OTT જંક્શન: આ અઠવાડિયે રિલીઝ થશે આ ફિલ્મો
‘ધુરંધર : ધ રિવેન્જ’ જિયોહૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે
આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી ‘ધુરંધર’ની સીક્વલ ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ને ઐતિહાસિક અને રેકૉર્ડતોડ સફળતા મળી છે. હવે આ ફિલ્મ OTT પર પણ ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. આ સીક્વલ ફિલ્મની વાર્તા ‘ધુરંધર’ના અંત બાદ આગળ વધે છે અને રણવીર સિંહના પાત્ર જસકીરત સિંહ રંગી તેમ જ હમઝા અલી મઝારીની બૅકસ્ટોરીથી શરૂઆત થાય છે. ફિલ્મમાં મેજર ઇકબાલનું પાત્ર અર્જુન રામપાલ ભજવી રહ્યો છે અને તેને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIનો ચાલાક માસ્ટરમાઇન્ડ બતાવવામાં આવ્યો છે. આ સીક્વલ ફિલ્મમાં સંજય દત્ત, આર. માધવન, સારા અર્જુન અને રાકેશ બેદી પણ દમદાર રોલમાં જોવા મળશે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ જિયોહૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.
કર્તવ્ય
ADVERTISEMENT
રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બૅનર હેઠળ બનેલી ફિલ્મ ‘કર્તવ્ય’માં સૈફ અલી ખાન લગભગ ૭ વર્ષ બાદ ફરી પોલીસ-અધિકારીના પાત્રમાં પરત ફર્યો છે. ફિલ્મમાં તે એવો પોલીસ-અધિકારી છે જેને પોતાની નિષ્ફળતાઓને કારણે તેના અધિકારીઓ તરફથી સતત ટિપ્પણીઓ સાંભળવી પડે છે. તેની દેખરેખ હેઠળ એક પત્રકારની હત્યા થઈ જાય છે. ત્યાર બાદ હત્યારાની શોધ માટે શરૂ થયેલી તપાસ સૈફને સત્તા, પ્રભાવ અને ભ્રષ્ટાચારની જાળમાં ફસાવી દે છે. કટોકટીના આ સમયે સૈફ વ્યક્તિગત જીવનમાં પણ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે રસિકા દુગ્ગલ, સંજય મિશ્રા અને સૌરભ દ્વિવેદી મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ‘કર્તવ્ય’ નેટફ્લિક્સ પર જોવા મળશે.
ઇન્સ્પેક્ટર અવિનાશ - સીઝન 2
રણદીપ હૂડાની વેબ-સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ની બીજી સીઝન આવી ગઈ છે. આ સીઝનમાં તે ફરી એક વાર ૧૯૯૦ના દાયકાના ઉત્તર પ્રદેશના નીડર સુપરકૉપ તરીકે જોવા મળશે. પહેલી સીઝનની વાર્તાને આગળ વધારતાં ઇન્સ્પેક્ટર અવિનાશ મિશ્રા હવે એક ખતરનાક ગુનાહિત ગૅન્ગ સામે લડી રહ્યો છે. આ ગૅન્ગે સમગ્ર રાજ્યમાં ગેરકાયદે હથિયારોનું મોટું નેટવર્ક ફેલાવ્યું છે અને આ સિરીઝમાં ઇન્સ્પેક્ટર અવિનાશ તેમની સાથે ટક્કર લેશે. ‘ઇન્સ્પેક્ટર અવિનાશ - સીઝન 2’ જિયો-હૉટસ્ટાર પર જોવા મળી રહી છે.
