લિફ્ટ બંધ હોવાના કારણે સીડીથી ઊતરવા મજબૂર પેશન્ટનો વિડિયો વાઇરલ, લોકોમાં રોષ
પગમાં પ્લાસ્ટર લઈ દાદરા ઊતરવા મથતો પેશન્ટ.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સંચાલિત કિંગ એડ્વર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલના ઑર્થોપેડિક ડિપાર્ટમેન્ટની લિફ્ટ બંધ હોવાના કારણે પેશન્ટ્સની કફોડી હાલતનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી હૉસ્પિટલની લિફ્ટ બંધ હોવાના કારણે અત્યંત ગંભીર ઈજાઓ ધરાવતા હોય તથા ચાલવા પણ સક્ષમ ન હોય એવા પેશન્ટ્સે ઉપરના ફ્લોર પર જવા માટે તથા નીચે ઊતરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં પગમાં પ્લાસ્ટર હોય એવો એક મોટી ઉંમરનો પેશન્ટ માંડ-માંડ દાદરા ઊતરવા માટે રીતસરનો ઢસડાઈને નીચે આવતો હોય એવો વિડિયો વાઇરલ થતાં લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો હતો. હૉસ્પિટલ રેઢિયાળ કારભાર ચલાવીને પહેલાંથી જ હેરાન પેશન્ટ્સને વધુ હેરાન કરી રહી હોવાનું નેટિઝન્સનું કહેવું છે.
હૉસ્પિટલના પ્રશાસને લિફ્ટ સરખી કરાવવાની તસદી ન લીધી હોવાના કારણે પહેલાંથી જ બીમારીઓથી ઝઝૂમી રહેલા પેશન્ટ્સની ઈજાઓ વધુ ગંભીર બની શકે એવો ભય હોવાથી BMCના સાર્વજનિક આરોગ્ય સમિતિના અધ્યક્ષ હરીશ ભાંદિર્ગેએ પણ હૉસ્પિટલના જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી હતી. ‘જ્યારે પબ્લિક હૅલ્થ પાછળ હજારો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે ત્યારે લિફ્ટનું મેઇન્ટેનન્સ નહીં, સ્ટ્રેચર નહીં, વ્હીલ-ચૅરનાં ફાંફાં છે’ એમ કહીને તેમણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
ADVERTISEMENT
લિફ્ટ બંધ હોવા બાબતે અૅડિશનલ કમિશનરે ૧૦ દિવસમાં રિપોર્ટ માગ્યો
અૅડિશનલ મ્યુનિસિપલ કમિશનર (સિટી)એ KEM હૉસ્પિટલના ઑર્થોપેડિક વિભાગમાં લિફ્ટ બંધ હોવાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે. ૩૯ વર્ષ જૂની આ લિફ્ટ બંધ થયા બાદ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવામાં ન આવી એ અંગે પણ તપાસ થશે. આ બનાવ અંગે ૧૦ દિવસની અંદર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેના માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પબ્લિક હેલ્થ)ના નેતૃત્વમાં એક તપાસ-સમિતિની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) તૈયાર કરવા માટે પણ નિર્દેશો આપવામાં આવ્યા છે.
