Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

મને સાંભરે રે...

Published : 09 October, 2026 01:59 PM | Modified : 09 October, 2026 02:02 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

દિગ્ગજ ઍક્ટર નાના પાટેકરના અચાનક નિધન પછી તેમની સાથે સીધો કે પરોક્ષ સંબંધ ધરાવતી ગુજરાતી રંગભૂમિ અને હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલી સેલિબ્રિટીઝ મિડ-ડે સાથે ખુલ્લા મને તેમનાં સંભારણાં યાદ કરે છે

નાનાનાં નવલા રૂપ

અલવિદા નાના

નાનાનાં નવલા રૂપ


નાના પાટેકર અને રંગભૂમિ - રાજેન્દ્ર બુટાલા, ગુજરાતી નાટકોના જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર

વાત છે એંસીના દશકની. એ સમયે નાના પાટેકરની હિન્દી અને મરાઠી ફિલ્મોમાં ડિમાન્ડ શરૂ થઈ ગઈ હતી. નાના પાટેકર ત્યારે જયવંત દળવી લિખિત મરાઠી નાટક ‘પુરુષ’ કરતા હતા, જેમાં તેમનો રોલ ગુલાબરાવ જાધવનો હતો. અદ્ભુત રોલ હતો. બીજી બાજુ નાનાને ફિલ્મોની પણ ઘણી ઑફર આવતી હતી. તેમના ફ્રેન્ડ્સ તેમને સમજાવતા કે આ સમયે તું નાનાં નાટકો કરવાને બદલે ફિલ્મ પર ધ્યાન આપ, પૈસા કમાઈ લે. જોકે નાનાનો સ્વભાવ તો બધાને ખબર જ છે. એકદમ મૂડી માણસ. આ જ પિરિયડમાં હું તેમને એક ફિલ્મ માટે મળ્યો. એ ફિલ્મ હું પ્રોડ્યુસ કરવાનો હતો. હું તેમને મળ્યો અને મારા ડિરેક્ટરે તેમને સ્ટોરી સંભળાવી. નાનાને સ્ટોરી અને પોતાનો રોલ બહુ ગમ્યો, પણ તેમણે ડેટ કઈ આપી હશે એ વિચારો?



વર્ષ ૧૯૮૨માં વર્ષ ૧૯૮પની. હા, નાનાએ ત્યારે મને ૩ વર્ષ પછીની ડેટ આપવાની તૈયારી દેખાડી, જે એ સમયમાં હિન્દી ફિલ્મનો કોઈ સ્ટાર પણ નહોતો કરતો. નાના પાટેકરને મેં રિક્વેસ્ટ સાથે ના પાડી કે એટલી રાહ તો અમે નહીં જોઈ શકીએ, પણ પછી અમે વાતો કરતા હતા ત્યારે મને ખબર પડી કે તેમની પાસે ફિલ્મોમાં એટલું કામ હતું જ નહીં, પણ નાટક તેમણે છોડવું ન પડે એટલે તે મહિનામાં ૧૦ જ દિવસ ફિલ્મનું શૂટિંગ કરતા અને બાકીના દિવસોમાં નાટક કરતા. મેં આવો નાટકપ્રેમ એક પણ ઍક્ટરમાં જોયો નહોતો. નાના પાટેકરે એ દિવસે કહેલી એક વાત મને આજે પણ યાદ છે. તેમણે કહ્યું હતું, ‘બુટાલાજી, નાટક મારું છે. હું ખરાબ કામ કરું તો હૂટ-આઉટ પણ મારે થવાનું ને બહુ સારું કામ કરું તો બધી તાળીઓ પણ મારા એકલાની. આવી સલ્તનત છોડીને હું શું કામ કૅમેરા સામે ઊભો રહીને મુજરો કરું, ફક્ત પૈસા માટે? નથી કમાવા મારે એવા પૈસા.’


એ પછી થોડો સમય તેમની સાથે કૉન્ટૅક્ટ રહ્યો અને પછી હું મારામાં અને તે પોતાનામાં બિઝી થઈ ગયા. જોકે સમયાંતરે હું તેમની કોઈ ફિલ્મ જોઉં અને મને મજા આવી જાય તો હું તેમને મેસેજ કરું. તમે એ મહાન ઍક્ટરની ખાનદાની જુઓ : મેસેજ જોઈને તે જવાબ પણ આપે.

‘ભૂત’ અને ‘કાલ’થી આજ સુધી - સોહમ શાહ, હિન્દી ફિલ્મ-ડિરેક્ટર


નાનાને હું પહેલી વાર મળ્યો ‘ભૂત’ના સેટ પર. એ સમયે હું રામગોપાલ વર્માને અસિસ્ટ કરતો હતો અને ‘ભૂત’માં હું અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. જોકે હું નાનાનો ફૅન છેક જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં સ્ટુડન્ટ હતો ત્યારથી. અમારી કૉલેજમાં નાના પાટેકર ઍઝ અ ગેસ્ટ આવતા. અમને આર્ટિસ્ટ તરીકે પ્રોત્સાહન આપે. એ સમયે નાના પાટેકરનો જે સ્વભાવ અને મિજાજ હતો એ જોઈને જ હું અને મારા જેવા બીજા કેટલાય સ્ટુડન્ટ્સ તેમનાથી ઇમ્પ્રેસ થઈ ગયા. એક વાત હું કહીશ કે એ સમયના નાના પાટેકર અને આજના લેજન્ડ નાના પાટેકરમાં કોઈ ચેન્જ નહોતો આવ્યો. તે ત્યારે પણ જેવા હતા એવા જ છેલ્લે સુધી રહ્યા. ‘ભૂત’માં સ્ટાર્ટિંગથી એન્ડ સુધી નાનાને બધી હેલ્પ કરવાની, તેમને બધું ગાઇડ કરવાની જવાબદારી મારી હતી એટલે હું નૉન-સ્ટૉપ તેમના ટચમાં હતો. એમ જ કહો કે નાનાનો હું ફેવરિટ હતો અને મેં મારી પહેલી ફિલ્મ ‘કાલ’માં કાલીનો રોલ હતો એ નાના પાટેકરને જ મગજમાં રાખીને લખેલો.

એ વાત પછી કરું. પહેલાં ‘ભૂત’ની વાત કરું.

‘ભૂત’ પૂરી થયા પછી ફોટોસેશનમાં તેમને ડિરેક્ટ કર્યા પછી પણ અમે કૉન્ટૅક્ટમાં હતા. મને ફોટોસેશનની એક વાત યાદ છે. એક દિવસ બહુબધા ફોટોગ્રાફ્સ લીધા પછી નાના કંટાળી ગયા અને મને કહે કે સોહમ, હવે એક પણ ફોટો નહીં લેવા દઉં. પછી મારી પાસે આવીને શોલ્ડર પર હાથ રાખીને કહે કે આ બધું સ્ટાર્સનું કામ, મને ન ફાવે; તું પોસ્ટરમાં મારો ફોટો નહીં વાપરે તો ચાલશે, પણ મને આ બધું નથી ગમતું. નાનાસર આમ એકદમ જૉલી માઇન્ડના; પણ જો કોઈની સાથે તેમને ન ફાવે તો તે આગળ-પાછળ, ઉપર-નીચેનું કંઈ ન વિચારે. કરોડોનું નુકસાન થતું હોય તો પણ તે બધું છોડી દે.

