કમલ હાસને બ્રાહ્મણ હોવા છતાં બે લગ્ન કરવા વિશેના સવાલનો આવો જવાબ આપ્યો. કમલ હાસને જવાબ આપ્યો કે જો થાય તો પણ ઠીક છે અને ન થાય તો પણ કંઈ તકલીફ નથી.
કમલ હાસન
કમલ હાસનની આગામી ફિલ્મ ‘ઠગ લાઇફ’ પાંચ જૂને રિલીઝ થવાની છે અને તે હાલ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મની એક પ્રમોશનલ ઇવેન્ટમાં તેમણે લગ્નનને લગતા પર્સનલ વિચારો વ્યક્ત કર્યા છે. અહીં જ્યારે એક પત્રકારે તેમને તેમનાં લગ્નના સ્ટેટસ વિશે સવાલ કર્યો ત્યારે કમલ હાસને જવાબ આપ્યો કે જો થાય તો પણ ઠીક છે અને ન થાય તો પણ કંઈ તકલીફ નથી. અત્યાર સુધી કમલ હાસને બે લગ્ન કર્યાં છે. તેમનાં પહેલાં લગ્ન નૃત્યાંગના વાણી ગણપતિ અને બીજાં લગ્ન ઍક્ટ્રેસ સારિકા સાથે થયાં હતાં.
લગ્ન વિશેની પોતાની એક અંગત ચર્ચા જણાવતાં કમલ હાસને કહ્યું હતું કે ‘થોડાં વર્ષો પહેલાં એક કાર્યક્રમમાં કેરલાના સંસદસભ્ય અને મારા સારા મિત્ર જૉન બ્રિટસે કૉલેજના વિદ્યાર્થીઓના ગ્રુપ સામે મને પૂછ્યું કે તમે બ્રાહ્મણ પરિવારમાંથી છો, તમે બે વાર લગ્ન કેવી રીતે કર્યાં? આ પ્રશ્નના જવાબમાં મેં તેમને પૂછ્યું, બ્રાહ્મણ પરિવારનો લગ્ન સાથે શું સંબંધ છે? તેમણે મને કહ્યું કે પણ તમે ભગવાન રામમાં માનો છો, તેમની પૂજા કરો છો તો તમારે પણ તેમની જેમ એકપત્નીવ્રત અપનાવવું જોઈએ. મેં તેમને કહ્યું કે હું કોઈ ભગવાનની પૂજા કરતો નથી, હું ભગવાન રામના માર્ગ પર ચાલતો નથી, કદાચ હું તેમના પિતા દશરથના માર્ગે ચાલુ છું.’
બે લગ્નો અને બે લિવ-ઇન રિલેશનશિપ
કમલ હાસને ૧૯૭૮માં ડાન્સર વાણી ગણપતિ સાથે લગ્ન કર્યાં હતાં. થોડાં વર્ષો સાથે રહ્યા પછી તેમણે છૂટાછેડા લીધા. આ પછી કમલ હાસન અને ઍક્ટ્રેસ સારિકા લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં ત્યારે સારિકાએ ૧૯૮૬માં તેમની પહેલી પુત્રી શ્રુતિ હાસનને જન્મ આપ્યો. બન્નેનાં લગ્ન ૧૯૮૮માં થયાં અને તેમની બીજી પુત્રી અક્ષરા હાસનનો જન્મ ૧૯૯૧માં થયો. આખરે બન્નેના ૨૦૦૪માં છૂટાછેડા થયા. આ પછી કમલ હાસન ૨૦૦૫થી ૨૦૧૬ સુધી ઍક્ટ્રેસ ગૌતમી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા.

