Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા મામા મારા પપ્પાના જે થાય એ રિલેશનશિપ માટે વપરાતો શબ્દ પણ મારે મન ગાળ જ છે

મારા મામા મારા પપ્પાના જે થાય એ રિલેશનશિપ માટે વપરાતો શબ્દ પણ મારે મન ગાળ જ છે

Published : 28 November, 2026 10:18 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ફિલ્મ હનુમાન અંશમાં નીમ કરોલી બાબાનું ઐતિહાસિક પાત્ર ભજવનાર શોભિનવ સત્ય રિયલ લાઇફમાં તો કોઈ અપશબ્દ નથી જ બોલતો, સ્ક્રીન પર પણ ન બોલવાનો નિર્ધાર કર્યો છે તેણે, શોભિનવ સત્યએ એ પણ નક્કી કર્યું છે કે તે પાંચ વર્ષનું બાળક પણ જોઈ શકે એવી ફિલ્મોમાં કામ કરશે

શોભિનવ સત્ય

શોભિનવ સત્ય


ફિલ્મ હનુમાન અંશમાં નીમ કરોલી બાબાનું ઐતિહાસિક પાત્ર ભજવનાર શોભિનવ સત્ય રિયલ લાઇફમાં તો કોઈ અપશબ્દ નથી જ બોલતો, સ્ક્રીન પર પણ ન બોલવાનો નિર્ધાર કર્યો છે તેણે, શોભિનવ સત્યએ એ પણ નક્કી કર્યું છે કે તે પાંચ વર્ષનું બાળક પણ જોઈ શકે એવી જ ફિલ્મોમાં કામ કરશે

