ગભરાટમાં દોડવાને કારણે ૧૮ વર્ષના હર્ષલ શિંદેને હાર્ટ-અટૅક આવી ગયો, ૩ વર્ષ પહેલાં તેની બાયપાસ સર્જરી થઈ હતી.
શ્વાનથી બચવા દોડીને જીવ ખોનાર ૧૮ વર્ષનો હર્ષલ શિંદે
ભટકતા શ્વાનોનો ત્રાસ જીવલેણ બની રહ્યો છે. બદલાપુરમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. એક યુવાન પાછળ પડેલા શ્વાનથી બચવા જીવ લઈને દોડ્યો અને ગભરાટમાં દોડવાને કારણે હાર્ટ-અટૅક આવતાં તેનો જીવ જતો રહ્યો હતો. આ ઘટનાથી પ્રશાસનના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે. ભટકતા શ્વાનો પર કન્ટ્રોલ કરવામાં પ્રશાસન નિષ્ફળ ગયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
ગુરુવારે ૧૮ વર્ષનો હર્ષલ શિંદે તેના મિત્રો સાથે બદલાપુર-વેસ્ટના શનિનગર વિસ્તારમાં તેના મિત્રને મૂકવા ગયો હતો. એ સમયે એક મહિલા રખડતા શ્વાનોને ખાવાનું આપી રહી હોવાનું જણાઈ આવ્યું હતું. એ વખતે ત્યાંનો જ એક ભટકતો શ્વાન હર્ષલ અને તેના મિત્રની પાછળ પડ્યો. ગભરાયેલો હર્ષલ શ્વાનથી બચવા જીવ મુઠ્ઠીમાં લઈને ફાસ્ટ દોડ્યો હતો. દોડતાં-દોડતાં તે એક દુકાનમાં જતો રહ્યો પણ તેને એ વખતે સ્પીડમાં દોડવાને કારણે હાર્ટ-અટૅક આવ્યો અને તેનો જીવ જતો રહ્યો હતો. આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ADVERTISEMENT
ત્યાર બાદ પોલીસે તેના મૃતદેહનો કબજો લીધો હતો અને તેને બદલાપુર રૂરલ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો હતો. હાર્ટ-અટૅકને કારણે જ તેનું મૃત્યુ થયું હોવાનું ડૉક્ટરોએ કન્ફર્મ કર્યું હતું.
૩ વર્ષ પહેલાં હર્ષલની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. શ્વાનથી બચવા તે બહુ જ સ્પીડમાં દોડ્યો હોવાથી તેના હાર્ટ પર પ્રેશર આવ્યું હતું અને તેને અટૅક આવ્યો હતો એવી માહિતી બહાર આવી છે.
બદલાપુરમાં આજની તારીખે ૧૫,૦૦૦ રખડતા શ્વાનો છે. શ્વાનો દ્વારા અવારનવાર હુમલો થતો હોય છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન ડૉગ-શેલ્ટર બનાવીને એમના પર કન્ટ્રોલ રાખવા પ્રયાસ કરી રહ્યું છે. જોકે એ પૂરતાં ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
૮૫૦૦ સ્ટ્રે ડૉગ્સનું વૅક્સિનેશન અને સ્ટરિલાઇઝેશન કરાયું છે
આ ઘટના બાદ ‘મિડ-ડે’એ જ્યારે કુલગાવ-બદલાપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટનાં હેડ શ્રેયા શિરવટકરનો સંપર્ક કરી વિગતો જાણવા માગી ત્યારે તેમણે કહ્યું હતું કે ‘યુવાનના મોતની એ ઘટના બાદ અમે શનિનગર વિસ્તારમાં અમારી ટીમ મોકલી ત્યાંના બધા જ સ્ટ્રે ડૉગ્સને પકડવાનું અભિયાન હાથ ધર્યું છે. જોકે દરેક વખતે શ્વાન પકડાતા નથી હોતા. એથી એ શ્વાનોને પકડવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે. અમારી આ રખડતા શ્વાન પકડવાની ઝુંબેશ સતત ચાલતી જ રહે છે. અત્યાર સુધી અમે ૮૫૦૦ જેટલા રખડતા શ્વાનોને પકડીને તેમનું વૅક્સિનેશન અને સ્ટરિલાઇઝેશન કર્યું છે. જોકે નિયમ મુજબ એ કર્યા બાદ પણ તેમને તેમના જ વિસ્તારમાં છોડી દેવા પડે છે. અમારી ઝુંબેશ ચાલુ જ છે.’
