કંગના રનૌતે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે આ ખૂબ જ અલગ પ્રકારનું કામ છે
કંગના રનૌત
કંગના રનૌતની ગણતરી બૉલીવુડની ટૅલન્ટેડ ઍક્ટ્રેસ તરીકે થાય છે. તેણે પોતાની કરીઅરમાં અનેક સફળ ફિલ્મોમાં દમદાર અભિનયથી લોકોનું દિલ જીત્યું છે. કંગના પોતાનાં નિર્ભય અને સ્પષ્ટ મંતવ્યો માટે પણ જાણીતી છે. હાલમાં કંગના ઍક્ટ્રેસની સાથે-સાથે રાજકારણી પણ બની ગઈ છે. તે હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારમાંથી BJPની ટિકિટ પર સંસદસભ્ય તરીકે ચૂંટાઈ છે. કંગનાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં રાજકારણના ક્ષેત્રમાં પોતાના શરૂઆતના અનુભવો અને પડકારો વિશે વાત કરી છે અને કહ્યું છે કે ‘રાજકારણે મને બિલકુલ ખુશી આપી નથી. હું એની ટેવ પાડી રહી છું. હું એમ નહીં કહું કે મને રાજકારણમાં મજા આવી રહી છે. આ એક ખૂબ જ અલગ પ્રકારનું કામ છે, સમાજસેવા જેવું. આ મારું બૅકગ્રાઉન્ડ નથી. મેં ક્યારેય લોકોની સેવા કરવા વિશે વિચાર્યું નથી. મેં મહિલાના અધિકારો માટે લડત આપી છે, પરંતુ આ અલગ છે. લોકો પંચાયત સ્તરની સમસ્યાઓ લઈને મારી પાસે આવે છે. તેઓ મને જુએ છે ત્યારે તૂટેલા રસ્તાઓ જેવી સમસ્યાઓ લઈને મારી પાસે આવે છે અને હું તેમને કહું છું કે આ રાજ્ય સરકારનો મુદ્દો છે તો તેઓ કહે છે કે તમારી પાસે પણ ફન્ડ છે તો તમારું ફન્ડ વાપરો.’
આ ઇન્ટરવ્યુમાં જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે શું તે પોતાને ભવિષ્યનાં વડાં પ્રધાન તરીકે જુએ છે? એનો જવાબ આપતાં તેણે કહ્યું કે ‘મને નથી લાગતું કે હું ભારતનાં વડાં પ્રધાન બનવા યોગ્ય છું, ન તો મારી પાસે એના માટે જરૂરી જુસ્સો કે ઇચ્છાશક્તિ છે. સામાજિક કાર્ય ક્યારેય મારું બૅકગ્રાઉન્ડ નથી રહ્યું અને હું અત્યાર સુધી ખૂબ સ્વાર્થી જીવન જીવી છું.’