‘સાવ સાચું કહું છું. હું તો ઠીક, મારી તો ફૅમિલીમાં પણ દૂર-દૂર સુધી કોઈને ઍક્ટિંગ કરવાનો કે ડિરેક્ટર બનવાનો વિચાર નહોતો આવ્યો. જોકે એ એક ઘટના એવી ઘટી કે મારી આખી લાઇફનો ગોલ જ ચેન્જ થઈ ગયો.’
માત્ર દોઢ-બે કરોડમાં બનેલી અને પછી બૉક્સ-ઑફિસ પર સાડાચારસો કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરનારી ફિલ્મ ‘હનુમાન અંશ’માં નીમ કરોલી બાબાનું કૅરૅક્ટર કરનાર ૩૧ વર્ષનો શોભિનવ સત્ય વાત કરતી વખતે ક્યાંય શબ્દ ચોરતો નથી. તેના ચહેરા પર હજી પણ નીમ કરોલી બાબાના ચહેરા પર જોવા મળતું એવું નિર્દોષ સ્માઇલ તરવરે છે. આ એક ફિલ્મે શોભિનવની આખી લાઇફ ચેન્જ કરી નાખી છે. ઉત્તર પ્રદેશના સીતાપુર પાસે આવેલા ખૈરાબાદ નામના એક નાના ગામમાં રહેતા અને ડિરેક્ટર અને રાઇટર બનવા માટે મુંબઈ આવેલા શોભિનવે ‘રાગિણી MMS રિટર્ન્સ’ જેવી ફિલ્મમાં સેકન્ડ યુનિટ ડિરેક્ટર તરીકે કૅમેરા પાછળ કામ કર્યું તો એ પછી ‘CID’ અને ‘મહાપુર’ જેવી ટીવી-સિરિયલોમાં ડિરેક્શન કર્યું. બારેક વર્ષથી મુંબઈ સેટલ થયેલા શોભિનવે પુણેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં વિધિવત્ ફિલ્મમેકિંગનો કોર્સ કર્યો હતો. જોકે આ સવા દસકામાં તે કંઈ ઉકાળી નહોતો શક્યો. જોકે એને લીધે શોભિનવ જરા પણ નાસીપાસ નહોતો થયો. શોભિનવ કહે છે, ‘હું કંઈ આ પ્રોજેક્ટથી જ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતો થયો એવું બિલકુલ નથી. ૪ વર્ષની ઉંમરે મને હનુમાનચાલીસા કંઠસ્થ હતી. પછી બીજા શ્ળોકો પણ શીખ્યો અને સંસ્કૃતિએ તો મને ખૂબ આપ્યું.’
હા, શોભિનવનું નાનપણ સંસ્કૃત વચ્ચે જ પસાર થયું. તેનાં મમ્મી લક્ષ્મી શ્રીવાસ્તવ સંસ્કૃતનાં લેક્ચરર અને સંસ્કૃતમાં શિક્ષા-વિશારદ પણ ખરાં તો પપ્પા સત્યેન્દ્રકુમાર શ્રીવાસ્તવ પણ એજ્યુકેશન ફીલ્ડ સાથે અને સંસ્કૃતના જ્ઞાતા. શોભિનવ કહે છે, ‘મારાં દાદા, નાના-નાની સહિત બધાં શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલાં. મારું પણ ભવિષ્ય એ લોકોએ જ જોયું હતું, પણ જો સરસ્વતી શિશુ મંદિરમાં એ ઘટના ન ઘટી હોત.’
શું બન્યું સ્કૂલમાં?
એ સમયે શોભિનવની ઉંમર હાર્ડલી છ-સાત વર્ષની હશે. સ્કૂલમાં ઍન્યુઅલ ફંક્શન હતું અને એ વસંત પંચમીનો દિવસ હતો. શોભિનવ એ દિવસ યાદ કરતાં કહે છે, ‘એક ડાન્સમાં મારે કૃષ્ણ બનીને ઊભા રહેવાનું હતું. હાથમાં વાંસળી અને ફેસ પર સ્માઇલ. મારું બસ આટલું જ કામ અને મારી આજુબાજુમાં ગોપીઓ રાસ કરે. એ રાસ પૂરો થયા પછી મને તેડીને હેડમાસ્તર સ્ટેજ પર આવ્યા, પણ તે કંઈ બોલે એ પહેલાં કોઈએ આવીને મારી નજર ઉતારી અને હાથમાં પાંચ રૂપિયા મૂક્યા. બસ, એ પાંચ રૂપિયાએ મારી લાઇફનો ગોલ ચેન્જ કરી નાખ્યો અને એ પણ છ-સાત વર્ષની ઉંમરે.’ 
બન્યું એવું કે શોભિનવને મળેલા એ પાંચ રૂપિયા પેરન્ટ્સે તેને જ વાપરવા દીધા અને એ પાંચ રૂપિયામાં શોભિનવ રોજેરોજ પૉપિન્સ લઈને ખાતો. એ દિવસો યાદ કરતાં શોભિનવનો ચહેરો અત્યારે પણ લાડવા જેવો થઈ જાય છે. શોભિનવ કહે છે, ‘હું પણ ખાતો અને મારી નાની બહેનને પણ ખવડાવતો. કેટલાય દિવસ એ પાંચ રૂપિયા ચાલ્યા અને જેટલા દિવસ એ પાંચ રૂપિયા ચાલ્યા એટલા વખતમાં મારા મનમાં સ્ટોર થઈ ગયું કે આ કામ આપણે કરવું અને બસ, પછી સ્કૂલની કરિક્યુલર ઍક્ટિવિટીમાં હું ઍક્ટિવ થયો અને ત્યાંથી જ ઍક્ટિંગનું મારું 
સપનું મોટું થવા માંડ્યું.’
અલબત્ત, એ બધા વચ્ચે પણ ભણવાનું, સંસ્કૃત ગ્રહણ કરવાનું અને સંસ્કૃત થકી શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું છૂટ્યું નહીં. શોભિનવ કહે છે, ‘સંસ્કૃત દેવોની ભાષા કહેવાય છે. આ સંસ્કૃતમાંથી હું એક વાત શીખ્યો કે જીવનમાં ક્યારેય મોઢામાંથી અપશબ્દ નીકળવો ન જોઈએ, એ મા સરસ્વતીનું અપમાન છે.’
સંસ્કાર થકી મર્યાદા
શોભિનવે નક્કી કર્યું કે તે જીવનમાં ક્યારેય અપશબ્દ નહીં બોલે. તેનો આ જ નિયમ આવતા સમયમાં તેને કનડવાનો પણ છે, પણ તેને એ બાબતનો જરા પણ રંજ નથી. શોભિનવ કહે છે, ‘હું ક્યારેય સ્ક્રીન પર કોઈ અપશબ્દ નહીં બોલું. બીજી વાત, હું ક્યારેય એવી ફિલ્મ કે વેબ-સિરીઝ નહીં કરું જે ઍડલ્ટ સર્ટિફિકેટ સાથેની હોય. મેં એ પણ નક્કી રાખ્યું છે કે હું ક્યારેય અન્ડરવર્લ્ડની પણ કોઈ ફિલ્મ નહીં કરું, ક્યારેય નહીં. પાંચ વર્ષનું બાળક પણ જોઈ શકે એવી જ ફિલ્મો હું કરીશ. કામ ત્યારે જ મળે જ્યારે તમે એની જવાબદારી નિભાવી શકો. મારે મારી જવાબદારી નિભાવવી છે અને એટલે જ મેં નક્કી રાખ્યું છે કે હું મારા થકી સોસાયટીને કે યંગ જનરેશનને ખોટા રસ્તે તો નહીં જ વાળું.’
આ જ કારણોસર શોભિનવ અત્યાર સુધીમાં ૬ ફિલ્મો નકારી ચૂક્યો છે અને અત્યારે ૧૩ સ્ક્રિપ્ટ તેના હાથમાં છે જે તેણે વાંચવાની બાકી છે. શોભિનવ કહે છે, ‘ઈશ્વરે બોલવાની ક્ષમતા આપી છે તો શું કામ એ ક્ષમતાનો ઉપયોગ ગાળો માટે કરવો.’
શોભિનવની ગાળની વ્યાખ્યા તમે સાંભળો તો તમને અને મને હસવું આવે. શોભિનવ કહે છે, ‘મારા મામા મારા પપ્પાના જે થાય એ રિલેશનશિપ માટે વપરાતો શબ્દ (એટલે કે સાલા) પણ મારે મન ગાળ છે અને હું એ શબ્દ પણ મારા મોઢામાંથી બોલતો નથી. સેટ પર તો બધાને બહુ નવાઈ લાગતી, કારણ કે વાતાવરણ ટેન્શનવાળું જ હોય પણ એ પછી પણ મારા મોઢામાંથી અપશબ્દ નીકળે નહીં. મને લાગે છે કે અપશબ્દનો ઉપયોગ જ ન થવો જોઈએ. 
ગુસ્સો વ્યક્ત કરવા માટે તમારાં એક્સપ્રેશન્સ અને આંખ તો છે, પછી શું કામ જીભનો દુરુપયોગ કરવો?’
શોભિનવ સત્ય સવારે જાગીને હનુમાનચાલીસાનું પઠન કરે છે તો નાહી-ધોઈને, ફ્રેશ થઈને પણ હનુમાનચાલીસાનું પઠન કરે. આ ઉપરાંત દિવસ દરમ્યાન તે ક્યાંય એકલો જતો હોય તો પણ તેના હોઠ પર હનુમાનચાલીસા જ હોય અને એ પણ બીજાને આછીસરખી સંભળાય એ રીતે બોલાતી હોય. હનુમાનચાલીસા પ્રત્યેનો તેનો આ પ્રેમ ‘હનુમાન અંશ’નાં ઘણાં વર્ષો પહેલાંનો છે. શોભિનવ કહે છે, ‘લોકો ગીતો ગણગણે એમ હું હનુમાનચાલીસા ગણગણતો હોઉં.’
અટક અને પપ્પા
શોભિનવ તેના પપ્પા સત્યેન્દ્ર શ્રીવાસ્તવથી ભારોભાર ઇમ્પ્રેસ છે. શોભિનવ કહે છે, ‘સાચું બોલવું, સાચા રસ્તે ચાલવું અને સાચા હોય તેને સાથ આપવો આ ૩ ક્વૉલિટી પપ્પાની છે જે હું નાનપણથી જોતો આવ્યો છું. મુંબઈ આવવાનું નક્કી કર્યું ત્યારે મારા પપ્પાએ મને આ જ વાત યાદ દેવડાવી અને મેં નક્કી કર્યું કે હું મારું સ્ક્રીન-નામ ચેન્જ કરીશ અને મારા નામ સાથે પપ્પાનું નામ જોડીશ.’
 ‘સત્યેન્દ્ર’માંથી શોભિનવે ‘સત્ય’ લીધું અને પોતાનું નામ તેણે શોભિનવ સત્ય કર્યું, જે આજ સુધી ચાલુ રહ્યું છે. શોભિનવ કહે છે, ‘મને ‘હનુમાન અંશ’નો મારો ઑસ્કર ત્યારે જ મળી ગયો જ્યારે પપ્પા મારી ફિલ્મ જોવા ગયા અને ફિલ્મ જોતાં-જોતાં તેમની આંખમાં આંસુ આવી ગયાં.’
એ દિવસ યાદ કરતાં શોભિનવની આંખોમાં ચમક આવી જાય છે. શોભિનવ કહે છે, ‘પપ્પા સાથે મારી બહેન ફિલ્મ જોવા ગઈ હતી. પપ્પાની આંખમાં આંસુ જોઈને તેણે પપ્પાને પૂછ્યું કે તમે દાદાની (ભાઈની) ઍક્ટિંગ જોઈને રડી પડ્યાને. ત્યારે પપ્પાએ જવાબ આપ્યો કે હું તો નીમ કરોલી બાબા જોઈને રડી પડ્યો. તમે જ કહો, આનાથી મોટો પુરસ્કાર બીજો કયો હોય.’
નીમ કરોલી બાબાનું કૅરૅક્ટર નિભાવી લેનારા શોભિનવ સત્યનું જો કોઈ ડ્રીમ કૅરૅક્ટર હોય તો એ છે ભગવાન શ્રી રામનું. હા, તેણે હજી સુધી ‘રામાયણ’ જોઈ નથી. શોભિનવ કહે છે, ‘મારે ફિલ્મ જોવા જવી છે, પણ પ્રૉબ્લેમ એક જ થાય છે કે લોકો હજી ઓળખી જાય છે. પહેલાં ફિલ્મ ચાલતી હતી અને હવે સોની લિવ પર ફિલ્મ રિલીઝ થાય છે એટલે એનું પ્રમોશન અને બ્રૅન્ડિંગ ચાલુ થયું છે. લોકો ઓળખે એની સામે પ્રૉબ્લેમ નથી, ઍક્ટર તરીકે તમે ખુશ જ થાઓ; પણ મને ડર એ વાતનો છે કે મારા કારણે બીજા કોઈ ડિસ્ટર્બ ન થાય.’



