તેનું કહેવું છે કે ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’ ડાર્ક ફિલ્મ હોવાથી સલમાન ખાન માટે એ થોડી અઘરી હતી

આયુષ શર્મા
આયુષ શર્માનું કહેવું છે કે ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’માં કામ કરવું સલમાન ખાન માટે ખૂબ અઘરું હતું. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મ માટે આયુષે ખાસ્સી રાહ જોઈ હતી. એ વિશે આયુષે કહ્યું હતું કે ‘‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’ ૩ વર્ષ લાંબી જર્ની હતી. અમે દિવસ-રાત એની રાહ જોતા હતા અને આખરે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. જોકે હવે મારા દિમાગમાંથી પણ એ બહાર નીકળે એની રાહ જોઈ રહ્યો છું. લોકોને ટ્રેલર ખૂબ ગમ્યું હતું. ફિલ્મમાં ઘણુંબધું જોવા જેવું પણ છે. એથી દરેક જણ મારી પહેલી ઍક્શન ફિલ્મ જુએ એવી મારી ઇચ્છા છે.’
આ ફિલ્મ માટે તેણે પોતાની બૉડી પર ખૂબ મહેનત કરી હતી. આયુષ પોતાને કોઈ ચોક્કસ પ્રકારની ફિલ્મમાં બાંધી નથી રાખવા માગતો. એ વિશે આયુષે કહ્યું હતું કે ‘હું દરેક પ્રકારની ફિલ્મોને એન્જૉય કરું છું. ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’માં ઍક્શનને પણ ખૂબ માણી હતી. મને ઍક્શન પસંદ છે, પરંતુ હું કોઈ ખાસ પ્રકારની ફિલ્મોમાં પોતાની જાતને સીમિત નથી રાખવા માગતો. ઍક્શનનું શૂટિંગ કરતી વખતે મને ખૂબ મજા આવતી હતી. ઍક્શન કરવા જેટલો આનંદ ક્યાંય નથી આવતો. હું ઍક્શન સાથે તો જોડાઈ રહેવા માગું છું પરંતુ સાથે જ હું એક્સપરિમેન્ટ પણ કરવા માગું છું. હું કૉમેડી ફિલ્મ જેવી કે રોમૅન્ટિક-કૉમેડી કરવા માગું છું. જોકે મારો હેતુ એ જ રહેશે કે સ્ક્રિપ્ટ અને સ્ટોરી સારી હોવી જોઈએ. ખૂબ મુશ્કેલીથી બૉડી બનાવી છે. એથી હું એનો પૂરો લાભ લેવા માગું છું.’
આ ફિલ્મ દ્વારા મહિમા મકવાણાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. આયુષનું કહેવું છે કે આ એક ડાર્ક ઝોનની ફિલ્મ છે. એ વિશે આયુષે કહ્યું હતું કે ‘સલમાનભાઈ માટે તો આ ફિલ્મ કરવી મારા કરતાં
પણ અઘરી હતી. તેમણે કદી પણ આવી ડાર્ક ઝોનની ફિલ્મ નથી કરી. તેમણે જે પણ ફિલ્મો કરી છે એને લોકોએ ખૂબ પસંદ કરી છે. આ રિયલિસ્ટિક ફિલ્મ છે. મહેશ સરની ઇચ્છા હતી કે જો ફિલ્મમાં તમાચો મારવાનો સીન હોય તો એ પણ રિયલ દેખાવો જોઈએ. તેઓ એક વાતની હંમેશાં સ્પષ્ટતા રાખતા કે તેમના ડિરેક્શનમાં બનતી ફિલ્મમાં કોઈ પણ હવામાં નહીં ઊડે, અમે જે પણ કરીશું એ વાસ્તવિક અને ધમાકેદાર કરીશું. તેમને લાર્જર-ધૅન-લાઇફ સીક્વન્સિસ નથી જોઈતી.’