એ પછી હું રામુને ત્યાંથી છૂટો પડ્યો અને ધર્મા પ્રોડક્શન્સમાં જૉઇન થયો અને મેં ‘કાલ’ લખી. મેં એ સ્ક્રિપ્ટ સંભળાવી અને તે સાંભળીને ખુશ થઈ ગયા, પણ પછી અનફૉર્ચ્યુનેટ્લી અમે એ રોલ માટે સાથે જૉઇન થઈ શક્યા નહીં અને એ રોલ અજય દેવગને કર્યો. તેમણે પછી ‘કાલ’ જોઈ પણ ખરી અને અજય દેવગનવાળા રોલનાં વખાણ પણ કર્યાં. સાથોસાથ મને એ પણ સમજાવ્યું કે પોતે ફિલ્મ કરવાની ના શું કામ પાડી હતી. એ સમયના તેમના વર્ડ્સ મને આજે પણ યાદ છે. તેમણે મને કહ્યું હતું કે ‘સોહમ, કામ તેની સાથે કરવાની મજા આવે જ્યાં તમને પણ કંઈક શીખવા મળે. બાકી વેઇટર બનીને જો ડિલિવરી જ કરવાની હોય તો પછી એ તો કોઈ પણ કરી આપવાનું.’

એ પછી અમારી રિલેશનશિપ લાંબો સમય સુધી રહી. મારી છેલ્લી ફિલ્મ ‘કર્તમ્ ભુગતમ્’માં પણ નાના મારી પહેલી ચૉઇસ હતા અને અત્યારે જે પ્રોજેક્ટ પર હું કામ કરું છું એ પૉલિટિકલ ડ્રામામાં પણ નાના જ મારી ફર્સ્ટ ચૉઇસ હતા. એ ફિલ્મના કાસ્ટિંગની બધી જવાબદારી મારા પર હતી એટલે મેં નાનાને કહી રાખ્યું હતું કે આ વખતે આપણે હન્ડ્રેડ પર્સન્ટ સાથે કામ કરીએ છીએ, બટ અનફૉર્ચ્યુનેટ્લી...

હું વિના સંકોચે કહીશ કે જો આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ૧૦ નાના પાટેકર હોત તો ઇન્ડસ્ટ્રી અલગ જ હિસાબ-કિતાબથી ચાલતી હોત અને ક્યાંની ક્યાં હોત આજે, પણ એક નાના હતા અને એ પણ હવે જતા રહ્યા.

સારો ઍક્ટર સારો માણસ હોય એ જરૂરી નથી - સંજય ગોરડિયા, ગુજરાતી રંગભૂમિના પ્રોડ્યુસર-ડિરેક્ટર અને ફિલ્મોના ઍક્ટર

આપણે ત્યાં સામાન્ય રીતે એવી પ્રથા રહી છે કે માણસ ગુજરી જાય એટલે તેની પાછળ સારું જ બોલવું, પણ હું એ બધામાં નથી માનતો. હું માનું છું કે માણસ હાજર હોય કે ગેરહાજર, સારું નહીં પણ તેના વિશે સાચું જ બોલવું જોઈએ.

નાના પાટેકર બહુ સારો અભિનેતા. દેખાવમાં જરા પણ પ્રભાવશાળી ન કહેવાય એવો માણસ એક મોટા હીરોની કક્ષાએ પહોંચે એ ખૂબ જ અસામાન્ય ઘટના કહેવાય, એ પણ હિન્દી ફિલ્મોમાં જ્યાં હંમેશાં ચૉકલેટી અને હૅન્ડસમ હીરો જ ચાલતા આવ્યા છે. પણ નાના પાટેકર એ સ્થાન પર પહોંચ્યા. મેં તેમનાં ‘પુરુષ’ અને ‘હમીદાબાઈચી કોઠી’ આ બે મરાઠી નાટકો જોયાં હતાં અને તેમના પર્ફોર્મન્સથી હું મંત્રમુગ્ધ થઈ ગયો હતો. શું દાદુ કલાકાર. જોકે એક માણસ તરીકે તે કેવો હતો એની હું વાત કરું.