હનુમાન અંશ સીક્વલનું શું?

ઇટ્સ ઑફિશ્યલ કે ‘હનુમાન અંશ’નો બીજો ભાગ આવવાનો છે એવું શોભિનવ સત્ય કહે છે અને સાથોસાથ એ પણ કહે છે કે એ ફિલ્મની સ્ક્રિપ્ટનો હજી સુધી એક શબ્દ પણ લખાયો નથી એ પણ એટલું જ સાચું. શોભિનવ કહે છે, ‘સેકન્ડ પાર્ટમાં મારો રોલ કેટલો આગળ વધશે, કેટલો ટાઇમ-લૅપ્સ લેવામાં આવશે એ વિશે પણ હજી ક્લૅરિટી નથી આવી એટલે એ કહેવું પણ થોડું વહેલું કહેવાશે કે એ ફિલ્મમાં નીમ કરોલી બાબા તરીકે હું જ હોઈશ કે મારા સિવાય બીજું કોઈ પણ હોઈ શકે છે; પણ હા, અમે એક ફૅમિલી છીએ એટલે એટલું નક્કી છે કે હું એ પ્રોજેક્ટ સાથે જોડાયેલો તો સોએ સો ટકા છું અને મારે એ માટે મારી જાતને ફ્રી રાખવાની છે.’

