વસઈના બે યુવાનો થયા જખમી, એકને આવ્યા ૭૨ ટાંકા અને બીજાની ટચલી આંગળી કાપવી પડી
હાથમાં સ્કાય-રૉકેટ ફોડવા જતાં ઘાયલ થનારો વિનીત કુમાર.
સોશ્યલ મીડિયા પર પૉપ્યુલર થઈ ફૉલોઅર્સ વધારવાની ઘેલછા વસઈના બે યુવાનોને ભારે પડી ગઈ હતી. બે જુદા-જુદા બનાવોમાં યુવાનો જખમી થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી.
એક બનાવમાં ઘાયલ થનારા યુવકની ઓળખ ૨૧ વર્ષના વિનીત કુમાર તરીકે થઈ હતી. મધુબન એરિયામાં લેબર કૉન્ટ્રૅક્ટર તરીકે કામ કરતા વિનીતે આકાશમાં જઈ ફૂટતા સ્કાય-રૉકેટને હાથમાં જ લઈને ફોડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે અકસ્માતે સ્કાય-રૉકેટ તેના હાથમાં જ ફાટી ગયું હતું. ધમાકો એટલો જોરદાર હતો કે તેના હાથની દશા બગડી ગઈ હતી અને તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેના હાથ પર પાંચ કલાક ઑપરેશન કરવામાં આવ્યું હતું અને ૭૨ ટાંકા લેવા પડ્યા હતા.
ADVERTISEMENT
બીજા એક બનાવમાં એક યુવક હાથમાં ફટાકડો ફોડવાનો પ્રયત્ન કરતો હતો અને એ હવામાં ફંગોળે એ પહેલાં જ હાથમાં ફાટી ગયો હતો. એમાં જખમી થનારા ૧૮ વર્ષના અંજુમ યાદવને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઈજા એટલી ગંભીર હતી કે ડૉક્ટરોને તેના હાથની ટચલી આંગળીને કાપી નાખવાની ફરજ પડી હતી.
