અનુરાગ કશ્યપ, કરણ જોહર અને આદિત્ય ચોપડામાંથી શ્રેષ્ઠ દિગ્દર્શક પસંદ કરવાનું કહેવાયું ત્યારે કંગનાએ આવો જવાબ આપ્યો
કંગના રનૌત
અભિનેત્રી-રાજકારણી કંગના રનૌત પોતાના બેધડક અંદાજ માટે જાણીતી છે. હાલમાં એક ઇવેન્ટમાં કંગનાએ ‘ધુરંધર’ જેવી ફિલ્મો ઉપરાંત શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાથેના સંબંધોની સાથે-સાથે તેની સાથે સંકળાયેલી અનેક બાબતોનો ખુલાસો કર્યો છે. આ સમિટમાં વાતચીત દરમ્યાન કંગનાને જ્યારે અનુરાગ કશ્યપ, કરણ જોહર અને આદિત્ય ચોપડામાંથી શ્રેષ્ઠ દિગ્દર્શક પસંદ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે કંગનાએ સીધું નામ લેવાને બદલે ઍન્કરને ટૉન્ટ મારીને કહ્યું કે ‘મારી ફિલ્મમેકિંગ અને ઍક્ટિંગ માટેની ખાસ પસંદગી છે. મારાં સ્ટાન્ડર્ડ્સ એટલાં ઓછાં નથી જેટલાં તમારાં છે. ઓછામાં ઓછું, તમે વધુ સારું લિસ્ટ તો બનાવી શકતા હતા.’
સલમાન ખાન છે કૂલ
ADVERTISEMENT
સમિટના એક સેગમેન્ટમાં કંગનાને મિત્રતાના આધારે સલમાન, શાહરુખ અને આમિર ખાનમાંથી એકને પસંદ કરવા કહેવામાં આવ્યું ત્યારે તેણે હળવી મજાકમાં કહ્યું, આ મારા મિત્રો ક્યારે બન્યા? જોકે પછી તેણે જવાબ આપ્યો કે મને લાગે છે કે સલમાન બહુ કૂલ છે. આ પછી કંગનાને અનન્યા પાંડે, જાહ્નવી કપૂર અને સારા અલી ખાનમાંથી શ્રેષ્ઠ અભિનેત્રી પસંદ કરવાનું કહેતાં કંગનાએ હસતાં-હસતાં જવાબ આપ્યો કે ચાલો, અનન્યા પાંડેને પસંદ કરીએ. નોંધનીય છે કે ૨૦૨૨ના મે મહિનામાં કપિલ શર્માના શોમાં કંગનાએ અનન્યાની ‘બૉલી-બિમ્બો’ કહીને મજાક ઉડાવી હતી.
શું કંગના રનૌતની સગાઈ થઈ?
કંગના રનૌત ફૅશન-સેન્સથી સૌને પ્રભાવિત કરે છે. હાલમાં તેણે સોશ્યલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં તેણે પરંપરાગત ગુજરાતી પટોળા જેવી લાગતી સાડી પહેરી છે. કંગનાનો આ લુક ફૅન્સને બહુ પસંદ પડ્યો છે, પણ સૌનું ધ્યાન તેણે આંગળીમાં પહેરેલી ડાયમન્ડની રિંગ પર પડ્યું છે. કંગનાની આ વીંટી જોઈને ફૅન્સને સવાલ થઈ રહ્યો છે કે શું કંગનાએ સગાઈ કરી લીધી છે? કંગનાનો આ લુક જોઈને એક ફૅને તો ટ્વીટ પણ કરી દીધું છે કે ‘જીજુ ચોક્કસ ગુજરાતી છે, હવે જાહેર કરી દો.’