‘હનુમાન અંશ’ની સીક્વલને ધ્યાનમાં રાખીને જ શોભિનવ સત્ય પોતાની આગામી ફિલ્મના કૅરૅક્ટરની બાબતમાં બહુ સભાન છે. શોભિનવ કહે છે, ‘એક ઍક્ટર તરીકે મારે જુદાં-જુદાં પાત્રો કરવાં જોઈએ એ સાચું, પણ સાથોસાથ મને લાગે છે કે એક માણસ તરીકે મારે જવાબદારીપૂર્વક પણ વર્તવું જોઈએ જે હું ક્યારેય ચૂકીશ નહીં.’

નવરા બેઠાં ન્યુમરોલૉજી શીખ્યો
વચ્ચે થોડો સમય શોભિનવ સત્ય પાસે કામ નહોતું અને તે એમ જ ઘરમાં હતો ત્યારે તેને મમ્મી-પપ્પાની વાત યાદ આવી કે જીવનમાં ક્યારેય નવરા બેસવું નહીં, ટાઇમ મળે તો શીખતા રહેવું. બસ, શોભિનવને કામ મળી ગયું અને તેણે ન્યુમરોલૉજી શીખવાનું શરૂ કરી દીધું. શોભિનવ કહે છે, ‘મારે એને પ્રોફેશન નથી બનાવવો, હું મારા કે મારા 
ફ્રેન્ડ્સ-ફૅમિલી પૂરતું એ જોતો રહું એટલું જ. હા, મેં એમાં મારી રીતે માસ્ટરી મેળવવાની ટ્રાય કરી છે અને મારા નામના સ્પેલિંગમાં મેં એ મુજબ ચેન્જ કર્યો અને એ ચેન્જ કર્યા પછી મને એનો બેનિફિટ પણ થયો છે.’
શોભિનવ સત્યના અંગ્રેજી સ્પેલિંગનું ટોટલ ૬ થાય છે અને ૬ નંબરને અંકશાસ્ત્રમાં શુક્ર સાથે જોડવામાં આવ્યો છે. શોભિનવનો જન્મ પણ શુક્રવારે થયો હતો.

હું મને જ ડિરેક્ટ કરું
શોભિનવને અત્યારે તો ઍક્ટિંગમાં જ આગળ વધવાની ઇચ્છા છે, પણ તેની ડિરેક્શનની ઇચ્છા તો હજી પણ અકબંધ છે. ‘હનુમાન અંશ’ પછી શોભિનવને ઇચ્છા જાગી છે કે તે એક ફિલ્મ ડિરેક્ટ કરે જેમાં તે પોતે જ હીરો હોય. શોભિનવ કહે છે, ‘આવું અનેક ઍક્ટર-ડિરેક્ટરે સક્સેસફુલી કર્યું છે અને એમાંનું રીસન્ટ નામ જો કોઈ હોય તો એ ‘કાંતારા’ ફેમ રિષબ શેટ્ટી અને એવરગ્રીન નામ હોય તો એ ગુરુ દત્ત.’


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 10:18 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK