૮ વર્ષ બાદ કમબૅક કરી રહેલી પ્રીતિ ઝિન્ટાએ ફિલ્મોથી દૂર રહેવાનું કારણ જણાવ્યું
પ્રીતિ ઝિન્ટા
એક સમય એવો હતો જ્યારે અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા બૉલીવુડની સૌથી સફળ અને લોકપ્રિય અભિનેત્રીઓમાં ગણાતી હતી. તેણે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરીને પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. જોકે લગ્ન બાદ તે ધીમે-ધીમે ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી. પ્રીતિની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ હતી જે ૨૦૧૮માં આવી હતી. હવે લગભગ ૮ વર્ષ બાદ ફિલ્મ ‘બટવારા 1947’થી મોટા પડદા પર કમબૅક કરી રહેલી પ્રીતિ ઝિન્ટાએ બ્રેકનું કારણ જણાવ્યું છે.
પોતાના બ્રેકનું કારણ જણાવતાં પ્રીતિએ કહ્યું હતું કે ‘સાચું કહું તો મને ફિલ્મોની યાદ આવી નહોતી. હું મારા પરિવાર સાથે ખૂબ ખુશ હતી. મમ્મી બનવું મારા માટે સંપૂર્ણપણે નવો અનુભવ હતો. હું મારાં બાળકો અને મારા અંગત જીવન પર સંપૂર્ણ ધ્યાન આપવા માગતી હતી. મારી કારકિર્દીમાં ભલે કેટલીયે મોટી સિદ્ધિઓ મળી હોય, પણ મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ મારાં બાળકોનો જન્મ છે.’
