નિકમના જીવન અને કારકિર્દી પરથી પ્રેરિત છે. ટીઝર પરથી એવું જણાય છે કે ફિલ્મનો મુખ્ય ભાગ ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા બાદ થયેલા ઐતિહાસિક કેસ અને આતંકવાદી અજમલ કસબ સામેની કાનૂની લડત પર કેન્દ્રિત છે. રાજકુમાર રાવે આ ભૂમિકા માટે નોંધપાત્ર પરિવર્તન કર્યું હોવાનું ટીઝરમાં જોવા મળે છે. રાજકુમાર રાવના દેખાવ, બૉડી-લૅન્ગ્વેજ અને મરાઠી ભાષા પરની પકડ પરથી સ્પષ્ટ થાય છે કે તેણે ઉજ્જ્વલ નિકમના પાત્રને વાસ્તવિકતા સાથે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
પઠાનોં સે કહના, ચૌહાન આ રહા હૈ
અજય દેવગનની આગામી ફિલ્મના આ ડાયલૉગમાં શાહરુખ ખાનને ટોણો મારવામાં આવ્યો હોવાની ચર્ચા
અજય દેવગનની આગામી ઍક્શન ફિલ્મ ‘ચૌહાન’નું ટીઝર ગઈ કાલે લૉન્ચ થયું હતું. અજયના ફૅન્સ તેને ફરીથી ઍક્શન રોલમાં જોવા માટે તલપાપડ છે ત્યારે આ ટીઝરનો એક ખાસ ડાયલૉગ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. આ વિડિયોમાં અજય દેવગન એકદમ નવા અને આક્રમક અંદાજમાં જોવા મળે છે પણ સૌથી વધુ ચર્ચા અંતે બોલાયેલા એક ડાયલૉગ ‘પઠાનોં સે કહના, ચૌહાન આ રહા’ની થઈ રહી છે. ટીઝર રિલીઝ થયા બાદ ઘણા લોકોએ સોશ્યલ મીડિયા પર અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે આ ડાયલૉગ શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’ને મારવામાં આવેલો ટોણો તો નથીને?
જૉન એબ્રાહમે AIથી બનાવેલો પ્રોજેક્ટનો વિડિયો ફૅન્સને ખાસ પસંદ નથી પડ્યો

જૉન એબ્રાહમ પોતાના નવા પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. જોકે તેણે હજુ સુધી આ પ્રોજેક્ટનું નામ જાહેર કર્યું નથી, પણ તેની સાથે જોડાયેલો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. જૉને સોશ્યલ મીડિયામાં શૅર કરેલા વિડિયોમાં તે મધ્યકાલીન યુગના એક નાવિકના પાત્રમાં તોફાની સમુદ્રી મોજાં વચ્ચે જોખમી સફર કરતો નજરે પડે છે. આ વિડિયો શૅર કરતાં જૉને કૅપ્શન લખી કે ‘નવું પાણી. નવી હવાઓ. નવી ક્ષિતિજ. અજાણી સફરની શરૂઆત. અમારી સાથે જોડાયેલા રહો.’ જૉનની આ રહસ્યમય પોસ્ટ બાદ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે પણ ઘણા ફૅન્સને AI આધારિત વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન ખાસ પસંદ આવ્યું નથી. જૉનના આ વિડિયોને મિક્સ રિવ્યુ મળ્યા છે. કેટલાક ચાહકો નવા પ્રયોગથી ઉત્સાહિત છે, જ્યારે ઘણા લોકો AIના વધુ પડતા ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
આવતા વર્ષે આવશે ફર્ઝીની બીજી સીઝન
પ્રાઇમ વિડિયો પર આવેલી શાહિદ કપૂરની સુપરહિટ વેબ-સિરીઝ ‘ફર્ઝી’ની બીજી સીઝન બની રહી છે ત્યારે હવે શાહિદે એના વિશે મહત્ત્વની જાણકારી શૅર કરીને જણાવ્યું છે કે ‘ફર્ઝી’ની બીજી સીઝનનું કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ સિરીઝ આગામી વર્ષે રિલીઝ થઈ શકે છે. આ વર્ષે માર્ચ મહિનામાં એનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને આ સિરીઝનું ૬૦ ટકા જેટલું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને સપ્ટેમ્બર સુધીમાં શૂટિંગ સંપૂર્ણ રીતે સમાપ્ત થવાની ધારણા છે. નિર્માતાઓ સપ્ટેમ્બર સુધીમાં શૂટિંગ પૂરું કર્યા બાદ લાંબી પોસ્ટ-પ્રોડક્શન અને ડબિંગ-પ્રક્રિયા હાથ ધરશે. આ બીજી સીઝનમાં શાહીદ કપૂર, વિજય સેતુપતિ, કે. કે. મેનન અને રાશિ ખન્ના પોતાની મુખ્ય ભૂમિકાઓમાં પરત ફરશે. આ સિરીઝની પ્રથમ સીઝન એક મોટા સસ્પેન્સ સાથે પૂરી થઈ હતી. આ બીજી સીઝનમાં નકલી નોટોનું આ નેટવર્ક વધુ મોટું અને ખતરનાક બનશે જેમાં શાહિદ અને વિજય સેતુપતિ વચ્ચેની ટક્કર વધુ રોમાંચક જોવા મળશે
મારી બહેન, મારી મમ્મી, મારી મિત્ર અને મારી માર્ગદર્શકને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ

ગઈ કાલે કરિશ્મા કપૂરની બાવનમી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસર પર તેની નાની બહેન કરીના કપૂરે સોશ્યલ મીડિયા પર ખૂબ જ પ્રેમભર્યો અને ઇમોશનલ સંદેશ લખીને તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કરીનાએ સોશ્યલ મીડિયા પર કરિશ્માની અનેક જૂની અને અનસીન તસવીરો તેમ જ કેટલાક વિડિયો શૅર કર્યાં હતાં. તેમાં બન્ને બહેનોના બાળપણની યાદોથી લઈને દિવાળીની ઉજવણી અને અવૉર્ડ શો સુધીની અનેક ખાસ ક્ષણો સામેલ હતી. આ વિડિયો સાથે કરીનાએ કરિશ્માને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં લખ્યું હતું કે ‘મારી બહેન, મારી મમ્મી, મારી મિત્ર અને મારી માર્ગદર્શકને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. તું દુનિયાની તમામ ખુશીઓની હકદાર છે.’
