‘બિગ બૉસ 20’માં માહી વિજે ખુલાસો કર્યો કે મણિરત્નમે તેને ‘યુવા’માં કરીના કપૂરનો રોલ ઑફર કર્યો હતો. જોકે સેટ પર એક વ્યક્તિ સાથે ઇક્વેશન બગડતાં તે મુંબઈ પરત આવી અને બાદમાં ટીવીમાં કામ કરવાનું નક્કી કર્યું.
માહી વિજ
સલમાન ખાનના લોકપ્રિય રિયલિટી શો ‘બિગ બૉસ 20’માં જોરદાર ડ્રામા જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ટીવી-ઍક્ટ્રેસ માહી વિજ આ વર્ષની લોકપ્રિય કન્ટેસ્ટન્ટ સાબિત થઈ છે. સલમાને પણ ખુલાસો કર્યો છે કે માહીને ઘણાં વર્ષોથી આ શોની ઑફર મળી રહી હતી, પણ આ વર્ષે જ તેણે શોમાં આવવા માટે હા પાડી છે.
માહીએ માત્ર ટીવી પર જ કામ નથી કર્યું, તે ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. તાજેતરમાં માહીએ ખુલાસો કર્યો હતો કે તેને અજય દેવગનની ફિલ્મ ‘યુવા’ ઑફર થઈ હતી, પણ પછી આ રોલ કરીના કપૂરે ભજવ્યો હતો.
‘બિગ બૉસ 20’ના એક એપિસોડ દરમ્યાન માહીએ કહ્યું હતું કે ‘મુંબઈ આવતાં જ મને ‘તૂ... તૂ હૈ વહી’નો મ્યુઝિક વિડિયો મળ્યો હતો. ત્યાર બાદ એક પછી એક ઘણા મ્યુઝિક વિડિયો મળ્યા. મેં બધા હિટ કર્યા. મ્યુઝિક વિડિયો પૂરા થઈ ગયા બાદ મેં પ્રભુદેવા સાથે સાઉથની ફિલ્મો કરી. ત્યાર બાદ મમૂટી સાથે કામ કર્યું. ત્યાંથી ‘યુવા’ માટે મારી પસંદગી થઈ હતી. મણિરત્નમે મને ‘યુવા’ના કરીનાવાળા રોલ માટે માટે સિલેક્ટ કરી હતી. જોકે સેટ પર એક વ્યક્તિ સાથે મારું ઇક્વેશન થોડું ખરાબ થઈ ગયું. ત્યાર બાદ હું ફરી મુંબઈ આવી ગઈ. બે-ત્રણ ફિલ્મો કૅન્સલ થઈ ગઈ અને પછી મેં વિચાર્યું કે ટીવી કરીશ.’ જોકે માહીએ કોની સાથે તેનું ઇક્વેશન ખરાબ થયું હતું તેના નામનો ખુલાસો કર્યો નથી.
