Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણ વિશે કહેવા માટે મારી પાસે એક પણ સારી વાત નથી

રામાયણ વિશે કહેવા માટે મારી પાસે એક પણ સારી વાત નથી

Published : 12 November, 2026 10:58 AM | Modified : 12 November, 2026 12:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાભારતમાં શ્રી કૃષ્ણનો રોલ ભજવનારા નીતીશ ભારદ્વાજનો ટુ-ટર્ન, ટ્રેલર જોઈને કરેલી પ્રશંસા પાછી ખેંચવાની જાહેરાત કરી.

નીતીશ ભારદ્વાજ

નીતીશ ભારદ્વાજ


૧૯૮૮માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી બી. આર. ચોપડાની જાણીતી ટીવી-સિરિયલ ‘મહાભારત’માં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવનારા અભિનેતા નીતીશ ભારદ્વાજે રણબીર કપૂરને ભગવાન રામ તરીકે ચમકાવતી ફિલ્મ ‘રામાયણ’નાં અગાઉ વખાણ કર્યાં હતાં. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ એની પ્રશંસા કરનારી સેલિબ્રિટીઝમાં નીતીશ ભારદ્વાજ પણ સામેલ હતા. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ ફિલ્મને ઑસ્કર મળશે. જોકે ફિલ્મ જોયા બાદ નીતીશનો અભિપ્રાય બદલાઈ ગયો છે. તેમને ફિલ્મ પસંદ આવી નથી. નીતિશે પોતાના સોશ્યલ મીડિયા પેજ પર લખ્યું છે કે આ ફિલ્મ ભારતના ઇતિહાસ અને વારસાને ખોટી રીતે રજૂ કરે છે.

નીતીશે સોશ્યલ મીડિયા પર પોતાની વ્યથા રજૂ કરતાં કહ્યું હતું કે ‘રામાયણ માત્ર એક વાર્તા નથી. એ સનાતન ભારતની સભ્યતા અને આધ્યાત્મિક ચેતના સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે. આ મહાકાવ્યનાં નાયક, નાયિકા અને ખલનાયક એનાં મૂલ્યો અને સંદેશનો મહત્ત્વનો હિસ્સો છે. એનાં પાત્રો અને મહત્ત્વને આ રીતે બદલી શકાય નહીં. ભગવાન વિષ્ણુએ ધર્મ અને પરંપરાની રક્ષા કરવા તથા મર્યાદાની સ્થાપના કરવા માટે જ રામનો અવતાર લીધો હતો. મારા મતે રાવણને અત્યંત ઉદારમતવાદી, સામાજિક ન્યાય કરનાર અને નિષ્પક્ષ વ્યક્તિ તરીકે દર્શાવીને આ ફિલ્મ રામાયણનું નૈતિક માળખું બદલી નાખે છે અને અવતાર લેવાના મૂળ હેતુને જ નબળો પાડે છે. ભવ્ય વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આ મહાકાવ્યનાં મૂળભૂત મૂલ્યોનું સ્થાન ક્યારેય લઈ શકે નહીં.



હું આ ફિલ્મથી ખૂબ દુઃખી અને નિરાશ છું. આ ફિલ્મ વિશે મેં અગાઉ કરેલી પ્રશંસા પાછી
ખેંચું છું. હવે આ ફિલ્મ વિશે કહેવા માટે મારી પાસે એક પણ સારી વાત નથી. વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો દેખાડો આ મહાકાવ્યનાં મૂળભૂત મૂલ્યો,
દાર્શનિક ઊંડાણ અને આધ્યાત્મિક સારનું સ્થાન ક્યારેય લઈ શકે નહીં. મારા મતે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરવાને લાયક નથી, કારણ કે એની વાર્તા ભારતના ઇતિહાસ, વારસા અને મૂળ આધ્યાત્મિક મૂલ્યોને ખોટી રીતે રજૂ કરે છે.’


નીતીશ ભારદ્વાજે રામાયણને ઑસ્કર મળવાની કરી હતી આગાહી

‘રામાયણ’નું ટ્રેલર જોયા બાદ નીતીશ ભારદ્વાજે સોશ્યલ મીડિયા પર ફિલ્મના નિર્માતાઓનાં વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે ‘આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું સન્માન મેળવશે. તેમણે લખ્યું હતું કે ‘બેસ્ટ ફૉરેન ફિલ્મની કૅટેગરીમાં આ ફિલ્મને ૧૦૦ ટકા ઑસ્કર મળશે. સત્યજિત રાય અને શેખર કપૂર પછી નિતેશ તિવારી વિશ્વ સિનેમા માટે ભારતની આગામી મોટી ભેટ છે. પ્રોડક્શન ડિઝાઇન અને સિનેમૅટોગ્રાફી માટે અનેક અવૉર્ડ મળશે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એ સમયગાળાને ખૂબ જ શાનદાર રીતે ફરી જીવંત કરવામાં આવ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK