પહેલાં જયંત પાટીલ અને હવે એકનાથ ખડસે સાથે વિનોદ તાવડેએ બેઠક કરી એને પગલે રાજ્યના રાજકારણમાં ગરમાટો
BJPના નૅશનલ જનરલ સેક્રેટરી વિનોદ તાવડેએ ગઈ કાલે એકનાથ ખડસેની મુલાકાત લીધી હતી.
રાજ્યસભાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સદસ્ય અને પાર્ટીના નૅશનલ જનરલ સેક્રેટરી વિનોદ તાવડેએ હાલમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના નેતા જયંત પાટીલ સાથે બેઠક કરી હતી. ગઈ કાલે તેઓ NCP (SP)ના નેતા અને વિધાનપરિષદના સભ્ય એકનાથ ખડસેને જઈને પણ મળ્યા હતા. એથી રાજ્યના રાજકારણમાં કશુંક રંધાઈ રહ્યું હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. NCP (SP) મહાવિકાસ આઘાડીથી છેડો ફાડીને મહાયુતિ સાથે જોડાઈને સત્તામાં જોડાઈ શકે એવાં સમીકરણો તેઓ માંડી રહ્યા છે.
જોકે વિનોદ તાવડે એકનાથ ખડસેના ખબરઅંતર જ પૂછવા ગયા હતા એવી ચોખવટ કરવામાં આવી હતી, પણ રાજકીય પંડિતો ટૂંક સમયમાં કોઈ ધડાકો થઈ શકે એવી ગણતરીઓ મૂકી રહ્યા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે એકનાથ ખડસે પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં હતા અને પછી NCP (SP)માં ગયા હતા એટલે ફરી તેમને BJPમાં ખેંચી લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. એકનાથ ખડસે ઉત્તર મહારાષ્ટ્રમાં સારોએવો હોલ્ડ ધરાવે છે અને અધર બૅકવર્ડ ક્લાસનું પ્રતિનિધિત્વ કરે છે. આમ એકનાથ ખડસેને લાવીને ઉત્તર મહારાષ્ટ્રના BJPના જ નેતા ગિરીશ મહાજનનો પ્રભાવ ઓછો કરવાનો કારસો ગોઠવાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. દિલ્હીથી અમિત શાહનું સિગ્નલ મળવા છતાં રાજ્યના જ કેટલાક નેતાઓ એકનાથ ખડસેને પાછા BJPમાં લેવા બદલ નારાજગી વ્યક્ત કરી રહ્યા હોવાથી આમાં મોડું થઈ રહ્યું છે એવું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
