૪૦ લાખ રૂપિયાની ગોલમાલ તેમ જ સ્મૃતિ માન્ધના સાથે ચીટિંગ કરવાના આક્ષેપ સામે કાયદાકીય જવાબ આપ્યો
પલાશ મુચ્છલ, વિજ્ઞાન માને
મ્યુઝિક-કમ્પોઝર અને ફિલ્મમેકર પલાશ મુચ્છલ પર મરાઠી ઍક્ટર-પ્રોડ્યુસર વિજ્ઞાન માનેએ ૪૦ લાખ રૂપિયાની ઠગાઈનો આરોપ લગાવ્યો હતો અને તેના સ્મૃતિ માન્ધના સાથેના સંબંધ તૂટવાનું કારણ પણ જાહેર કર્યું હતું. આ ગંભીર આરોપો પછી પલાશે વિજ્ઞાન માને સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં પલાશે એક પોસ્ટ શૅર કરીને જણાવ્યું કે તેણે હવે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પલાશે આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે આ દાવાઓ તેની વ્યક્તિગત તેમ જ વ્યાવસાયિક છબિને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યા છે.
પલાશે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘મારા વકીલે સાંગલીના વિજ્ઞાન માનેને તેના ખોટા, અપમાનજનક આરોપો બદલ ૧૦ કરોડ રૂપિયાનો દાવો કરતી માનહાનિની કાનૂની નોટિસ મોકલી છે. આ આરોપો જાણીબૂઝીને મારી પ્રતિષ્ઠા અને પાત્રને ખરાબ કરવાનો પ્રયાસ છે.’
ADVERTISEMENT
પલાશ મુચ્છલ અને સ્મૃતિ માન્ધનાનાં લગ્ન તૂટવાના સમાચાર આવ્યા હતા ત્યારે પલાશ પર સ્મૃતિને ચીટ કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલો હજી શાંત થયો નહોતો ત્યાં રિપોર્ટ આવ્યા હતા કે ૩૪ વર્ષના ઍક્ટર અને પ્રોડ્યુસર તેમ જ સ્મૃતિ માન્ધનાના નાનપણના મિત્ર વિજ્ઞાન માનેએ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં પોલીસનો સંપર્ક કરી પલાશ મુચ્છલ પર ૪૦ લાખ રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત વિજ્ઞાન માનેએ એક મીડિયા-ઇન્ટરવ્યુ દરમ્યાન દાવો કર્યો હતો કે સ્મૃતિની લગ્નની તૈયારી દરમ્યાન પલાશ બીજી એક મહિલા સાથે બેડ પર મજા માણતો રંગે હાથ પકડાયો હતો. વિજ્ઞાન માનેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ત્યાર બાદ ભારતીય મહિલા ક્રિકેટરોએ પલાશને માર માર્યો હતો. વિજ્ઞાન માનેએ કહ્યું હતું કે તેની પાસે આ બાબતના પુરાવા છે જેમાં ચૅટ્સ અને કૉલ-રેકૉર્ડિંગ્સનો સમાવેશ થાય છે.
પલાશ મુચ્છલ અન્ડરવર્લ્ડ મારફત મને ધમકીઓ આપી રહ્યો છે, મને સિક્યૉરિટી આપો: વિજ્ઞાન માને
ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં વિજ્ઞાન માનેએ કહ્યું હતું કે, ‘પલાશ મુચ્છલ મારા પર ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરી રહ્યો છે. અન્ડરવર્લ્ડ મારફત મને ધમકીઓ અપાવવામાં આવી રહી છે. આમ છતાં પણ હું આર્થિક છેતરપિંડીના મામલે ન્યાય માટે મારી લડત ચાલુ રાખીશ. પલાશ મુચ્છલ તરફથી મને જાનનું જોખમ છે એટલે મને સુરક્ષા આપવામાં આવે.’
પલાશ મુચ્છલે હવે ડિલીટ કરી સ્મૃતિ માન્ધના સાથેની તમામ તસવીરો
પલાશ મુચ્છલ અને ભારતીય ક્રિકેટર સ્મૃતિ માન્ધના ૨૦૧૯થી ડેટિંગ કરી રહ્યાં હતાં અને ગયા વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાનાં હતાં. જોકે મેંદી અને હલ્દી જેવી વિધિ પછી પણ તેમનાં લગ્ન ન થઈ શક્યાં અને પલાશ પર સ્મૃતિ સાથે ચીટિંગ કરવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટનાક્રમ પછી સ્મૃતિએ તો તરત જ સોશ્યલ મીડિયા પર પલાશ સાથેની તસવીરો અને વિડિયો ડિલીટ કરી દીધાં હતાં, પણ પલાશના સોશ્યલ મીડિયામાં આ તસવીરો અકબંધ હતી. જોકે હવે સ્મૃતિના મિત્ર વિજ્ઞાન માનેએ લગ્ન તૂટવાના કારણનો ખુલાસો કરતાં પલાશે તેના સોશ્યલ મીડિયા પરથી સ્મૃતિ સાથેના બધા ફોટો અને વિડિયો ડિલીટ કરી દીધા છે. હવે માત્ર તેમનો એક જ વિડિયો બાકી છે જેમાં પલાશના બર્થ-ડેનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે.


