Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાહ્‍નવી કપૂરે ૩૫૫૦ પગથિયાં ચડીને તિરુમલા વેન્કટેશ્વર મંદિરમાં કર્યાં દર્શન

જાહ્‍નવી કપૂરે ૩૫૫૦ પગથિયાં ચડીને તિરુમલા વેન્કટેશ્વર મંદિરમાં કર્યાં દર્શન

Published : 07 March, 2026 01:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાહ્‍નવી દર વર્ષે પોતાના જન્મદિને નિયમિત ભગવાન વેન્કટેશ્વરનાં દર્શન કરે છે અને આ વર્ષે પણ તેણે આ પરંપરાનું પાલન કરીને ગઈ કાલે વહેલી સવારે તિરુમલા વેન્કટેશ્વર મંદિર પહોંચીને દર્શન કર્યાં હતાં.

જાહ્‍નવી કપૂરે ૩૫૫૦ પગથિયાં ચડીને તિરુમલા વેન્કટેશ્વર મંદિરમાં કર્યાં દર્શન

જાહ્‍નવી કપૂરે ૩૫૫૦ પગથિયાં ચડીને તિરુમલા વેન્કટેશ્વર મંદિરમાં કર્યાં દર્શન


જાહ્‍નવી કપૂર નિયમિત આંધ્ર પ્રદેશમાં આવેલા તિરુમલા વેન્કટેશ્વર મંદિરમાં દર્શન કરવા જાય છે. ગઈ કાલે જાહ્‍નવીની ૨૯મી વર્ષગાંઠ હતી એ પ્રસંગે ખુલ્લા પગે ચાલીને તેણે ભગવાન વેન્કટેશ્વરનાં દર્શન કર્યાં હતાં. આ દર્શન કરવા માટે જાહ્‍નવી અંદાજે ૩૫૫૦ પગથિયાં પણ ચડી હતી. અહીં પહાડ પર આવેલા મંદિર સુધી જવા માટે જાહ્‍નવીએ પરંપરાગત રીતે અન્ય ભક્તોની જેમ આધ્યાત્મિક યાત્રા પૂરી કરી હતી. લાંબું અને કઠિન ચડાણ હોવા છતાં સમગ્ર યાત્રા તેણે શાંતિથી પૂરી કરી હતી. મંદિરમાં દર્શન કરવા જાહ્‍નવીએ સફેદ રંગનાં ફૂલોની નાજુક ડિઝાઇનવાળાં આરામદાયક કુરતો-પાયજામો પહેર્યાં હતાં અને નો-મેકઅપ લુકમાં તે જોવા મળી હતી.

પરંપરાનું પાલન
જાહ્‍નવી દર વર્ષે પોતાના જન્મદિને નિયમિત ભગવાન વેન્કટેશ્વરનાં દર્શન કરે છે અને આ વર્ષે પણ તેણે આ પરંપરાનું પાલન કરીને ગઈ કાલે વહેલી સવારે તિરુમલા વેન્કટેશ્વર મંદિર પહોંચીને દર્શન કર્યાં હતાં. આ વર્ષે જાહ્‍નવી સાથે તેનો બૉયફ્રેન્ડ શિખર પહારિયા નહોતો પણ બીજા મિત્રોએ તેને કંપની આપી હતી. જાહ્‍નવીએ મંદિરમાં અન્ય ભક્તોને મળી અને તેમની વિનંતીને માન આપીને તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. વહેલી સવારે જાહ્‍નવીએ ભગવાન વેન્કટેશ્વરના VIP દર્શન કર્યાં હતાં. દર્શન બાદ પંડિતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે તેને આશીર્વાદ આપ્યા હતા. ત્યાર બાદ મંદિરના અધિકારીઓએ તેને પવિત્ર તીર્થપ્રસાદ આપ્યો હતો. જાહ્‍નવીએ તેની આ યાત્રાની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.



મને આશા છે કે દરેક જન્મમાં તું મારી સાથે રહેશે: ખુશી કપૂર


જાહ્‍નવી કપૂરની ગઈ કાલે ૨૯મી વર્ષગાંઠ હતી. એ દિવસે તેની નાની બહેન અને ઍક્ટ્રેસ ખુશી કપૂરે સોશ્યલ મીડિયા પર કેટલીક ઇમોશનલ તસવીરો શૅર કરીને લખ્યું છે,  ‘મારી બહેન, મારી બેસ્ટ ફ્રેન્ડ, મારી સલાહકાર, મારી ટીચર અને મારી પાર્ટનર-ઇન-ક્રાઇમને જન્મદિનની શુભેચ્છા. તું દુનિયાની સૌથી સારી વ્યક્તિ છે અને મારા વ્યક્તિત્વના ઘડતરમાં તારો મોટો ફાળો છે. તારા વગર હું કશું નથી. મને આશા છે કે દરેક જન્મમાં તું મારી સાથે રહેશે. હું તને ખૂબ પ્રેમ કરું છું.’


શ્રીદેવી દીકરી જાહ્‍નવી કપૂરને ઍક્ટ્રેસ નહીં પણ ડૉક્ટર બનાવવા માગતી હતી

શ્રીદેવીની મોટી દીકરી જાહ્‍નવી કપૂરની ગઈ કાલે ૨૯મી વર્ષગાંઠ હતી. જાહ્‍નવીને બાળપણથી જ અભિનયનો શોખ હતો, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે જાહ્‍નવીની મમ્મી અને સુપરહિટ ઍક્ટ્રેસ શ્રીદેવી તેને ઍક્ટ્રેસ નહીં, ડૉક્ટર બનાવવા માગતી હતી.

એક વખત ટૉક-શો ‘ટૂ મચ વિથ કાજોલ ઍન્ડ ટ્વિન્કલ’ના એક એપિસોડમાં જાહ્‍નવીએ ખુલાસો કર્યો હતો કે મારી મમ્મી મને ઍક્ટિંગની દુનિયાથી દૂર રાખવા માગતી હતી અને તે ક્યારેય નહોતી ઇચ્છતી કે હું ઍક્ટિંગ કરું.

આ વાતચીત દરમ્યાન જાહ્‍નવીએ ખુલાસો કર્યો હતો કે ‘મારી મમ્મી પોતે અભિનેત્રી હોવાને કારણે ખૂબ પ્રોટેક્ટિવ હતી. તે બહુ કડક હતી. તેને લાગતું હતું કે હું ખૂબ ભોળી છું અને બૉલીવુડમાં ટકી નહીં શકું. આને કારણે તે ઇચ્છતી હતી કે હું ડૉક્ટર બનું. તે મને ઘણી વખત કહેતી કે હું તને ઍક્ટ્રેસ બનતી નહીં જોઈ શકું.’

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK