પ્રીતિ ઝિન્ટાએ થિયેટરમાં એકલા જઈને આ ફિલ્મ માણી અને પછી પ્રશંસા કરતી લાંબી પોસ્ટ શૅર કરી
પ્રીતિ ઝિન્ટા
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ બૉક્સ ઑફિસ પર ધમાકેદાર સફળતા મેળવી રહી છે. તાજેતરમાં પ્રીતિ ઝિન્ટાએ પણ ‘ધુરંધર’ જોઈને એની પ્રશંસામાં લાંબી પોસ્ટ શૅર કરી છે.
પોતાની પોસ્ટમાં પ્રીતિ ઝિન્ટાએ લખ્યું કે ‘આજનો દિવસ ખૂબ મજાભર્યો રહ્યો. ઘણા દિવસો બાદ મેં એકલીએ થિયેટરમાં ફિલ્મ જોઈ. બપોરનો શો હાઉસફુલ હતો અને વાહ! કેટલી જબરદસ્ત ફિલ્મ હતી. કદાચ લાંબા સમય બાદ મેં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંથી આ એક છે. રૉ અને રિયલ ફિલ્મ જેમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન, રાકેશ બેદી, ગૌરવ ગેરા અને અન્ય તમામ કલાકારોએ શાનદાર અભિનય કર્યો છે. દિલને સ્પર્શી જાય એવું અને ધબકારા વધારી દે એવું સંગીત મને ખૂબ ગમ્યું અને સૌથી વધુ તો મને આદિત્ય ધરનું દિગ્દર્શન બહુ પસંદ આવ્યું. બહુ મુશ્કેલ છતાં દિલથી બનાવેલી ફિલ્મ છે.’
ADVERTISEMENT
પોતાની પોસ્ટમાં આગળ પ્રીતિએ લખ્યું કે ‘આ કોઈ સામાન્ય ફિલ્મ નથી. આ દરેક તે અજાણ્યા પુરુષ, મહિલા અને દેશભક્ત માટે એક લવ-લેટર છે જેમણે આપણા દેશની રક્ષા માટે પોતાની જિંદગી જોખમમાં મૂકી છે. સાડાત્રણ કલાક પળભરમાં વીતી ગયા અને હું આ ફિલ્મ ફરીથી જોવા માટે તૈયાર છું. આદિત્ય ધર, મારી પાસે શબ્દો નથી, જ્યારે શબ્દો મળશે ત્યારે તમને ફોન કરીને કહીશ કે મને કેવી લાગી અને આ માસ્ટરપીસ મને કેટલો ગમ્યો. ત્યાં સુધી હું માત્ર એટલું જ કહું છું કે મિત્રો, આ ફિલ્મ ચૂકી ન જશો, જરૂરથી જઈને જુઓ. આ માસ્ટરપીસને જીવંત બનાવનારી સમગ્ર કાસ્ટ અને ક્રૂને દિલથી ખૂબ-ખૂબ અભિનંદન.’


