કંગના રનૌતે યુવાનોને સલાહ આપી કે ખુલ્લા મનથી વિચારો, પણ જીવન રૂઢિચુસ્ત રીતે જીવો
કંગના રનૌત
કંગના રનૌતે આધુનિક ડેટિંગ કલ્ચર અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને સોશ્યલ મીડિયામાં એક લાંબી નોંધ શૅર કરીને યુવાનોને મહત્ત્વપૂર્ણ સલાહ આપી હતી. કંગનાનું માનવું છે કે આધુનિક ડેટિંગ સંસ્કૃતિની અસર સમાજમાં લગ્નસંબંધો પર પણ પડી છે જેના કારણે વૈવાહિક જીવન સાથે જોડાયેલા ગુનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
કંગનાએ પોતાની નોંધમાં લખ્યું હતું કે ‘વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ, ડેટિંગ ઍપ્સ, બેન્ચિંગ, ઘોસ્ટિંગ, ડબલ અથવા ટ્રિપલ ડિજિટ બૉડી કાઉન્ટ, ક્રમ્બિંગ, સીઇંગ, ટેસ્ટિંગ, ફિલ્ટર્સ, સ્ટોરીઝ, ડ્રગ્સ, ક્લબ્સ અને બીજી ઘણી બધી વસ્તુઓ હોવા છતાં પણ લોકો સંતોષ અનુભવી રહ્યા નથી. કોઈ લક્ષ્ય કે હેતુ વગરનો જુસ્સો ઘણી વખત અવ્યવસ્થિત અને આત્મવિનાશક અભિવ્યક્તિનું સ્વરૂપ ધારણ કરી શકે છે એટલે જીવનમાં જુસ્સો હોવો જરૂરી છે પણ એ તમારી કારકિર્દી અથવા કોઈ કૌશલ્ય પ્રત્યે હોવો જોઈએ. હું યુવાનોને અપીલ કરું છું કે તેઓ પોતાની ઊર્જાને સર્જનાત્મક દિશામાં વાપરે. ખુલ્લા મનથી વિચારો, પરંતુ જીવન રૂઢિચુસ્ત રીતે જીવો. આમ કરવાથી તમે કંટાળો, નકારાત્મકતા, ડિપ્રેશન અને આવી બીજી ઘણી સમસ્યાઓથી બચી શકો છો.’
