કોણે કહ્યું વીસની ઉંમરમાં જ આઇટમ-સૉન્ગ કરી શકાય?
મીનાક્ષી શેષાદ્રિ
મીનાક્ષી શેષાદ્રિની ઉંમર ૬૦ વર્ષ છે અને તેને હવે આઇટમ-નંબર કરવાની ઇચ્છા છે. ૮૦ અને ૯૦ના દાયકામાં તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તેણે ભરતનાટ્યમ, કથક અને ઓડિસી નૃત્યની તાલીમ લીધી છે. ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર સાથે લગ્ન કર્યા બાદ તે અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી. તેનું કહેવું છે કે તેને કદી પણ આઇટમ-નંબર કરવાની તક નથી મળી એથી ‘પુષ્પા 3’માં આઇટમ-સૉન્ગ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં મીનાક્ષી શેષાદ્રિ કહે છે, ‘મારી ઇચ્છા છે કે મને ‘પુષ્પા 3’માં આઇટમ-સૉન્ગ કરવા મળે. લોકો બેસીને જુએ અને કહે કે વાઉ! આને કહેવાય આઇટમ-સૉન્ગ. મારે એ વિચારધારાને તોડવી છે કે વીસ વર્ષની આસપાસની ઉંમરમાં જ આઇટમ-નંબર કરી શકાય. તમારો લુક ચોક્કસ પ્રકારનો હોવો જોઈએ અથવા તો ચોક્કસ
પ્રકારની તમારી હાજરી હોવી જોઈએ એ બધી માન્યતાઓને મારે ખોટી સાબિત કરવી છે.’