‘સિરિયસ મૅન’ માટે તેને ઍમી અવૉર્ડ્સમાં નૉમિનેશન મળ્યું હોવાથી તે ખુશ છે
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકી ‘સિરિયસ મૅન’ માટે મળેલા ઇન્ટરનૅશનલ ઍમી અવૉર્ડના નૉમિનેશનથી સન્માનિત અનુભવે છે. તેને બેસ્ટ ઍક્ટરની કૅટેગરીમાં નૉમિનેશન મળ્યું છે. આ ફિલ્મમાં આકાંક્ષા અને કાસ્ટ પૉલિટિક્સ દેખાડવામાં આવ્યું છે. આ ફિલ્મ મનુ જોસેફની આ જ નામની બુક પર આધારિત છે. પોતાને મળેલા નૉમિનેશન વિશે નવાઝુદ્દીને કહ્યું કે ‘નૉમિનેશન મળવું એ મારા માટે ખૂબ મોટું સન્માન છે. આ ફિલ્મ ભારતીય સમાજની જટિલતા અને નબળાઈ પર પ્રકાશ પાડે છે. સંસ્કૃતિમાં વિવિધતા સ્ટોરીમાં દેખાઈ આવે છે અને સુધીર મિશ્રાએ એ સ્ટોરીને ખૂબ સરસ રીતે બનાવી છે. મારું કૅરૅક્ટર જાતે દોષપૂર્ણ છે, પરંતુ એ તમને જકડી રાખે છે. સુધીરભાઈ સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો અને આશા છે કે આ ફિલ્મ આપણા બધા માટે પહેલવહેલી રહે.’
નવાઝુદ્દીનની પ્રશંસા કરતાં આ ફિલ્મના ડિરેક્ટર સુધીર મિશ્રાએ કહ્યું કે ‘હું હંમેશાં જાણતો હતો કે નવાઝ એકમાત્ર એવો છે જે આ પાત્રને ન્યાય આપી શકશે. તેના જેવા અસાધારણ ઍક્ટર દ્વારા આ પાત્ર ભજવવું એ લોકોને આકર્ષિત કરે છે. ફિલ્મની સુંદરતામાં નવાઝ અને સ્ટ્રૉન્ગ ટીમે વધારો કર્યો છે. અમે સાથે મળીને ફિલ્મને આ બુલંદી સુધી પહોંચાડી છે. ફિલ્મની મેકિંગમાં તેણે ભરપૂર સપોર્ટ કર્યો હતો. અમને એ વાતની ખુશી છે કે આ ફિલ્મને ન માત્ર આપણા દેશમાં, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ જેવા ઍમીમાં પણ ઓળખ મળી છે. જીતની અમને આશા છે.’