નેવુંના દશકની વાત છે. એ સમયે હું ઍક્ટર-ડિરેક્ટર શફી ઇનામદારનો સેક્રેટરી હતો. શફીભાઈ ફિલ્મ ‘હમ દોનોં’ ડિરેક્ટ કરતા હતા જેમાં નાના પાટેકર અને રિશી કપૂર હતા એટલે મારે ઘણી વાર શફીભાઈ સાથે આ બાબતે વાતચીત થતી રહેતી. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે શફીભાઈ અને નાના બન્ને થિયેટરના સમયના ભાઈબંધો. શફીભાઈ બીજી ફિલ્મોમાં ઍક્ટિંગ પણ કરતા એટલે મારે એ ડેટ્સનું પણ જોવાનું હોય. એક દિવસ હું શફીભાઈને મળ્યો તો શફીભાઈએ તેમના માથાના બધા જ વાળ કપાવી નાખ્યા હતા, એકદમ ટક્કલ કરાવી નાખ્યું હતું.

એ જોઈને મને બહુ આઘાત લાગ્યો, કારણ કે ત્રણ-ચાર દિવસ પછી જ એક ફિલ્મનું શૂટિંગ હતું જેમાં શફીભાઈ ઍક્ટિંગ કરતા હતા અને એમાં તેમનો કન્ટિન્યુટીવાળો રોલ હતો. મને આઘાત લાગ્યો કે હવે એ ફિલ્મનું શું થશે? મેં શફીભાઈને પૂછ્યું કે આવી રીતે તમે કેમ કર્યું? ત્યારે તેમણે મને કહ્યું કે ‘કંઈ નહીં, હું નાના પાટેકર સાથે બેઠો હતો તેના ઘરે. અમે ફિલ્મના સીન ડિસ્કસ કરતા હતા અને પછી નાના પાટેકરે એવું કહ્યું કે ચાલ શફી હું તારા વાળ કાપી આપું. નાનાએ મારા એટલા ખરાબ વાળ કાપ્યા કે મારે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું એટલે પછી હું સીધો ગયો સલૂનમાં અને આ ટક્કલ કરાવ્યા સિવાય મારી પાસે કોઈ ઑપ્શન જ નહોતો.’

મને હજી યાદ છે કે મારે રાતોરાત શફીભાઈના વાળની વિગ બનાવવી પડી હતી.

બીજો એક ઇન્સિડન્ટ બન્યો હતો જેમાં નાના પાટેકરે ‘હમ દોનોં’ના સેટ પર શફીભાઈને લાફો મારી દીધો હતો. શફી ઇનામદાર બહુ જ સ્ટ્રૉન્ગ-હેડેડ માણસ, ખૂબ જ સેલ્ફ-રિસ્પેક્ટવાળા માણસ. શફીભાઈ સાથે તેને કંઈક બોલાચાલી થઈ અને નાના પાટેકરે બધાની હાજરીમાં શફીભાઈને લાફો માર્યો. આ આઘાત શફીભાઈ માટે જીરવવો ખૂબ જ અઘરો હતો. હું એવું નહીં કહું કે શફીભાઈનું જે અકાળ મૃત્યુ થયું એ આ લાફાને કારણે થયું, પણ આ પ્રકારના ઘણા ઇન્સિડન્ટ્સ એ દિવસોમાં બન્યા અને એમાં શફીભાઈનું અકાળ અવસાન થયું. એમાં આ એક ઇન્સિડન્ટ પણ તમે કારણભૂત ગણી શકો.

એક ઍક્ટર તરીકે જે નાના પાટેકર ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ લઈ જાય છે એ જ નાના પાટેકરને માણસ તરીકે હું ૧૦૦માંથી પાસિંગ માર્ક પણ ન આપું, કારણ કે ઘણીબધી વાતો ઇન્ડસ્ટ્રીમાં મેં સાંભળી છે તેના વિચિત્ર સ્વભાવની, તેના ગુસ્સેલ સ્વભાવની અને એ બધી વાતો હૉર્સિસ માઉથ જેવી છે. ઍનીવે, હવે નાના પાટેકર આપણી વચ્ચે નથી ત્યારે હું કહીશ કે આપણે બહુ સારો કલાકાર ગુમાવ્યો એનો રંજ સૌ કોઈને રહેવો જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 02:02 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK