ખ્રિસ્તી સમુદાયના સભ્યોએ એની સામે વિરોધ દર્શાવીને હટાવવાની માગણી કરી
ફિલ્મ ‘પરમ સુંદરી`
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ ‘પરમ સુંદરી’નું ટ્રેલર આવ્યાના ગણતરીના કલાકોમાં ખ્રિસ્તી સમુદાયના સભ્યોએ ચર્ચની અંદર ઍક્ટર્સ વચ્ચે ફ્લર્ટિંગ દર્શાવતા એક સીન સામે વિરોધ દર્શાવ્યો છે અને એને હટાવવાની માગણી કરી છે.
સમાજ પર નજર રાખવાનું અને અયોગ્ય મુદ્દાઓ તરફ ધ્યાન ખેંચવાનું કામ કરતા વૉચડૉગ ફાઉન્ડેશને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC), મુંબઈ પોલીસ, ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મંત્રાલય અને મહારાષ્ટ્ર સરકારને પત્ર લખીને ફિલ્મમેકર્સને ફિલ્મ અને પ્રમોશનલ વિડિયોમાંથી આ સીન હટાવવાનો નિર્દેશ આપવાની માગણી કરી છે.
ADVERTISEMENT
પત્રમાં કહેવામાં આવ્યું છે કે ‘ચર્ચ એક પવિત્ર પૂજાસ્થળ છે અને એને અશ્લીલ સામગ્રીનું મંચ બનાવવું ન જોઈએ. આ દૃશ્ય ધાર્મિક પૂજાસ્થળની આધ્યાત્મિક પવિત્રતાનું અપમાન કરે છે અને કૅથલિક સમુદાયની લાગણીઓને ઊંડે સુધી ઠેસ પહોંચાડે છે.’
પત્રમાં ‘પરમ સુંદરી’ના પ્રોડ્યુસર, નિર્દેશક અને અભિનેતાઓ સામે પોલીસ-ફરિયાદ દાખલ કરવાની માગણી પણ કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૯ ઑગસ્ટના દિવસે રિલીઝ થવાની છે.

